ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૧૨ વ્યકિતએ જીવ ગુમાવ્યા
- મૃતકોના પરીવારમાં દિવાળીના તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો
- મહેસાણા જીલ્લામાં ૬ અને બનાસકાંઠામાં ૬ લોકોના મોત નીપજતાં પરિવાર સહિત ગામલોકોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી
મહેસાણા,તા.8
દિવાળીના તહેવારોના ત્રણ દિવસ દરમિયાન મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં બનેલા જુદા જુદા અકસ્માતની ઘટનામાં કુલ ૧૨ વ્યકિતઓએ પોતાના જાન ગુમાવ્યા છે. જયારે ત્રણથી વધુ લોકોને નાનીમોટી ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેના લીધે મૃતકોના પરીવારોમાં દિવાળીની ઉજવણીનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે અકસ્માત અંગેના ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તર ગુજરાતમાં દિવાળીના તહેવારોના છેલ્લા ૭૨ કલાકના સમયગાળામાં મહેસાણા, વિજાપુર, કડી, દાંતા, ડીસા પંથકમાં અલગ અલગ ૯ જેટલા અકસ્માતો સર્જાયા હતા.જેમાં કુલ ૧૧ લોકોના મોત નીપજયા હતા.જેમાં મહેસાણા જિલ્લામાં ૬ અને બનાસકાંઠામાં પાંચ જણાંએ જાન ગુમાવ્યા છે.જયારે ત્રણથી વધુ વ્યકિતઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મળતી વિગતો અનુસાર, ખેતી કરતા દિતાસણ ગામના રમેશજી ઓધારજી ઠાકોર ગામના હાઈવે ઉપર અમદાવાદથી મહેસાણા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે વખતે એક લકઝરીએ તેઓને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.જેનો ગુનો લાંઘણજ પોલીસ મથકે નોંધાયો છે.મહેસાણા શહેરના પાલનપુર હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે પશાભાઈ નાગરભાઈ સેનમાને ટક્કર મારતા ગંભીર ઈજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું.સમીના માત્રોટા ગામના શિક્ષક કેશાભાઈ કલાભાઈ સોલંકીના ભત્રીજા બાઈક પર અમદાવાદ જઈ રહ્યા હતા. માર્ગમાં ભાસરીયા ચોકડીથી મંડાલી રોડ વચ્ચે અજાણ્યા વાહને ટક્કર મારતા કિર્તી ઉર્ફે સંજય ધનાભાઈ સોલંકી(સોમેશ્વર)નું મોત અને અરવિંદ ગેમરભાઈ સોલંકીને ઈજા થઈ હતી. લાખવડથી રામમપુરા રોડ ઉપર કાર પલટી ખાતા અંદર બેઠેલા દિપક મથુરજી ઠાકોર રહે,મહેસાણા નામના યુવાનનું અને કડીથી છત્રાલ રોડ પર રીક્ષા ઝાડ સાથે અથડાતા રીક્ષા ચાલક રૈયાણી અનીલ ઈશ્વરભાઈનું મોત થયું હતું.ફુદેડાથી ફલુ રોડ પર જતી રીક્ષાનું ટાયર નીકળી જતા અંદર બેઠેલા મુસાફરો પૈકી મારવાડી (રાણા) રમેશ વજાજીને ગંભીર ઈજા થતા અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મરણ ગયા હતા.જયારે ડીસાના સોતમલા પાટીયા નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારતાબે પિતરાઈ ભાઈભરત સરદારભાઈ(વર્ષ ૧૮) અને સુરેશ કાળુભાઈ ( વર્ષ ૧૯) ને ગંભીર ઇજા થતાં અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.દાંતીવાડાના ઓઢવા ગામની સીમમાં બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના ત્રણનો ભોગ લેવાયો હતો.જયારે આરખી ગામ નજીક બે બાઈક ટકરાતા કિરણ સોલંકી નામના યુવકનું મોત થયું હતું.આમ,ઉત્તર ગુજરાતમાં દિવાળી ટાણે સર્જાયેલ જુદા જુદા માર્ગ અકસ્માતમાં ૧૨ વ્યકિતઓએ પોતાના જાન ગુમાવતા તેમના પરીવારોમાં શોક ફેલાયો હતો.
