Get The App

પ્યુબિક હેર દૂર કરવાની સાચી રીત કઇ?

Updated: Jan 13th, 2020

GS TEAM


Google News
Google News
પ્યુબિક હેર દૂર કરવાની સાચી રીત કઇ? 1 - image


પ્યુબિક હેર, એટલે કે જનનાંગની આસપાસના વાળને દૂર કરવાની વાત હોય ત્યારે મોટાભાગની મહિલાઓ વત્તાઓછા અંશે મૂંઝવણ અનુભવતી હોય છે. વળી શરીરના આ ભાગના વાળ કાઢવાનું જેટલું જરૂરી છે એટલું મુશ્કેલ પણ છે. કેટલીક સ્ત્રીઓ આ વાળ શેવ કરવાનું પસંદ કરતી હોય છે તો કેટલીક  તેને મૂળમાંથી દૂર કરવાનું. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે પ્યુબિક હેર ક્લીન કરવાની કઇ રીત સાચી? વળી જે મહિલાઓ આ વાળ શેવ કરતી હોય છે તે  આ કાર્ય સારી રીતે કરી જાણે છે કે કેમ તે જાણવું પણ જરૂરી છે. 

ગાયનેકોલોજિસ્ટો કહે છે કે જનનાંગની આસપાસના વાળ દૂર કરવાની પ્રક્રિયા બે પ્રકારની હોયછે.એક ડેપિલેશન અને બીજી એપિલેશન.ડેપિલેશન એટલે વાળને માત્ર ઉપરથી દૂર કરવા. અને એપિલેશન એટલે તેને મૂળમાંથી કાઢવા. જોકે તેઓ આ બંને પ્રક્રિયા કરતાં પણ ટ્રીમિંગને વધુ મહત્વ આપે છે.

તેઓ કહે છે કે તમે જ્યારે ડેપિલેશન કરો છો ત્યારે રેઝરનો ઉપયોગ કરો છો. રેઝરને તમે છેક ત્વચા સુધી લઇ જઇને વાળ દૂર કરો ત્યારે તે ક્વચિત તમારી ત્વચા પર ઉઝરડા પણ પાડી શકે છે. જ્યારે એપિલેશનમાં તમે વાળને મૂળમાંથી દૂર કરો છો ત્યારેે તમને પીડા  થાય છે. બહેતર છે કે તમે તે ટ્રીમ કરો, એટલે કે ત્વચાને સ્પર્શ ન થાય એ રીતે ઉપર ઉપરથી જ  આ વાળ કાપી નાખો.

જોકે મોટાભાગની સ્ત્રીઓ આ પધ્ધતિ પસંદ નથી કરતી. બહુધા  સ્ત્રીઓ રેઝર વડે જ પ્યુબિક હેર દૂર કરવાની પધ્ધતિ અપનાવે છે. તેનું કારણ એ પણ છે કે આ પ્રક્રિયા તેઓ જાતે જ કરી શકે છે. તેને માટે તેમને કોઇની મદદની જરૂર નથી પડતી. પરંતુ પ્યુબિક હેર ક્લીન કરવા કેવું રેઝર ઉપયોગમાં લેવું અને તે ક્યારે તેમ જ શી રીતે વાપરવું તે સમજવું પણ જરૂરી છે.

ગાયનેકોલોજિસ્ટો કહે છે કે સ્નાન કર્યા પછી પ્યુબિક હેર દૂર કરવા સૌથી સહેલા રહે છે. આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આ વાળના રોમછિદ્રો ભીંજાઇને ફૂલે છે. પરિણામે તેને દૂર કરવાનું વધુ આસાન બને છે. તેઓ વધુમાં કહે છે કે તમે ચાહો તો જે રીતે પુરુષો દાઢી બનાવતી વખતે શેવિંગ ક્રીમનો ઉપયોગ કરે છે તે રીતે તમે પણ શેવિંગ ક્રીમ લગાવીને પ્યુબિક હેર  કાઢી શકો. જોકે શેવિંગ ક્રીમના  સ્થાને સાબુનો ઉપયોગ કરવાની ભૂલ ન કરવી.

રેઝરનો ઉપયોગ શી રીતે કરવો તેના વિશે તેઓ કહે છે કે રેઝર વાળની દિશામાં જ  ચલાવવું. તેવી જ રીતે રેઝરનો ઉપયોગ કરતી વખતે ત્વચાને  બીજા હાથે ખેંચી ન રાખવી. રેઝર પણ સિંગલ બ્લેડનું જ વાપરવું. તેનું કારણ એ છે કે ડબલ બ્લેડવાળું રેઝર વાપરતી વખતે તેની એક બ્લેડ પ્યુબિક હેરને ઉપર ખેંચે છે અને બીજી બ્લેડ વડે વાળ કપાય છે.

આમ કરવાથી વાળ છેક ત્વચા પાસેથી દૂર થાય છે. પરંતુ વાળ  જેટલાં ત્વચાની નજીકથી દૂર કરવામાં આવે એટલા જલદી તે અંદરથી ઉગવા માંડે. કહેવાનો અર્થ એ છે કે રેઝર વડે પ્યુબિક હેર રીમૂવ કરવા જતાં તે વધારે ઝડપથી ઊગવા લાગે છે.

આવી સ્થિતિ ટાળવા કેટલાંક ગાયનેકોલોજિસ્ટો વેક્સિંગ દ્વારા પ્યુબિક હેર દૂર કરવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે વેક્સિંગ કરાવવાથી રેઝરને લીધે થતી ઇજાનું જોખમ ટળી જાય છે. અલબત્ત, દરેક વસ્તુના  ફાયદાકારક અને હાનિકારક એમ બે પાસાં હોવાના જ. વેક્સિંગ પણ તેમાંથી બાકાત નથી. 

તેથી જો તમે વેક્સિંગ દ્વારા પ્યુબિક હેર દૂર કરવા માગતા હો તો વેક્સનું એકાદ ટીપું શરીરના અન્ય ભાગ પર લગાવીને તે કેટલું ગરમ છે તે તપાસી લેવું .વળી એક જ રેઝર લાંબા  સમય સુધી ન વાપરવું. આમ કરવાથી ઇન્ફેક્શન લાગવાની ભીતિ રહે છે. શક્યત: એક  બ્લેડ એક કે બે વખત જ  વાપરવી. 

- વૈશાલી ઠક્કર

Tags :