મેનિફેસ્ટ: વિચારો તે પ્રાપ્ત થાય પણ.. .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- કહે છે કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. પણ અહીં તો સિદ્ધિ તેને જઈ વરે, જે માત્ર મેનિફેસ્ટ કરે!
આપ ધારો, આપ માનો ને વિચારો, થઈ શકે
પણ કરમ કર્યા વિના ક્યારે કશું ના થઈ શકે
-યામિની વ્યાસ
કેમ્બ્રિજ ડિક્સનરીએ 'વર્ડ ઓફ ધ યર' ૨૦૨૪ તરીકે મેનિફેસ્ટ(Manifest) જાહેર કર્યો. મૂળ લેટિન શબ્દ 'મેનિફેસ્ટસ' એટલે સ્પષ્ટ, ખુલ્લું, દેખીતું. આપણે ચૂંટણી સંબંધે મેનિફેસ્ટો ઉર્ફે 'ઢંઢેરો' શબ્દથી વાકેફ છીએ. 'મેનિફેસ્ટ' એટલે સ્પષ્ટ, ઉઘાડું, નિશ્ચિત, વ્યક્ત કરવું, આપમેળે છતું કરવું તે. દા. ત. શરીરમાં એલર્જી થઈ હોય તો એ એલર્જી ત્વચામાં ખંજવાળ અને આંખોની લાલાશ સ્વરૂપે મેનિફેસ્ટ થાય. માનસિક ઉદાસીની બીમારી અનિદ્રામાં મેનિફેસ્ટ થાય. કોઈ કંપનીમાં લોકોનો વિશ્વાસ તૂટે તો શેરનાં ભાવ તૂટવામાં એ અવિશ્વાસ મેનિફેસ્ટ થાય. ૬૦૦ વર્ષ જૂના આ શબ્દની એકાએક લોકપ્રિયતાનું કારણ આપતા કેમ્બ્રિજ ડિક્સનરી લખે છે કે મુખ્ય ધારાનાં મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર આ શબ્દ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે જાણીતા કલાકારો, ટોચનાં રમતવીરો તેમજ પ્રભાવશાળી ઉદ્યમકારોએ કહ્યું કે અમે મહાન સિદ્ધિ એટલે મેળવી કારણ કે અમે એને મેનિફેસ્ટ કરી હતી. એટલે એમ કે જે હું પ્રાપ્ત કરવા ઈચ્છું એ તરફ મારા મનનું ધ્યાન પૂર્ણ રીતે કેન્દ્રિત કરું અને.. એટલે એ મને મળી જાય.ગુજરાતીમાં કહે છે કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. પણ અહીં તો સિદ્ધિ તેને જઈ વરે, જે માત્ર મેનિફેસ્ટ કરે!
પોલો કોએલોનાં પુસ્તક 'એલકેમિસ્ટ' નો મધ્યવર્તી વિચાર પણ એવો જ છે. જો તમને કોઈ વસ્તુ જોઈતી હોય તો સમસ્ત બ્રહ્માંડ તમને એ મેળવવા કાવતરું રચીને મદદ કરે છે. એલકેમિસ્ટની નકલ કરતો શાહરુખ ખાનનો ડાયલોગ યાદ છે? અગર કિસી ચીજકો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાનેકી કોશિશમેં લગ જાતી હૈ.. આ મેનિફેસ્ટ છે. આલિયા ભટ્ટે છેક ૨૦૧૪ માં કીધું હતું કે મારે રણબીર કપૂર સાથે પૈણવું છે. તે સમયે રણબીર કપૂર કેટરીના કૈફનાં પ્રેમનાં કેફમાં ગળાડૂબ હતો. કહે છે કે આલિયાએ મીરર ટેકનિક અજમાવી હતી. રોજ સવારે અરીસા સામે ઊભું રહેવું અને રણબીર રણબીરનાં નામનો જાપ જપવો. મનોમનમાની લીધેલો મનનો માણીગર. 'માણીગર' એટલે માણી જાણનાર, ભોગ કે સુખાનંદ મેળવી જાણનાર. પણ આલિયાનું આ મેનિફેસ્ટ અંતે સાચું પડયું. વર્ષ ૨૦૨૨માં આલિયા રણબીર પરણી ગયા. લોકો સેલેબ્રિટીઝની નકલ કરે છે. હમણાં સોશિયલ મીડિયા ઉપર મેનિફેસ્ટ માટે ૩:૬:૯નું ચક્કર ચાલે છે. તમને જોઈએ છે એવી એક ચીજનું નામ રોજ સવારે ત્રણ વાર લખો પછી બપોરે એ જ નામ છ વાર અને રાત્રે નવ વાર લખો એટલે તમને એ ચીજ મળી જાય.લો બોલો! મેનિફેસ્ટનાં નામે કાંઈ પણ.. કોઈ વૈજ્ઞાાનિક સાબિતી નથી. બસ, એક વાવર થઈ ગયો છે આજકાલ. મનમાં એક કલ્પના ચિત્ર ઊભું કરો, નિશ્ચયપૂર્વક વિધાન કરો અને એ મેળવો જે ચાહો. હાલી હું નીકળ્યા છો? કાગ બેસવું અને ડાળ તૂટવું, અમે તો કદી જોયું નથી. 'મેનિફેસ્ટ યોર બેસ્ટ લાઈફ'ની સલાહ આપતા અનેક પોડકાસ્ટ, બ્લોગ અને સોશિયલ મીડિયા ફીડ ધમધમી રહ્યા છે. સફળતા અને સ્વપ્ન સાથે સંકળાયેલો આ શબ્દ તમે માત્ર વ્યક્ત કરો એટલે તમને મનોવાંછિત ફળ મળી જાય, વિચાર વાસ્તવિકતામાં પલટાઈ જાય એવી વાત અમને ઢંગધડા વિનાની લાગે છે.