ટોટાણાધામથી દર્શન કરીને રાજસ્થાન જતા બે પિતરાઈ યુવાનોના મોત
બેસતા વર્ષના દિવસે ટોટાણાધામ ખાતે સદારામ બાપુના દર્શન કરી પરત આવતા હતા. તે દરમિયાન ડીસા તાલુકાના સોતમલા પાટીયા નજીક રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.જેમાં બાઈક સવાર રાજસ્થાનના બે પિતરાઈ ભાઈઓ ભરત સરદારભાઈ (૧૮ વર્ષ) તથા સુરેશ કાળુભાઈ (૧૯વર્ષ)ેને ગંભીર ઇજાઓ થઇ હતી. પ્રાથમિક સારવાર બાદ બન્ને ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા જયાં બન્ને યુવાનાનું મોત થયું હતું.ઘટનાની જાણ થતાં તેમના પરીવારમાં શોકનો માાહોલ ફેલાયો હતો.
ઓઢવા નજીક અકસ્માતમાં પાંચ માસની દિકરી સહિત દંપતીનું મોત
દાંતીવાડાના શેરગઢ ગામના શ્રવણભાઈ ટાયાણી તેમની પત્ની શિલ્પાબેન અને પાંચ માસની દિકરી જમના સાથે બાઈક ઉપર સાસરી ધનાવાડા જઈ રહ્યા હતા. તે વખતે માર્ગમાં ઓઢવા ગામની સીમમાં ગાડી ચાલકે તેઓને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતી અને તેમની માસુમ દિકરીના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર શોકાતુર બન્યો હતો.
પોલો ફોરેસ્ટ જતા મિત્રોને અકસ્માત નડતા યુવાનનું મોત થયું
મહેસાણા શહેરમાં રહેતા મિત્રો બેસતા વર્ષના દિવસે શીવમ રેસીડેન્સીમાં રહેતા ફાલ્ગુન કમલેશભાઈ રાવળની કારમાં બેસીને વિજયનગર ખાતે આવેલ પોલો ફોરેસ્ટ પર્યટક સ્થળે જવા નીકળ્યા હતી.તે વખતે લાખવાડથી રામપુરા ચોકડી રોડ વચ્ચે કાર પલ્ટી ખાઈ ગઈ હતી.જેમાં ૨૦ વર્ષિય યુવાન દિપક મયુરજી ઠાકોરને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતુ.ંમૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવીલ હોસ્પિટલ લઈ જવાતા સબંધીઓએ આંક્રદ મચાવ્યો હતો.
જુદા જુદા અકસ્માતમાં ભોગ બનેલા મૃતકના નામ
૧. રમેશજી ઓધારજી ઠાકોર રહે,દિતાસણ,તા.મહેસાણા
૨. પશાભાઈ નાગરભાઈ સેનમા રહે,પુનાસણ,તા.મહેસાણા
૩. કિર્તી ઉર્ફે સંજય ધનાભાઈ સોલંકી(સોમેશ્વર) રહે,માત્રોટા,સમી
૪. દિપક મયુરજી ઠાકોર (૨૦ વર્ષ) રહે,મહેસાણા
૫. અનીલ ઈશ્વરભાઈ રૈયાણી રહે,નરોડા,અમદાવાદ
૬. રમેશ વજાજી મારવાડી(રાણા) રહે,ફલુ,વિજાપુર
૭. ભરત સરદારભાઈ (૧૮ વર્ષ), રહે.
૮. સુરેશ કાળુભાઈ(૧૯વર્ષ )ે
૯. શ્રવણભાઈ ધર્માભાઈ ટાયાણી(૩૦ વર્ષ) રહે,શેરગઢ,દાંતીવાડા
૧૦. શિલ્પાબેન શ્રવણભાઈ ટાયાણી(૨૫ વર્ષ) રહે,શેરગઢ,દાંતીવાડા
૧૧. જમના શ્રવણભાઈ ટાયાણી(પાંચ મહિના) રહે,શેરગઢ,દાંતીવાડા
૧૨. કિરણ શીવાભાઈ સોલંકી(૨૧ વર્ષ) રહે,વિરોલ,ધાનેરા