લગ્ન પહેલા ફિટ દેખાતા કપલ લગ્ન પછી ફેટ કેમ થઈ જાય છે?
પ્રત્યેક દુલ્હા અને દુલ્હનની ઈચ્છા હોય છે કે લગ્નના દિવસે તેઓ સૌથી સુંદર અને સૌથી ફિટ દેખાય. એના માટે તેઓ કેટલાક મહિના અગાઉથી જ ડાયટ અને વર્કઆઉટ ચાલુ કરી નાખે છે. પણ લગ્નના થોડા મહિનામાં જ બંને વર-વધુનું વજન વધવા લાગે છે. લગ્ન પહેલા ફિટ દેખાતા દુલ્હા-દુલ્હનના જીવનમાં આવેલા આ પરિવર્તન માટે શારીરિક તેમજ માનસિક જેવા અનેક પરિબળો જવાબદાર હોય છે.
ધી ઓબેસિટી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર લગ્ન પછી પાંચ વર્ષમાં લગભગ ૮૨ ટકા કપલોના વજનમાં પાંચથી દસ કિલોનો વધારો થાય છે. જો કે લગ્ન પછી પુરુષોની સરખામણીએ મહિલાઓના વજન વધુ વધે છે જેના માટે અનેક કારણો જવાબદાર છે.
૧. ડાયટમાં ફેરફાર
લગ્ન પછી યુવક અને યુવતી બંનેની લાઈફ સ્ટાઈલમાં ફેરફાર થવો સ્વાભાવિક છે. પણ સૌથી વધુ પરિવર્તન કન્યાના જીવનમાં આવે છે. હમેંશા આરોગ્યપ્રદ ડાયટ ફોલો કરતી કન્યાએ સાસરે જઈને પોતાના ડાયટમાં ફેરફાર કરવો પડે છે. નવી જગ્યા, નવા લોકો, અલગ પદ્ધતિથી બનાવેલો સ્વાદિષ્ટ ખોરાક, ખાવાના સમયમાં ફેરફાર અથવા અનિયમિતતા જેવા અનેક કારણસર ધીમે ધીમે કન્યાનું વજન વધવા લાગે છે.
૨. ઓવર ઈટિંગ
લગ્ન પછી નવા મેરિડ કપલને અનેક મિત્રો અને પરિવારના સભ્યો લંચ અથવા ડિનરનું આમંત્રણ આપે છે. એકથી બે વર્ષ સુધી તો આવો જ સિલસિલો ચાલુ રહે છે. એના કારણે ડાયટ અને ફિટનેસનો સૌ પ્રથમ ભોગ લેવાય છે. બહારના તળેલા, મસાલેદાર અને જન્ક ફૂડના સેવનથી શરીરમાં વધારાની કેલરી જમા થાય છે જેનાથી વજન વધવા લાગે છે.
૩. તણાવ
લગ્ન પછી કન્યાનું ઘર બદલાય છે, સાથે અનેક વસ્તુઓ પણ બદલાય જાય છે. કન્યાએ નવા વાતાવરણ, નવા લોકો, નવા સંબંધો અને નવા રીતરિવાજ સમજવાના હોય છે. આવી બાબતો સાથે સુસંગત થતા તેને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત જો કન્યા કોઈ નોકરી અથવા વ્યવસાય કરતી હોય તો તેણે ઘર અને ઓફિસ બંનેની જવાબદારી નિભાવવાની હોય છે. આ તમામ બાબતો તાણ ઉત્પન્ન કરનારી છે. તાણને કારણે વજન વધવું સ્વાભાવિક છે.
૪. પ્રાથમિક્તામાં ફેરફાર
લગ્ન પહેલા પોતાને ફિટ રાખવા કન્યાઓ વર્કઆઉટ, જિમ, વિશેષ ડાયટ ફોલો કરતી હોય છે. પણ લગ્ન પછી આ શેડયુલમાં કોઈ કમી અથવા ફેરફાર થઈ જાય છે. ક્યારેક જિમ નથી જઈ શકતી અથવા ડાયટ પર નિયંત્રણ નથી રહેતું. નવા વાતાવરણમાં કન્યા માટે પ્રાથમિક્તા પણ બદલાય જાય છે. આવા કારણોસર કન્યા પોતાના આરોગ્ય માટે સમય નથી ફાળવી શકતી જેનું વિપરીત પરિણામ તેના વજન પર પડે છે.
