ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી, માત્ર 293 પોઝિટીવ કેસ

- મહેસાણા140, પાટણ 25, બનાસકાંઠા 128 કેસ નોંધાયા

- ત્રીજી લહેરમાં શહેરી વિસ્તારોની સાપેક્ષમાં ગામડાઓમાં કોરોના સંક્રમણનો વ્યાપ ચિંતાજનક

Updated: Feb 7th, 2022


Google NewsGoogle News
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી, માત્ર 293 પોઝિટીવ કેસ 1 - image

મહેસાણા,પાટણ,પાલનપુર,તા.૭

સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટ બાદ ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી છે.સોમવારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં માત્ર ૨૯૩ પોઝિટીવ કેસ સામે આવ્યા હતા.ત્રીજી લહેરમાં આ વખતે કોરોના વાયરસે શહેરી વિસ્તારો કરતાં ગામડાઓને ઘમરોળ્યો હોય તેવું લાગી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક પખવાડીયાથી કોરોના સંક્રમણનો વ્યાપ ચિંતાજનક વધ્યો છે.

કોરોનાની ત્રીજી લહેરમાં ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં સંક્રમણ દિન પ્રતિદિન વધારો જોવા મળતાં આરોગ્ય અને વહિવટીતંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.જોકે, તંત્રએ કરેલા આગોતરા આયોજન અને રસીકરણના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મળેલી સફળતાને કારણે આ પંથકના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણની ગતી અંકુશમાં રાખવામાં આવી હતી. પ્રારંભે સર્જાયેલી ચિંતાજનક પરિસ્થિતી બાદ છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાની ગતી મંદ પડી હોય તેવી પ્રતિતી થઈ રહી છે. સોમવારે મહેસાણામાં ૧૪૦, પાટણમાં ૨૫ અને બનાસકાંઠામાં ૧૨૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કડી તાલુકામાં ૪૪ કેસ નોંધાયા છે.તેમજ મહેસાણા ૪૦, વિસનગર ૬, વડનગર ૬, ખેરાલુ ૨, ઊંઝા ૨, વિજાપુર ૧૩, બેચરાજી ૧૯, જોટાણા ૮ પોઝિટીવ કેસ સામે આવ્યા છે.જેમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ રગપેસારો કર્યો હોય તેમ ગામડાઓમાં ૧૦૩ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.જયારે ૧૪૫ દરદીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં ૨૭ કેસ જયારે ભાભર ૫, દાંતા ૨, દાંતીવાડા ૪, ધાનેરા ૨૨, કાંકરેજ ૧, લાખણી ૪, પાલનપુર ૮, સુઈગામ ૧૬, થરાદ ૧૬, વડગામ ૧ અને વાવમાં ૨૨ કેસ સામે આવ્યા છે.હાલ,૮૨૧ દરદીઓ હોમ આઈસોલેશન અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જયારે ૨૦૯ દરદીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે.ઉપરાંત પાટણ જિલ્લામાં માત્ર ૨૫ કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ તાલુકામાં ૭, સિધ્ધપુર ૯, હારીજ ૪, સમી ૩, ચાણસ્મા ૧ અને સરસ્વતી તાલુકામાં ૧ પોઝિટીવ દરદીનો સમાવેશ થાય છે.જિલ્લામાં એકટીવ કેસ પૈકી ૭૦૭ દરદીઓ હોમ આઈસોલેશન હેઠળ અને ૧ દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.અત્યારસુધીમાં ૩૫૬૦ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે.નોંધપાત્ર છે કે,ત્રીજી લહેરમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શહેરો કરતાં ગામડાઓમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધ્યો છે.


Google NewsGoogle News