Get The App

બગદાણા આશ્રમના વાયુમંડળમાં 'બાપા સીતારામ'નો નાદ અહર્નિશ ગુંજે છે

Updated: Jul 21st, 2021


Google NewsGoogle News
બગદાણા આશ્રમના વાયુમંડળમાં 'બાપા સીતારામ'નો નાદ અહર્નિશ ગુંજે છે 1 - image

શિવકુંવરબા લાખણકાથી પ્રસૂર્તિ અર્થે પોતાને પિયર બુધલ ગામમાં બળદગાડામાં જઈ રહ્યાં હતાં. રસ્તામાં અધવાડા નજીક ઝાંઝરિયા હનુમાનના સ્થાનકે પહોંચ્યાં અને પ્રસૂતિની વેદના ઉપડી તેથી મંદિરમાં સાધુની ઓરડી પાસેની કુટિરમાં રાખ્યાં. ઇ.સ.૧૯૧૧ આસો માસમાં હનુમાન જન્મોત્સવના સંદર્ભે તેમની પ્રસાદી રૂપ શિવકુંવરબેનને પુત્રજન્મ થયો. રામાનંદી પરંપરાના રામાનંદી સાધુ હીરાદાસજીના પુત્ર ભક્તિરામ એટલે બજરંગદાસ બાપુ.

બાલ્યાવસ્થામાં જ ભાવથી સીતારામદાસજી સાથે નીકળી પડયા.  પાંત્રીસ- સાડીત્રીસની વય, અલ્લડ, ફક્કડ વ્યવહાર, વર્તણૂક, બગદાણા તો પ્રાચીન ઋષિ બગદાલજી સાથે તીવ્ર અનુસંઘાન ધરાવતું ગામ- બગદેશ્વર મહાદેવ પણ પ્રાચીન સ્થાનક નદીનો પટ, શરમળિયા દાદાનો વડ કે મહાદેવની જગ્યાએ ક્યારેક બેઠક. એકાદ-બે માટીના માટલા ઉપર એક પ્યાલો બસ, બજરંગદાસ બાપુની આટલી ઘરવખરી.

એક વખત ઢસા ગુરુપૂર્ણિમા ઉજવવા થોડા માણસો સાથે મોટરમાં ભાવનગરથી નીકળ્યાં. રંગોળી નદીમાં ભારે પૂર આવ્યું. બધાં વાહનો રોડ કાંઠે ઊભી રહી ગયેલાં. બાપાએ ડ્રાઈવરને કહી દીધું કે' સીતારામ' બોલીને ગાડી જાવા દ્યો. અને ગાડી નીકળી ગઈ આગળ લીંબડા રોડ પર. માટી ખૂબ ચીકણી. માટીમાંથી પણ ગાડી નિર્વિધ્ને પસાર થઈ ગઈ. આવા કેટલાક પ્રસંગો તેમના જીવન સાથે જોડાયેલા છે. તેમના હાથે સમુદ્ર કિનારે ગળાયેલા વીરડામાંથી મીઠું પાણી નીકળતું. જમણવારમાં માણસો વધુ આવી જાય અને રસોઈ ઘટે તેવું લાગે ત્યારે ભંડાર પર સીતારામના નાદ સાથે અમીદૃષ્ટિ કરતાં હજારો માણસો જમી શકે. આ કોઈ ચમત્કાર નથી પણ સાધનાના પરિપાક રૂપે પ્રગટેલા સહજ લબ્ધિનું પરિણામ અને એમની અધ્યાત્મ વિદ્યા અને યોગ શક્તિના દ્યોતક છે. ૧૯૫૭માં ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ બાપાએ ભવ્ય રીતે બગદાણામાં ઉજવ્યો અને ઇ.સ.૧૯૬૨ના ચીનના આક્રમણ યુદ્ધ વખતે પોતાના આશ્રમની બધી વસ્તુઓની હરરાજી કરી અને તે રકમ સંરક્ષણ ફંડમાં આપી. આ અલગારી સંતે રાષ્ટ્રભક્તિ દૃષ્ટાંત પૂરું પાડેલું.

 વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરનો બાપાને ખૂબ ઉમંગ હતો. વૃક્ષોના ઉછેર માટે બહેનોની સેવા લેતા જોઈ એક શ્રેષ્ઠીએ તેમને પૂછયું કે, અહીં કૂવો છે, મશીન છે પછી આ છોકરીઓ પાસે કેમ પાણી પીવડાવો છો ? કૂવા ચલાવવામાં ક્રૂડ વપરાય, ક્રૂડના પૈસા પરદેશ જાય, પણ આ કામ કરવાથી ૨૫-૩૦ ગરીબ છોકરીઓને ઘર ચલાવવામાં થોડા પૈસાની મદદ મળી જાય જેથી હું તેમને બગીચાનું તમામ કામ આપું છું. બાપાએ મર્મસ્પર્શી જવાબ આપ્યો. અહીં બાપામાં આપણને એક ગ્રામીણ અર્થશાસ્ત્રી એક પ્રબુદ્ધ સમાજચિંતકના દર્શન થાય છે.

એકવાર બાપા બીમાર પડયા. પેટમાં અસહ્ય પીડા, વિચાર આવતો કે 'મને આટલી પીડા છે ને મારી આ માંદગી બીજાને પણ પીડશે, તેના કરતાં ભાવનગરની ખાડીમાં જઈ ડૂબી મરવું સારું, આવું નક્કી કરી નીકળી પડયા. રસ્તામાં સોનગઢમાં જૈન મુનિનો આશ્રમ આવ્યો. એમાં ઉતારો કર્યો. મુનિએ પૂછયું કે, શું પીડા છે ? જેનું જીવન સરલતાના સૌદર્યથી મઢાયેલ છે તેવા બાપાએ બધી જ વાત કરી. મુનિ કહે, માત્ર પાંચ દિવસ રોકાઈ જાઓ, ને મુનિએ દવા કરી. ખોરાકમાં માત્ર પ્રવાહી આપ્યું. છઠ્ઠે દિવસે બાપાએ અંતેવાસીને કહ્યું કે, હવે મરવા જવું પડે તેમ નથી. આ જૈન મુનિએ જીવતદાન આપ્યું, તે રાત્રે હનુમાનજીના સાક્ષાત દર્શન થયા. 'બજરંગદાસ' નામ ધારણ કર્યું. સીતારામના જાપને સેવાભાવને ચરિતાર્થ કરવા લાગ્યા. ૯-૧-૭૭ના વહેલી સવારે ચાર વાગે સેવકોને બોલાવ્યા. ઘૂણી ચેતાવી. ઘૂણીને ત્રણ વખત નમન કરી ઉત્તર દિશામાં મસ્તક રાખી સૂતા સીતારામના જાપ શરૂ કરાવ્યા. જાપ જપતા જપતા ૫.૨૫ કલાકે વિદાય લઈ દિવ્યાત્મા બની ગયા.તેમની વિદાય પછી ત્યાં બાપાની કાંસ્ય પ્રતિમા રામજી મંદિર અને ત્રણેક હજાર માણસો સાથે ભોજન લઈ શકે તેવું ભોજનાલય અને સુવિધાપૂર્ણ અતિથિગૃહ નિર્માણ પામ્યું. આજે પણ બજરંગદાસ બાપાના સાધના સ્થાનક બગદાણા/ આશ્રમના વાયુમંડળમાં 'બાપા સીતારામ'નો નાદ અહર્નિશ ગુંજે છે.

- ગુણવંત બરવાળિયા


Google NewsGoogle News