સ્ત્રી, પુરુષ, દ્રષ્ટિકોણ અને ભાષા...
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- પોતાનાં અભિપ્રાય, મંતવ્ય કે દ્રષ્ટિકોણ - દ્રષ્ટિબિન્દુને સામાની સામે મૂકવાનાં હોય ત્યારે માણસે પહેલાં તો એ શબ્દો વિશે મનોમન બરાબર વિચારી લેવું પડે
પ તિ-પત્ની હોય, મિત્રો હોય કે સંબંધીઓ હોય, એક વાત સ્વીકારવી રહે કે દરેકનો દ્રષ્ટિકોણ એકસરખો ન પણ હોય. ક્યારેક મહત્ત્વની વાત પર બંને જણનાં દ્રષ્ટિબિન્દુ અલગ હોઈ શકે. બંને જણ જો એક સૂત્રે બંધાઈને રહેવા ઈચ્છતાં હોય તો પરસ્પરનાં દ્રષ્ટિબિન્દુનો આદર કરવો જોઈએ. તે વિશે ટીકાટિપ્પણ ન કરવાં ઘટે. પણ એવું ઓછું બનતું હોય છે. ક્યારેક નાની સરખી વાત મોટા ઝઘડાનું કારણ તેથી બની રહે છે. ક્યારેક એથી ય આગળ લગ્નજીવનમાં છેક છૂટાછેડા સુધીની નોબત આવી જાય તેવા દ્રષ્ટાંતો પણ જોવા મળે. મિત્રો હોય તે દુશ્મનો પણ બની રહે. વાત તેથી જ પરસ્પરનાં મંતવ્યોને સમજતા રહેવાની છે. સંમત ન હોઈએ ત્યારે પણ તેમ કહેવાના સામેના વ્યક્તિના અધિકારનો આદર કરવો ઘટે.
ેદરેક વ્યક્તિ એકસરખું જ વિચારે એવું તો આપણે કલ્પી જ ન શકીએ. કારણ કે દરેકને મળેલું વાતાવરણ ભિન્ન છે, તેનો ઉછેર ભિન્ન છે. આગળ વધીને કહીએ તો વ્યક્તિ ચેતના પણ જુદી છે. પરિણામે કશેક તો કોઈકે સમાધાન કરવું રહે, ક્યાંક તો સંમતિ ન હોય ત્યારે ય તેના મંતવ્યને સમજવા પ્રયત્ન કરવો પડે.
માત્ર એટલું જોવું જરૂરી બને છે કે આપણે જે વાત કરીએ છીએ એ શબ્દો સામેની વ્યક્તિને કેવા લાગશે, કેવો તેનો અર્થ કાઢશે, માઠું તો એ શબ્દોથી નહીં લાગે ને વગેરે બાબતો વિચારવી પડે છે. કહો કે એક વાર મુખમાંથી શબ્દ નીકળી જાય પછી બોલનારનો તેના ઉપરનો અધિકાર લગભગ જતો રહે છે. તીર છૂટયું એટલે વાગ્યું તે વાગ્યું, એનો બચાવ પછી અર્થહીન બની જાય છે. એટલે પોતાનાં અભિપ્રાય, મંતવ્ય કે દ્રષ્ટિકોણ - દ્રષ્ટિબિન્દુને સામાની સામે મૂકવાનાં હોય ત્યારે માણસે પહેલાં તો એ શબ્દો વિશે મનોમન બરાબર વિચારી લેવું પડે.
જીભ વિષ અને અમૃત - બંનેનું કામ કરી શકે છે. રામાયણ અને મહાભારતને યાદ કરીને કૈકેયી અને દ્રોપદીના શબ્દોએ કેવો નકારાત્મક પ્રભાવ વિસ્તાર્યો હતો એ સર્વ કોઈ જાણે છે. ભાષા-શબ્દનાં આવાં દુષ્પરિણામો આવી શકે છે. જગતના ઘણા વિચારકો અને સંતોએ કદાચ તેથી જ મૌનનો મોટો મહિમા આંક્યો છે. સાદી રીતે વાતને કહું તો સારા માણસે પહેલાં ભાષા-શબ્દોને મનમાં બોલી, ઘૂંટી, એનો સારાસાર વિચાર કરી પછી તેને મુખની બહાર કાઢવાં જોઈએ. એમ થાય તો વિસંવાદ થતો ટળે, સંબંધો બગડતાં કે તૂટતાં અટકે.
ટેકનોલોજીના આજના આપણા સમયમાં આપણી ભાષા અને એનું વ્યાકરણ જ નહીં, જીવનનું વ્યાકરણ પણ બદલાઈ ચૂક્યું છે. વાચાળતા વધી છે, માણસ-આબાલ-વૃદ્ધ સૌ ઊછીની, ટેકનોલોજીએ આપેલી, ભાષા લઈને આજે જીવતાં જણાય છે. આમ થવામાં અથવા તો ભાષાનો એવો વધતો, એ દિશાનો જે પ્રભાવ છે તેમાં આજના રાજકારણનો પણ એટલો જ હિસ્સો છે. એવી ભાષા મારા-તમારા ગામ-શેરી સુધી જ નહિ, છેક આપણા ઘર સુધી, ઘરના બેઠકખંડ સુધી આવી ગઈ છે. એક છત નીચે જીવનારાં બે જણનું જીવન તેથી ઉત્તર-દક્ષિણ જેવા બે વિરુધ્ધ છેડાનું બની ગયું છે.