મેનિફેસ્ટની વાત અલબત્ત નવી તો નથી. 'પોઝિટિવ થિંકિંગ' એવા શબ્દો આપણે કાને હાથોડાંની જેમ અફળાતા રહે છે. વર્ષ ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયન ટીવી એક્ઝિક્યુટિવ/ લેખિકા રોન્ડા બાયરીનની ટીવી સીરિઝ પરથી તૈયાર થયેલું પુસ્તક 'ધ સીક્રેટ' ગુજરાતી સહિત દુનિયાની ૫૦ ભાષાઓમાં છપાયું, જેની સાડા ત્રણ કરોડ પ્રત વેચાઈ. આ પુસ્તકમાં પણ 'માંગો, માનો અને મેળવો'-ની જ ગાણું ગવાયું છે. શ્રદ્ધાથી માંગો અને એ મળશે જ. આ પછી વર્ષ ૨૦૨૦માં કોવિડની વિશ્વવ્યાપી બીમારી આવી અને સૌ સારાવાના થશે, એવું સૌ કોઈ વિચારતા રહ્યા. પછી આ વર્ષે જાત જાતનાં સેલેબ્રિટીઝ એવું કહેવા માંડયા કે અમે મેનિફેસ્ટ કર્યું એટલે અમને મળ્યું. એટલે ઘણાં હવે આ વાતને રવાડે ચઢી ગયા છે. અમે માનીએ છીએ કે શ્રદ્ધાનો વિષય ભલે હોય પુરાવા તપાસી તો જોવા જોઈએ. કાંઈ કર્યા વિના,માત્ર શ્રદ્ધા રાખીને બેસી રહેવાથી ધાર્યું ફળ મળે, એવું હોતું નથી. ભગવાન કાંઈ આપણાં માટે નવરો બેઠો છે? આ દુનિયામાં અલબત્ત શ્રદ્ધાને મેનિફેસ્ટ કરીને દિલકો ખુશ રખનેકો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ- સમજાવવાવાળાઓની કમી નથી. એક્ટર ટોમ હોલેન્ડ જ જોઈ લ્યો. જ્યારે એ કશું જ નહોતો ત્યારે એને કોઇકે પૂછયું કે ભવિષ્યમાં તું કયો રોલ કરવા ઈચ્છુક છે? એણે જવાબ આપ્યો 'સ્પાઇડર મેન'. અને બે વર્ષ પછી ખરેખર સ્પાઇડરમેનની ભૂમિકા ભજવીને એણે ધૂમ મચાવી દીધી. પણ આવું તો કોઈકને જ થાય. તમે ભલે ગમે તે મેનિફેસ્ટ કરતાં રહો.
મેનિફેસ્ટ એ કામ નહીં કરવાનું બહાનું બની ગયું છે. બગાસું ખાતા પતાસું મોંઢામાં આવે એવી શક્યતા હોતી તો નથી પણ એવો વિચાર ફીલ ગૂડ કરાવે છે. વગર મહેનતે માત્ર મનનું ધ્યાન કેન્દ્રિત કરીને કાંઈ મળી જાય, એ વાત મને વાહિયાત લાગે છે. 'ધ પ્રિન્ટ' લખે છે તમારી કામયાબીઓ અને તમારી નાકામયાબીઓમાં મેનિફેસ્ટેશનની કોઈ ભૂમિકા નથી. જીવનમાં હકારની કવિતા ભલે સારી લાગે પણ સોફા પર બેઠાં રહીને મેનિફેસ્ટ કર્યા કરવાથી જીવનમાં બઢતી મળતી નથી. લોટરીનું ઈનામ જોઈતું હોય તો લોટરીની ટિકિટ લેવા જેટલી મહેનત તો કરવી પડે. હેં ને?
શબ્દ શેષ
''મેનિફેસ્ટેશન માત્ર કોઈ ઈચ્છા પાળવાનું નામ નથી. પ્રેરક કર્મ કરવું અલબત્ત જરૂરી છે.''
- અમેરિકન લેખક/મોટિવેશનલ સ્પીકર જેક કેનફીલ્ડ