મહેસાણા પાલિકા સંચાલિત સીટી બસ પાલાવાસણા સર્કલે ખોટવાઈ
- પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ
- નવી બસ યાંત્રિક ખામીથી બંધ પડતાં લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો
મહેસાણા, તા. 7
મહેસાણા નગરપાલિકા સંચાલિત એક નવી જ સીટી બસમાં યાંત્રિક ખામી સર્જાતા પાલાવાસણા સર્કલ નજીક બંધ પડી હતી. જેમાં મુસાફરો અટવાતાં લોકોએ તેનો પોતાના મોબાઈલ વિડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરતાં રમુજ ફેલાઈ હતી.
રાજ રમતમાં છેલ્લા પાંચ વર્ષથી અટવાયેલી પડેલી મહેસાણા સીટી બસ સેવાનો પ્રારંભ માંડ બે દિવસ પહેલા રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત નગરપાલિકા સીટી બસનું સંચાલન થનાર છે. ખાનગી એજન્સી દ્વારા મુકાયેલ ૮ સીએનજી બસો નિર્ધારીત કરાયેલા શહેરના ૮ રૂટો પર દોડાવવાનું શરૂ કર્યું છે. જોકે આ બસ સેવાનો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે.મહેસાણા હાઈવે પર આવેલ પાલાવાસણા ચોકડીએ પહોંચેલી સીટી બસમાં એકાએક યાંત્રીક ખામી સર્જાતા ખોટવાઈ હતી. જેનાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક લોકોએ બંધ પડેલી નવી બસનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરતાં તર્કવિતર્ક સર્જાયા હતા.