ગુજરાતી કવિતામાં વસંત ઋતુ
ગુજરાતી સાહિત્યતો વસંતનું પધતીર્થ છે તો વસંતઋતુ ગુજરાતી કાવ્યોમાં ખુબ લાડકોડથી ઉછરી છે. વસંત એ ખૂલવા-ખીલવાની મોસમ છે. તો ગઈકાલથી માંડીને આજ સુધીનાં વિરલ શબ્દ સેવીઓએ વસંતને પોતાના શબ્દોની પીંછીથી મહોરવી છે. એટલે જ વસંતને વસંત ધર્મી ન્હાનાલાલ કવિએ 'ઋતુરાજ વસંત'નું ઉપનામ આપ્યું છે.
વસંત એ ખરા અર્થમાં બધી ઋતુમાં સંત સમાન છે. આપણાં ધર્મશાસ્ત્રો જણાવે છે કે સંતનો સ્વભાવ વસંત જેવો હોવો જોઈએ, જેમાં પ્રકૃતિનાં રંગો, ઉમંગો હોય. જો ગુજરાતી પદ્યમાં વસંતનો વૈભવ જણાતો હોય તો આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં એ ગુજરાતી કવિતાની શાશ્વત વસંત છે.ળ
'આ ઋતુ રૂડી રે, મારા વહાલાં રૂડો માસ વસંત,
રૂડા તે વનમાં કેસુડાં ફૂલ્યાં, રૂડો રાધાજીનો કથ..'
સમગ્ર પ્રકૃતિજો કીર્તન હોય, તો વસંત એનું સંકીર્તન છે. કવિ નિનુ મઝુમદાર કેટલી અદ્ભૂત પંક્તિઓમાં વસંતના રંગો ચિતરયા છે,
'કીર્તન કરી ઉઠી હરિયાલી.
આવી આજે પૂજન કાજે ઋતુ વસંત મતવાલી..
રુદ્રાક્ષનો રંગ વસંતનાં વ્હાલમાં ગુજરાતી ગઝલમાં જેમણે રંગ્યો છે. એવા કવિ રાજેન્દ્ર શુકલ પણ વસંત પર ઓળઘોળ છે,
'અહો શ્વાસ મધ્યે વસંતે મહોરી,
ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી..
'સુંદરમ્'નો વસંત વૈભવ અતિ સુંદર છે,
'મને ફાગણનું એક ફૂલ આપો,
કે લાલ મોરા,
કેસૂડો કામણ ગારો જી લોલ...
કવિ પ્રજારામ રાવળ પણ શિશિર અને વસંતની જુગલબંધી પોતાના કવિતામાં શબ્દ બધ કરી છે,
'શિશિર તણે પગલે વૈરાગી વસંત આ વરણાગી
એક કેરવે વસ્ત્ર પુરાતન, બીજો મખમલ ઓઢાડે,
એક ઉભો અવધૂત દિગંબર, અન્ય પુષ્પમાં પોઢે,
શીતલ એક હિમાલય સેવી, અન્ય જગત અનુરાગી..'
વસંતને અમરત્વ ગુજરાતી ગઝલમાં અપાવ્યું આદિલ મન્સૂરીએ,
'ઉતરી ગયા છે ફૂલનાં ચહેરા વસંતમાં,
તારા જ રૂપ- રંગ વિષે વાત થઈ હશે,
જ્યારે પ્રણયની જગતમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે.'
ગુજરાતી ગઝલનાં અમર શેરોમાં જે કવિનાં પ્રત્યેક શેરની નોંધ લેવી પડે એવા કવિ મનોજ ખંડેરિયાનો પરિચય તો આ વસંતનાં શેર પરથી થઈ જાય છે,
'આ ડાળ-ડાળ જાણે કે રસ્તા વસંતનાં,
ફૂલોએ બીજું કંઇ નથી પગલાં વસંતના,
આ એક તારા અંગે, અને બીજા ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના,
ઇશ્વરના અવાજને આત્મસાત કરીને મરીઝ સાહેબ કહે છે.
'સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ને આપ ફરી દરમિયાનમાં,
કુદરતનું રમ્યમૌન ઘડીભર મને મળે
કહેવી છે વાત મારે તમારી જબાનમાં
ત્યારે પ્રિયકાન્ત મણિયાર યાદ આવે છે,
'ફૂલોનો પવન લોચન માટે વાયો,
તોય આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો...
જ્યારે રમેશ પારેખની વસંત તો અનંત છે,
'શોધ છે શબ્દકોષમાં જે અર્થ વૃક્ષનો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું ?
તો આ મોસમમાં ઉદયન ઠક્કર ઉમેરે છે,
'કંઈ યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો,
પાંદડીએ બોલતાં શીખવ્યું, સુરીલો થઈ ગયો.'