Get The App

અનુપાન સાથે અનેક રોગમાં ઉપયોગી ગંઠોડા

સ્વસ્થવૃત્ત - શાંતિભાઈ અગ્રાવત

Updated: Feb 25th, 2020

GS TEAM


Google News
Google News
અનુપાન સાથે અનેક રોગમાં ઉપયોગી ગંઠોડા 1 - image


લીંડીપીપર નામ લોકોમાં જાણીતું છે. શરદી, કફ, હેડકી, અજીર્ણ વગેરે રોગોમાં એ ખુબ જ વપરાય છે. આ વનસ્પતિના મુળને પીપરીમુળ કહે છે

ગંઠોડાના નામે જાણીતું વસાણું આપણા ઘરમાં જ હોય છે. આપણે એનો ઉપયોગ ગેસ, અરૂચી અને ઉપવાસ છોડતા વખતે વાયુ અને બીજી વિકૃતિ ન થાય એટલે ગોળ અથવા સાકર સાથે કરીએ છીએ. ખરેખર તો ગંઠોડા આયુર્વેદનું એક ઉત્તમ ઔષધ છે. એનો ઉપયોગ વાત અને કફથી થતા ઘણાં વ્યાધિઓમાં જુદાજુદા અનુપાન સાથે કરેલ છે. પીપરીમુળ ખુબજ ઉપયોગી હોવાથી ન રાખતા હોય તેઓ ઘરમાં રાખવાનું શરૂ કરે કારણ કે કેટલીક નાની મોટી બિમારીનું એ ઇન્સ્ટન્ટ ઔષધ છે.

લીંડીપીપર નામ લોકોમાં જાણીતું છે. શરદી, કફ, હેડકી, અજીર્ણ વગેરે રોગોમાં એ ખુબ જ વપરાય છે. આ વનસ્પતિના મુળને પીપરીમુળ કહે છે. જેનો આપણે ઔષધ અને વસાણા તરીકે છૂટથી ઉપયોગ કરીએ છીએ. લીંડી પીપરની વેલ થાય છે. એના પાન નાગરવેલના પાનને મળતા હોય છે. પીપરીમૂળના વેલા ત્રણ ચાર વર્ષસુધી લીંડીપીપરનું ઉત્પાદન સારૂ આપે છે. પછી ઉત્પાદન બિલકુલ ઓછું થવાથી વેલાને મુળ સહિત બહાર કાઢી લેવામાં આવે છે અને એના મુળનો ઉપયોગ પીપરીમુળ તરીકે થાય છે.

આ પીપરીમુળને ગંઠોડા પણ કહે છે અને સંસ્કૃતમાં ગ્રંથિક કહે છે. છેડે ડાંડલી અને વચ્ચે ગાંઠવાળું પીપરીમુળ ઉત્તમ ગણાય છે. પીપરીમુળમાં વચ્ચે ગાંઠ છે કે કેમ એ જોઇને લેવા જોઇએ. પાતળી ડાંડલી વધારે હોય તો એ ભેળસેળવાળા પીપરીમુળ હોવાનો સંભવ વિશેષ રહે છે. આવા પીપરીમુળની ઔષધીય અસર પણ ઓછી હોય છે. આ વનસ્પતિની બંગાળ, નેપાળ, આસામ, ઓરિસ્સા, આંધ્ર, મલબાર વગેરે પ્રદેશોમાં ખેતી કરવામાં આવે છે.

પીપરીમુળ આયુર્વેદની દ્રષ્ટિએ થોડા ઉષ્ણ, તીખારસવાળા, પાચક, રૂક્ષ, પિત્તકારક, મળને ભેદવાવાળા, કફ, વાયુ અને પેટના રોગોનો નાશ કરનાર, પેટમાં થતો ગેસ, કૃમિ, ઉધરસ શ્વાસમાં ખૂબજ ઉપયોગી નિર્દોષ ઔષધ છે. ઉપવાસ છોડતી વખતે પીપરીમુળવાળી રાબ પીવાથી પેટમાં રહેલ વાયુ શાંત થાય છે. ઉત્કલેશ થતો નથી અને બળ મળે છે. ઉબકા કે ઉલટી થતાં નથી અને થતાં હોય તો શાંત થાય છે.

