રંગરાગનું રજવાડું...પાબ્લો પિકાસો .
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
- 'મને મૌન આપો હું અંધકારને જીતી લઈશ' પિકાસોએ કેનવાસના મૌન દ્વારા જગતને સૂરમય કર્યું છે. કલાના મૌન દ્વારા જગતનું અંધારું દૂર કર્યું
જૂ નાગઢની પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં ભણતા બાળકને શિક્ષકે 'ક' કળશનો 'ક' લખવાનું કહ્યું અને બાળકે 'ક' લખવાને બદલે પાટીમાં કળશ ચિતર્યો પછી તો પાટીમાંથી પાટિયા પર અને કાગળથી કેનવાસ સુધી ચિત્ર દોરતા રહ્યા. સર્જક બનવું એ ઇશ્વરના આશીર્વાદ છે. ચિત્રકાર બનવા ચાલવું પડે પણ ઉત્તમ ચિત્રકાર બનવા માટે દૂર સુધી દોડવું પડે. મોટો થતા એ બાળક વિશ્વખ્યાત ચિત્રકાર વૃંદાવન સોલંકીના નામે ઓળખાય છે. ખલિલ ઝિબ્રાન કહે છે કે 'મને મૌન આપો હું અંધકારને જીતી લઈશ' પિકાસોએ કેનવાસના મૌન દ્વારા જગતને સૂરમય કર્યું છે. કલાના મૌન દ્વારા જગતનું અંધારું દૂર કર્યું. કલાનું મૌન તો બહુ બોલકું હોય છે. એ જોવા અંતરની આંખ જોઈએ. પિકાસો રાગોની રંગમાલા છેડે ત્યારે દ્રશ્યનો દરબાર સર્જાય છે. ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી અને અમેરિકન ચિત્રકાર અરવિન્ગ સ્ટોને લખેલી કથા 'લસ્ટ ફોર લાઈફ' દુનિયાભરમાં ખ્યાત છે. એના પરથી આ જ નામની ફિલ્મનું નિર્માણ થયું છે. ચિત્રની વાત આવે અને પાબ્લો પિકાસોને યાદ આપે કરવા જ પડે. આજે એમની જન્મજયંતી છે.
યુગપ્રવર્તક સ્પૅનિશ ચિત્રકાર પાબ્લો પિકાસોની કળાની ચાહના સમગ્ર વિશ્વમાં પ્રસરેલી છે. બાલ્યાવસ્થાથી જ પિકાસો ચિત્રકાર બનવાના છે એના લક્ષણો દેખાતા હતા. પુત્રના લક્ષણ પારણામાં અને ચિત્રકારના લક્ષણ આંગળામાં. બાળપણમાં એક ચિત્રને કલાકો સુધી જોવાની આદત હતી. માલાગાની કલાશાળામાં પિતા રૂઇઝ બ્લાસ્કો કલાશિક્ષક હતા. પિકાસોએ બાર્સિલોના અને માડ્રિડ અકાદમીમાં કલાશિક્ષણ મેળવ્યું હતું. પાબ્લોએ પિતાની 'બ્લાસ્કો' અટક છોડીને મોસાળ પક્ષની 'પિકાસો' અટક રાખી હતી. ગળથૂંથીમાં જ કળા મળી. વીસમી સદીના આરંભે પિકાસોના પ્રયોગોએ ભાવકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. પરંપરાગત ચિત્રકારો અચંબિત થઈ ગયા. ચિત્રકાર બ્રાકનો એમાં સહકાર મળ્યો.
અમિતાભ મડિયા કહે છે કે 'પિકાસો દ્વારા એક જ ચહેરાનાં અનેક ખૂણેથી ઝડપાયેલાં દ્રશ્યો ઉપરાછાપરી ચીતરવામાં આવ્યાં હોય છે. (ભારતીય પરંપરામાં મધ્યયુગના જૈન લઘુચિત્રો અને 'ચૌરપંચાશિકા'માં આવાં લક્ષણો મળે છે, જેમ કે, અધ્ધર લટકતી એક આંખ). આ સાથે જ વિશ્લેષણાત્મક ધનવાદને સ્થાને રમતિયાળ વળાંકોવાળી રેખાઓ અને તેજસ્વી ઘેરા રંગો કૅન્વાસ પર આવ્યાં, પણ આ તેજસ્વી રંગો વાતાવરણને તાદ્રશ નથી કરતા. આ જ સમય દરમિયાન 'કૉલાજ'ની શરૂઆત થઈ. આ સમયનાં ચિત્રોના વિષયોમાં સ્ટિલલાઇફ, બેઠેલી, રડતી-કકળતી, ઊંઘમાં સ્વપ્નો સેવતી સ્ત્રીઓ અને મૅન્ડલિન, ગિટાર તથા એવાં અન્ય વાદ્યો વગાડતા વાદકોનો સમાવેશ થાય છે.