'રીડર ડાયજેસ્ટ'માં આ આખી વાતનું પ્રતિબિંબ પાડી રહે એવો એક રમૂજી કિસ્સો હમણાં વાંચવામાં આવ્યો. અહીં વાત તો પતિ-પત્નિની છે, તેમના ભિન્ન દ્રષ્ટિકોણની છે, સાથે ભાષાની પણ છે. અને વધુ તો એક સ્ત્રી અને એક પુરુષ, આગળ જઈને કહું તો જેન્ડરની ભાષા અને એના પ્રભાવમાં કેવો ફરક પડી રહે છે તે પણ તેમાંથી જાણવા મળે છે. વાત કંઈક આ પ્રકારની છે ઃ
એક પતિ-પત્ની-દંપતી પોતાના દીવાનખંડમાં નિરાંતે બેઠાં હતાં. આમ તો બંને હળવા મૂડમાં હતાં. જીવન વિશેની તરેહ તરેહની વાતો ચાલતી હતી. આ વાતોમાં પછી તો જીવન સાથે મરણની વાત પણ આવતી ગઈ. પતિ એની પત્નીને એમ જ, કશું ઝાઝું વિચાર્યા વિના, મનમાં આવ્યા તેવા શબ્દોમાં કહેવા લાગ્યો - કે પોતાને નિરામિષ જીવન જીવવામાં સહેજ પણ રસ નથી. જાણે કે શાકાહારી હોવું, એટલે નર્યું નિષ્ક્રિય હોવું તેવો તેનો દ્રષ્ટિકોણ રહ્યો હતો.
દાળ-ભાત-શાક-રોટલી-પાણી-દૂધ એવાં કુદરતી વાનાંનો તે કહો કે હિમાયતી જ નહોતો. ઊલટાનું, પત્નીને વાતચીતમાં એ એમ કહી બેસે છે કે ભૂલેચૂકેય પત્ની જો એ રીતે પોતાને રાખવા ઈચ્છે તો તે જીવન કરતાં મરણને વધુ પસંદ કરશે. અર્થાત્ આધુનિક જીવન જરૂરિયાતવાળાં ઉપકરણો અને એવી વસ્તુઓનો તે જબરો આદતી થઈ ગયો હતો. એવી વસ્તુઓથી જ તે જીવન જીવી શકશે તેવી તેની દ્રઢ માન્યતા બંધાઈ ગઈ હતી.
પત્ની વાર્તાલાપ દરમ્યાન આ બધું એકાગ્ર ચિત્તે સાંભળતી રહી. પતિની ભાષામાં જે જીવન વિશેની ટૂંકી સમજ હતી તેનાથી તે મનોમન ખાસ્સી દુઃખી થઈ. પતિના શબ્દો બિલકુલ ગમ્યા નહીં, તે તેનો ભાષાથી ઉત્તર આપવા ઈચ્છતી નહોતી. પત્નીએ પતિની વાત પૂરી થતાં તેની સામે કંઈક અંશે પતિની વાત ગમી હોય એ રીતે પ્રશંસાભરી દ્રષ્ટિથી જોયું. પણ પત્નીએ બીજી જ ક્ષણે પતિ જેના વિના જીવી જ ન શકું એવાં જે સાધનોની વાત કરતો હતો તે એન્ડ્રોઈ બોક્સ, કેબલ ટી.વી., લેપટોપ, પ્લે સ્ટેશનનાં જોડાણો બધું કાપવા માંડયું. અને તરત તે ફ્રીઝ તરફ વળી.
તેમાં મૂકેલા વ્હીસ્કી, વોડકા, જીન અને બિયરના બધા ટીન બહાર કાઢી એક પછી એક ફેંકી દીધા. આ પતિના પેલા અણગમતા જીવન દ્રષ્ટિકોણની, મરણાસન્ન થઈ જઈશ તેવી પતિની વાતની એક સ્ત્રીની, પત્નીની, તીખી પ્રતિક્રિયા હતી. પતિ આ બધું એકાએક શું બની ગયું એવું વિચારતાં લગભગ મરણાસન્ન થઈ ગયો!
અહીં વાત છે એક સ્ત્રીના બીજા દ્રષ્ટિકોણની. પતિએ પોતાને નહીં ગમતી વસ્તુની વાત બીજા શબ્દોમાં કહી હોય તો કદાચ સંભવ છે કે આવું પરિણામ ન પણ આવત. ઉપરાંત આધુનિક જીવનશૈલી પરત્વે પણ અહીં રોષ છે. કુદરતી જીવન ન જીવવા માટેનો ઠપકો પણ છે. સાથે અગાઉ નોંધ્યું છે તેમ, તમે કશું બોલો તે પહેલાં તે વિશે વિચારી પણ લો!