પીપરીમુળનો ઉપયોગ અનેક રોગમાં અનેક ઔષધો અને અનુપાન સાથે થઇ શકે છે. એમાંથી કેટલાક ખુબજ ઉપયોગી અને અનુભવેલ યોગો અહીં રજુ કરેલ છે.

વર્ટીગો-ચક્કર

વાયુ અને પિત્તના વિકારને લીધે ચક્કર આવે છે. કોઇ વખત આ ચક્કર માનવીનું જીવવું દુષ્કર કરી મૂકે છે. અનેક ઉપચાર કરવા છતા હંમેશા માટે ચક્કરનાં ચક્કરમાંથી મુક્ત થવાતું નથી. આવે વખતે પિત્ત અને વાયુ કરનાર આહારવિહાર બંધ કરી પીપરીમુળ ચૂર્ણ ૧ ગ્રામ અને સારિવાદિવટી ૧, ત્રણ ગ્રામ સાકરના ચૂર્ણ સવાર-સાંજ લેવું. ઉપર દુરાલભાદિકવાથ પીવો-થોડા જ દિવસમાં ચમત્કારિક પરિણામ મળશે.

જૂની શરદી અને ઉધરસ

પીપરીમુળ ૧ ગ્રામ હળદર ૧ ગ્રામ અને તાલીસાદિ ૧ ગ્રામ મેળવી સવાર સાંજ મધ અથવા પાણી સાથે લેવું. હરિદ્રાખંડ એક ચમચી જમ્યા પછી લેવો. કફ અને શરદી કરે તેવો ખોરાક ત્યજવો. આ પ્રયોગ લાંબો વખત કરવાથી જૂની શરદી કફમાંથી મુક્ત થવાય છે. ઉધરસ ચડી હોય ત્યારે પીપરીમુળ, બહેડા અને સૂંઠનું ચૂર્ણ સમભાગે મેળવી મધ સાથે લેવાથી ઉધરસનો વેગ બેસી જાય છે.

અનિદ્રા

ઊંઘ બરોબર આવતી ન હોય, ઊઠયા પછી તાજગી લાગતી ન હોય, સ્વપ્ના બહુ આવતા હોય તેઓએ પીપરીમુળ ૧ ગ્રામ, શંખપુષ્પી ૧ ગ્રામ, જટામાસી ૧ ગ્રામ મેળવી ૩ ગ્રામ, સાકરના ચૂર્ણ સાથે રાત્રે સૂતી વખતે લેવું. ઉપર એક કપ દૂધ લેવું. આથી શાંતિપ્રદ ઉંઘ આવશે, ઉંઘની ટીકડીઓ લેવાની ટેવ હોય તો ધીમે ધીમે ડોઝ ઓછો કરતા જવું અને ઉપરનો પ્રયોગ ચાલુ રાખવો નિર્દોષ છે. (મધુપ્રમેહીએ સાકર નહીં લેવી.)

પ્રસવમાં વિલંબ

પ્રસવ થવામાં ઢીલ થતી હોય, પ્રમાણસર વેણ આવતી ન હોય તો નાગરવેલના પાનમાં પીપરીમુળ ૧ ગ્રામ અને એક, ચણોઠીભાર હીંગ મૂકી ધીમે ધીમે ચાવી ખાવાથી વેણ શરૂ થઈ પ્રસવ થાય છે. પીપરીમુળના ઉકાળામાં ગોળ ઉમેરી આપવાથી પણ વેણ શરૂ થાય છે. બાળક અવતર્યા પછી પીપરીમુળનો ફાટ આપવાથી ઓર (પ્લેસન્ટા) સરળતાથી પડે છે. સુવાવડ પછી સ્ત્રીનું ગર્ભાશય પૂર્વસ્થિતિમાં લાવવા માટે પીપરીમુળનો ઉપયોગ જાણીતા ડૉ. ભટ્ટાચાર્યે ખુબજ કર્યો હતો. સુંદર પરિણામ મળ્યા હતા.

કોણે નહીં લેવું

પીપરીમુળ એ દરરોજની વપરાશી વસ્તુ છે. છતાં કેટલાકને અનુકૂળ આવતું નથી. હોઝરીનું અલ્સર, મુખપાક, પિત્તવિકાર, હોઝરીનો સોજો વગેરેમાં નહીં લેવું અગર ચિકિત્સકની સલાહ લેવી.

Tags :