સ્પેનની સંસ્કૃતિને આગવા અભિગમથી અભિવ્યત કરી. પોતે એક પરંપરા વિકસાવે છે એણે પછી એમાંથી સરકીને નવી વિદ્યા તરફ ગતિ કરે છે. પરાવાસ્તવવાદ સાથે અનુસંધાન સાધી સર્જનાત્મકતાને વિસ્તારી. ૧૯૦૩-૧૯૦૪ દરમિયાન પિકાસોના ચિત્રોમાં શોક અને સંતપ્ત સંવેદના પ્રગટ થતી રહી. ૧૯૦૫-૧૯૦૬ ની કળામાં ખુશીની ખલકત ઉભરાય છે. પિકાસોનું ભૂમિતિ આધારિત કળાકૌશલ્ય અદ્ભૂત છે. આરંભિક ચિત્રોમાં ઓજસ્વી રંગો સાથે રહસ્યમય ધુમ્મસ આલેખાયા. તેમના ચિત્રોમાં જીવતું જીવન જોવા મળે છે. ઝાંખો ભૂરો અને ગ્રે રંગ વડે વિવશ વેદનાને અભિવ્યક્ત કરી છે. 'મેઇડ્ઝ ઑવ્ ઍવિન્યૉન' વીસમી સદીની પ્રથમ મહાકૃતિ કહી. પિકાસોએ ચિત્રો દ્વારા સ્થાપિત હિતોને ફટકાર્યા છે. સ્ત્રીઓની વાસના કે પુરૂષોનો પ્રલાપ એમનાં રંગોમાં આબાદ રીતે જીલાયો. દરેક ચિત્ર પાછળ કરેલી અથાગ મહેનતને કારણે એમાં જીવંતતા આવી છે.
૧૯૩૭ માં સ્પેનના ગર્નિકા પર કરાયેલી બૉમ્બવર્ષાના 'ગર્નિકા' નામના ચિત્રમાં વેદના અભિવ્યક્ત થઈ છે. ૧૯૩૪ માં તેઓ સ્પેન પાછા ફર્યા પછી બુલફાઇટ અને કૂકડાની લડાઈનાં હિંસક ચિત્રોનું સર્જન કર્યું. પુરાણી ગ્રીકકથાનો રાક્ષસ એમની કાળમાં પ્રતિબિમ્બિત થાય છે. તેમની કલા-કારકિર્દીમાં અનેક ઉતરાણ અને ચઢાણ આવ્યા છે. નાટકના પડદા-નાટયલેખન સાથે શિલ્પ-સિરૅમિકનું સર્જન પણ કર્યું. યુવાનીમાં પૅરિસ આવ્યા અને આખી જિંદગી એમ વિતાવી. આમ તો એ આજીવન ચિત્રમય રહ્યા. વૅલાસ્કેથ, માને ઇત્યાદિના ચિત્રોને જીવનનાં અંતિમ વર્ષોમાં નવી રીતે અભિવ્યક્ત કર્યા. અંતિમ ક્ષણ સુધી કેનવાસની કસ્તૂરીની સુવાસ લીધી. ચિત્ર સાથે વિચિત્ર અનુભવોની એરણ પર ઘડાઈને કાળાડિબાંગ કલરમાં ઓગળી ગયા.
અંતે...
લોભી માણસ રણપ્રદેશની વેરાન-રેતાળ જમીન જેવો છે. જે વરસાદનું તથા ઝાકળનું બધું પાણી આતુરતાથી પી જાય છે પણ બીજા માટે એક તણખલું કે ફૂલઝાડ પેદા કરી શકે નહીં.
- ઝેનો