વર્ટીગો એટલે શું ? .
હેલ્થ ટીટબિટ્સ - મુકુન્દ મહેતા
મધ્ય કાનમા સોજો આવે એટલે ત્યાં રહેલા ત્રણ હાડકા હોય છે જેની પર શરીરનું બેલેન્સ રાખવાની જવાબદારી છે તેમાં ગરબડ થાય અને ચક્કર આવે
શરીરનું સમતોલપણું જળવાય નહીં તેને 'વર્ટીગો' કહેવાય. શરીરની કોઈપણ પરિસ્થિતિમાં સુતા હો, બેઠા હો, ચાલતા હો, ઊભા હો ત્યારે શરીરનું સમતોલપણું જળવાય નહીં ત્યારે તમને ચક્કર આવે, તમારી આજુબાજુની વસ્તુઓ ફરતી દેખાય થોડા વખત પછી આ જતું પણ રહે. ચાલતા હો કે ઊભા હો તો બેસી જવું પડે. આને 'વર્ટીગો' કહેવાય આને સામાન્ય ભાષામાં 'મગજ ખાલી થઇ ગયું', 'અંધારા આવ્યા', 'તમ્મર આવ્યા' 'ચક્કર આવ્યા', 'ગોળ ગોળ ફરતું હોય તેવું લાગવું', 'હમણાં પડી જવાશે એવું લાગવું' આવી બધી રીતે ઓળખાય.
કોઇ જ વાર આવું થાય તો ખૂબ શ્રમ કર્યો હોય ત્યારે, થાક લાગ્યો હોય ત્યારે, કોઈપણ કારણ સર 'ડીપ્રેશન' આવ્યું હોય ત્યારે, શરીરમાંથી લોહી ઓછું થઇ ગયું હોય (એનીમીઆ) ત્યારે, લોહીનું દબાણ વધારે કે ઓછું થઇ ગયું હોય ત્યારે, થાઈરોઇડ ગ્રંથિમાંથી રસ (સીક્રીશન) ઓછુ નીકલે (હાઈપોથાયરોડીઝમ), ડોકીના હાડકા (સર્વાઇકલ બોન)નો વા (આર્થાઇટીસ) થયો હોય જેથી નર્વ દબાય અથવા ઉંમરને કારણે લોહીના પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન)માં વાંધો હોય - આ બધાને ચક્કર આવ્યા એમ કહેવાય. વર્ટીગોમાં ઉપરના કોઈપણ કારણ ના હોય. શરીરનું બેલેન્સ કહો, ઇક્વીલીબ્રીઅમ કહો તેનું સેન્ટર તમારા મીડલઇયર (વચલા કે મધ્ય કાન)માં રહેલું છે.
આને રોગ ના કહેવાય. વાયરલ ઇન્ફેકશનને કારણે આવા ચક્કર વધારે આવે. નાકમાં અને સાઈનસમાં વાયરલ ઇન્ફેકશનને કારણે આવા ચક્કર વધારે આવે. નાકમાં અને સાઈનસમાં વાયરલ ઇન્ફેકશન થયું હોય ત્યારે એ મધ્ય કાનમાં ફેલાય અને ત્યાં સોજો આવે એટલે ત્યાં રહેલા એકદમ જીણા ત્રણ હાડકા હોય છે જેની પર શરીરનું બેલેન્સ રાખવાની જવાબદારી છે તેમાં ગરબડ થાય અને ચક્કર આવે. આનું પ્રમાણ વધે ત્યારે ફક્ત માથુ ડોકથી ઊંચું નીચું કરો તો પણ ચક્કર આવે અને બધું ફરતું લાગે.
