મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો,માવઠાની સંભાવના

- શિયાળાની ઋતુના પ્રારંભે જ ઉત્તર ગુજરાતના

- મગફળી, કપાસનો પાક બગડવાની તથા રવિ સિઝનનુ વાવેતર પણ નિષ્ફળ જવાની ભિતી

Updated: Nov 17th, 2021


Google NewsGoogle News
મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો,માવઠાની સંભાવના 1 - image

મહેસાણા,તા.17

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીનો રહીશો અનુભવ કરી રહ્યા છે.  છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ શીતલહેર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિગની અસરને લીધે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં ૨૧મી નવેમ્બર સુધી વાતાવરણ ધૂંધળુ અને કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ, માવઠુ થવાની સંભાવનાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ,બનાસકાંઠા જિલ્લામાં  બુધવારની વહેલી સવારે આકાશમાં  ધુંધળુ વાતાવરણ,ધુમ્મસ અને ઠાર પડયો હતો. સવારથી સાંજ સુધી સૂર્યદેવ આકાશમાં સંતાકૂકડી રમી રહ્યા હોય તેમ અદ્રશ્ય રહ્યા હતા. હવામાન વિભાગે ૧૭મી નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરી છે. જેના લીધે જગતનો તાત ચિંતિત બન્યો છે. એક બાજુ રવિ સિઝનનુ વાવેતર તેમજ મગફળી અને કપાસ વગેરે ખેડૂતોના ખેતરના ખળાઓમાં ખડકેલા ઢગથી પાક બગડવાની ભિતી સેવાઇ રહી છે તેમજ રવિ સિઝનની વાવણીને નુકશાન થઈ  શકે છે. આમ જો કમોસમી માવઠુ થશે તો ખેડૂતોને પડતા પર પાટુ વાગવાની સ્થિતિ સર્જાશે. વરસાદની આગાહીના પગલે સિધ્ધપુર,પાટણ,ભીલડી ,ડીસા સહિતના માર્કેટ યાર્ડમાં હરાજી તથા લે-વેચ પાંચ દિવસ બંધ રાખવામાં આવી છે. બનાસકાઠા કલેકટરે  અધિકારી, કર્મચારીઓને હેડ-ક્વાર્ટસ નહી છોડવા  આદેશ કર્યા છે.

પાટણ, સિધ્ધપુર યાર્ડમાં બે દિવસ કપાસની હરાજી બંધ

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને પાટણ,સિધ્ધપુર ગંજબજાર દ્વારા તારીખ- ૧૮/૧૧/૨૦૨૧ને ગુરુવારથી તારીખ-૨૦/૧૧/૨૦૨૧ને શનિવાર સુધી કપાસની હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવનાર છે.  


Google NewsGoogle News