૫. હોર્મોન્સમાં પરિવર્તન
કન્યાઓમાં લગ્ન પછી વજન વધવાનું મુખ્ય કારણ છે હોર્મોન્સમાં થતા ફેરફાર. લગ્ન પછી જાતીય જીવન સક્રિય થતા મહિલાઓના હોર્મોન્સમાં ફેરફાર થવા લાગે છે. એનાથી પણ વજન વધે છે. ઉપરાંત કેટલીક મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરતી હોય છે જે પણ વજન વધવા માટે જવાબદાર છે.
૬. પૂરતી ઊંઘ ન થવી
લગ્નના થોડા દિવસ અગાઉથી જ કાર્યક્રમો શરૂ થઈ જતા હોય છે. લગ્ન પછી પણ અનેક રસમો નિભાવવાની હોય છે. એના કારણે ઘરમાં મહેમાનોની અવરજવર ચાલુ જ રહે છે. હસી ખુશી અને મસ્તીના વાતાવરણને કારણે ઊંઘવાનો શેડયુલ ખોરવાઈ જાય છે. આથી કપલને બ્લોટીંગની સમસ્યા થાય છે જેના કારણે પણ પેટ ફૂલી જાય છે.
૭. લગ્ન પછી પાર્ટીઓનો સિલસિલો
લગભગ એક વર્ષ સુધી તો મેરિડ કપલનો પાર્ટીઓનો ટ્રેન્ડ ચાલુ રહે છે. ક્યારેક કપલના નજીકના મિત્રો તેમને ભોજન પર ઈન્વાઈટ કરે છે તો ક્યારેક પિયર અથવા ક્યારેક સાસરાપક્ષના સંબંધીઓને ત્યાં જમવા જવું પડે છે. આવી સ્થિતિમાં ડાયટનો ભોગ લેવાય છે અને ફિટનેસમાંથી ફેટનેસ તરફની સફર શરૂ થઈ જાય છે.
૮. શારીરિક પ્રવૃત્તિનો અભાવ
સાસરે નવવધુએ અનેક રસમ નિભાવવાની હોવાથી લગભગ મહિના સુધી તો તેણે પગ-ફેરા, મુંહ દિખાઈ અને પહેલી રસોઈ જેવી રસમોમાં ભાગ લેવો પડે છે. આવા રિવાજોના પાલનને કારણે કપલની, ખાસ કરીને કન્યાની શારીરિક પ્રવૃત્તિ નહિવત થઈ જાય છે. આથી જ ઘણીવાર કપલને તેમના નોર્મલ રુટિનમાં પાછા ફરતા લગ્ન પછી બેથી ત્રણ મહિના લાગી જાય છે.
૯. નિર્ધારીત શેડયુલ ન હોવો
લગ્ન પછી કપલને નોર્મલ રુટિનમાં પાછા આવતા કેટલાક મહિના લાગી જતા હોય છે. એવામાં તેમના જીમ અથવા વર્કઆઉટનો શેડયુલ ખોરવાઈ જાય છે. ઘણી વાર દિવસો સુધી જીમમાં વર્કઆઉટ કરવાની તક નથી મળતી. બંનેને ઘર અને ઓફિસ વચ્ચે સમય મેનેજ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જીમ, ભોજનના સમય, ઊંઘવાના તેમજ જાગવાના કોઈ શેડયુલ જળવાતા ન હોવાથી શરીરના સ્વાસ્થ્ય પર અસર પડે છે.
૧૦. મોટી વયે લગ્ન કરવા
આજના યુગમાં પરફેક્ટ મેચ,કારકિર્દીને પ્રાથમિક્તા, મહત્વાકાંક્ષા, સારી નોકરી, મોટા પેકેજ જેવા અનેક કારણસર વિલંબે લગ્ન કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. હાલના સમયમાં લગ્નની કોઈ ચોક્કસ વય નિર્ધારીત નથી. એક સરવે અનુસાર ૩૦ વર્ષની વય પછી શરીરનો મેટાબોલિક રેટ ઓછો થઈ જાય છે જેના કારણે પણ શરીર સ્થૂળ થવા લાગે છે અને વજન વધે છે.
- ઉમેશ ઠક્કર