પહેલાં જણાવ્યું તેમ સર્વાઇકલ વર્ટીબ્રાના સાંધામાં વાની અસર હોય ત્યારે પણ ચક્કર આવે. તમે સ્ટીમર કે બોટમાં બેઠા હો અને સ્ટીમર કે બોટ હાલતી હોય ત્યારે તમે પાણીને જુઓ ત્યારે બન્ને વસ્તુ હાલતી હોય ત્યાં પણ ચક્કર આવે અને તમે સુતા હો કે બેઠા હો અને એકદમ બેઠા થાઓ કે ઊભા થાઓ ત્યારે લોહીની નળીઓમાંથી લોહી મગજ સુધી પહોંચે નહીં ત્યારે પણ થોડા વખત માટે આવા ચક્કર આવે.
વર્ટીગો માટે શું ઉપાય કરશો ?
૧. કારણ શોધી ઉપાય કરો : અ. લોહીનું દબાણ વધતું ઓછું થયું કે તે તપાસ કરી નક્કી કરો. બ. લોહી ઓછું થઇ ગયું (એનીમીઆ) હોય તો તેની તપાસ કરાવી લો. ક. થાઈરોઇડની તપાસ કરી દવા કરો. ડ. સર્વાઇકલ વર્ટીબ્રાનો વા હોય તો તેની સારવાર કરો. ઇ. સાઈનસ કે કાનમાં સોજો હોય તેની દવા કરો. આ બધું કર્યા પછી પણ ચક્કર ચાલુ રહે તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લઇ ગોળી ચાલુ કરો. ગોળી બંધ કરવાથી ચક્કર ચાલુ રહે તો દવા વગરનો ઉપાય કસરત નીચે જણાવ્યા પ્રમાણે કરો.
૧. પહેલાં ઉપર પછી નીચે જુઓ.
૨. પહેલાં ડાબી અને પછી જમણી બાજુ જુઓ.
૩. આંખના ડોળાને નજીક લાવો. પછી એક બીજાથી દૂર લઇ જાઓ.
૪. પહેલા ડોકથી માથુ ઉંચુ કરો પછી નીચે લાવો.
૫. માથાને ડાબી અને જમણી બાજુ ડોકાથી વારાફરતી વાળો.
ખુરશીમાં બેસો
૬. બન્ને ખભા ઉપરથી નીચે કરો અને હલાવો.
૭. ખુરશીમાં બેઠા બેઠા કમરેથી વળી અને નીચે મુકેલી વસ્તુ લેવાની ક્રિયા ચાર વખત કરવી.
૮. ખુરશીમાં બેઠા બેઠા માથુ અને ધડ ડાબી અને જમણી બાજુ વાળવું.
૯. પહેલા આંખ ખુલ્લી રાખી અને પછી બંધ રાખી ખુરશીમાં ઊભા થાઓ અને બેસો આ ક્રિયા ચાર વાર કરો.
૧૦. નાનો રબરનો બોલ ઊભા રહીને આંખો ખુલ્લી રાખી વારાફરતી જમણા અને ડાબા હાથમાં વારાફરતી નાખો આ ક્રિયા પાંચ વાર કરો.
૧૧. બોલ બે પગની વચ્ચેથી નાખી બીજો હાથ પાછળ રાખીને કેચ કરો. પાંચ વાર આ ક્રિયા કરો.
૧૨. ચાલતાં ચાલતાં બોલને ઉછાળો અને કેચ કરો.
૧૩. કશો આધાર લીધા વગર ૧૨ પગથીયા ચડો અને ઉતરો. દિવસમાં બે વખત આ ક્રિયા કરો.
૧૪. તમારી રૂમમાં થોડીવાર આંખો બંધ રાખીને થોડી વાર ખુલ્લી રાખી ગોળ ૫ વાર ચક્કર મારો.
૧૫. બોલ વડે નીશાન તાકવાની નીચે વળવાની અને ઊંચે શરીર ખેંચવાની ક્રિયા કરો - કુલ ૧૦ વાર.
નોંધ : વર્ટીગોની દવા લેવાથી થોડાક વખત સારૂ લાગે. દવા બંધ કરો ને ચક્કર આવે તો આ ૧૫ કસરતો ૧૫ દિવસ કરશો તો ઘણો ફેર પડશે.