Get The App

બિલ્ડર કમ જીપીએસસીના મેમ્બરે ખોટા દસ્તાવેજો બનાવી સોસાયટી તાણી બાંધી

- કડીના ચકચારી શિવમ સોસાયટીના

- સોસાયટી નીચેથી પસાર થતી ઓએનજીસીની ટ્રન્ક પાઈપ લાઈનની રહીશોને જાણ કર્યા વિના છેતરપિંડી આચરી

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
બિલ્ડર કમ જીપીએસસીના મેમ્બરે ખોટા દસ્તાવેજો બનાવી સોસાયટી તાણી બાંધી 1 - image

મહેસાણા, તા.15

આશરે પાંચેક વર્ષ પૂર્વે મહેસાણા જિલ્લાના કડી શહેરના સીમાડા પરની ઓએનજીસીની ટ્રન્ક પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતાં સુજાતપુરા રોડ પરની શિવમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઓઈલ લિકેજ થવાના ચકચારી બનાવમાં જે તે વખતે મકાન માલિકે કોર્ટમાં નોંધાવેલી ફરિયાદના પગલે કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ગાંધીનગર જીપીએસસી બોર્ડના મેમ્બર વિરૃધ્ધ ગુનો દાખલ કરી તેની સામે સમન્સ કાઢી આગામી ૧૪મી ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવાનો હુકમ કડી અદાલતે કર્યો છે.

કડી શહેરના છેવાડાના સુજાતપુરા રોડ પર આવેલી શિવમ સોસાયટીની જમીન નીચેથી પસાર થતી ઓએનજીસીની અન્ડર ગ્રાઉન્ડ  પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતાં ઓઈલ લિકેજ થતાં ગત તા.૨૯/૦૧/૨૦૧૬ ના રોજ મકાન નં.૧૮ અને ૧૯ માં ઓઈલ નીકળતા સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અહીંના મકાનમાં ઓઈલ નીકળવા અંગેની જાણ જે તે વખતે  શિવમ સોસાયટીના બિલ્ડર-કોન્ટ્રાક્ટર રાજેશ પરમાનંદ શુક્લને કરવામાં આવી હતી. જો કે, તેના દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરાઈ ન હતી. જે બાબતે શિવમ સોસાયટીના  મકાન નં.૩૨માં રહેતાં  પટેલ બીપીનચંદ્ર નટવરલાલ (ઉવ.૪૩)એ  શિવમ સોસાયટીના બિલ્ડર-કોન્ટ્રાક્ટર રાજેશ પરમાનંદ શુકલ વિરૃધ્ધ કડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી હતી.

આ અંગે કડી પોલીસ અધિકારીના ઈન્કવાયરી રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ કામના આરોપીએ પોતાના અંગત આર્થિક ફાયદા માટે શિવમ સોસાયટીનું બાંધકામ કરવા સોસાયટીમાં પસાર થતી ઓએનજીસીની પાઈપલાઈન ખોટીરીતે નકશામાં બતાવી ખોટી રીતે એનઓસી મેળવી છે અને ખોટા નકશાનો સાચા તરીકે ઉપયોગ કરી ઓએનજીસીના નિયમોનું પાલન કરેલ નથી તેમજ ગેરકાયદે બાંધકામ કરી આરોપીએ ફરિયાદી તથા સાહેદો સાથે ગુનાહિત વિશ્વાસઘાત તથા છેતરપિંડી કર્યાનો ગુનો કરેલ હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે તેવો રિપોર્ટ પોલીસે અદાલતમાં તા.૩/૭/૨૧ ના રોજ રજૂ કર્યો હતો.

દરમિયાનમાં જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, કડીની કોર્ટમાં કેસ ચાલી જતાં ન્યાયાધીશ તન્મય ગિરીશચંદ્ર શુકલે હુકમ કર્યો હતો કે, ફરિયાદીના વકીલ, ફરિયાદીની ફરિયાદ તથા વેરીફિકેશન અને રજૂ થયેલા દસ્તાવેજો, પોલીસ ઈન્કવાયરીનો રિપોર્ટ વંચાણે લેતાં આરોપીએ પોતાના આર્થીક લાભ માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા રહીશો સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હોવાનું હાલના તબક્કે પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે. જે અંગે આરોપી સામે  ક્રિ.પ્રો.કોડની કલમ-૨૦૪ હેઠળ સદરહુ ફરિયાદ રજિસ્ટરે નોંધી તેની મુદત તા.૧૪/૧૨/૨૦૨૧ના રોજ આરોપીને હાજર રહેવા સમન્સ કાઢવા અને સમન્સની સાથે ફરિયાદની નકલ સામેલ કરવા આદેશ કર્યો હતો.


Google NewsGoogle News