મહેસાણા જિલ્લાની 17 ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગ વધારાની મંજૂરી અટકી
- બે મહિના અગાઉ શિક્ષણ વિભાગના દરખાસ્ત છતાં
- ધોરણ ૧૧ અને ૧૨ ના વર્ગ વધારો કરવાની મંજૂરી માટે અરજીઓ શિક્ષણ વિભાગને મોકલી અપાઈ છે
મહેસાણા, તા.30
મહેસાણા જિલ્લાની જુદી-જુદી અનુદાનિત હાઈસ્કૂલોમાં ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થી માટેના વર્ગ વધારો કરવાની મંજૂરી માટેની અરજીઓ જે તે શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મોકલવામાં આવી હતી. જે તમામ અરજીઓને ડી.ઈ.ઓ.કચેરી મારફતે ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવ્યા બાદ ત્યાંથી છેલ્લા દોઢ-બે માસથી વર્ગ વધારાની મંજૂરી આવી નથી.
કોરોના મહામારીના કપરાકાળમાં ગત વર્ષે મહેસાણાપંથકની સરકારી અને ખાનગી તથા અનુદાનિત હાઈસ્કૂલોમાં ધોરણ ૧૧ અને ૧૨ ના વર્ગ વધારો અને ઘટાડો કરવા માટેની કામગીરીને અટકાવી દેવાઈ હતી. જો કે, હાલના કોરોના સંક્રમણની ઘટવાની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મહેસાણા શહેરની બે હાઈસ્કૂલ સહિત વિવિધ તાલુકા મથકના ગામોની અનુદાનિત-ગ્રાન્ટેડ ઈન એવી ૧૭ જેટલી હાયર સેકન્ડરી હાઈસ્કૂલોમાં ધોરણ ૧૧ અને ૧૨ ના વર્ગ વધારવા માટેની અરજીઓને પરવાનગી માટે ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી છે. જો કે, છેલ્લાં દોઢેક માસ અગાઉ હાઈસ્કૂલોમાં વર્ગખંડ વધારો કરવાની મોકલવામાં આવેલી અરજીઓની મંજૂરી સરકારમાંથી આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતુ. આ વર્ગ વધારાને મંજૂર કરવામાં આવે તો આગામી વર્ષમાં તેની અમલવારી થઈ શકે. જાણવા મળ્યા મુજબ જિલ્લામાં ધોરણ ૧૧ માં વર્ગ વધારો કરવા માટે ૧૩ શાળાઓ અને ધોરણ ૧૨ના ચાર વર્ગ વધારવા માટે ૪ હાઈસ્કૂલોએ મંજૂરી માગી છે. જો કે, તેની પરમિશનની રાહ જોવાઈ રહી છે.