ટપાલીનું કામ કરતો રોબો તોફાને ચઢયો
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
પે સિફિક બેલ નામની ખાનગી કંપનીમાં ટપાલીનું કામ કરતા અક રોબોએ ઓફિસની એક મહિલાને હેરાનપરેશાન કરી નાખી. પામેલા બેકમેન નામની એ મહિલા કર્મચારી ઓફિસમાં ટપાલો ભેગી કરી રહી હતી ત્યારે એકાએક યંત્રમાનવ વીફર્યો. ૫૦૦ રતલ વજન ધરાવતો એ યંત્રમાનવ એકાએક પામેલા તરફ ધસી આવ્યો. પામેલાએ યંત્ર માનવની સ્વિચ બંધ કરીને તેને ટાઢો પાડવાની કોશિશ કરી તેમાં તો તે ઓર ભડક્યો. તેણે વધુ આક્રમક બનીને પામેલા પર હલ્લો કર્યો. પામેલા પાછળ હટી, પરંતુ પાછળ ફાઇલો રાખવાનું સ્ટેન્ડ હતું. યંત્રમાનવે પામેલાને સ્ટેન્ડસરસી ચાપીને ધક્કા માર્યા. પરિણામે પામેલાને ખભા, હાથ અને જમણા પગના અંગૂઠા પર ઇજાઓ થઈ. આ ઘટના બની તેના બીજા જ દિવસે પામેલા એ ઓફિસ છોડીને જતી રહેવાની હતી. એ ઓફિસમાં તેની નોકરીનો એ છેલ્લો દિવસ હતો ત્યારે આવું બન્યું.
પ્રેતાત્મા હકીકત છે કે ભ્રમ?
સ્પિરિટ (પ્રેતાત્મા)ને બોલાવીને તેની પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવવાનો ક્રેઝ સર્વેવ્યાપી છે. સ્પિરિટને બોલાવવાની ઘણી રીતો છે. એક રીતમાં પ્લેઇંગ કાર્ડ વપરાય છે. પાંચ કાર્ડ રાખી, એક કાર્ડ ઊલટુ મૂકવામાં આવે છે. પછી સ્પિરિટને બોલાવવામાં આવે છે. સ્પિરિટ આવે એટલે વ્યક્તિની આંગળી જાતે જ હલીને કોઈ કાર્ડ તરફ ખસે છે. અમુક કાર્ડ પર આંગળી પહોંચી તો હા, અને અમુક કાર્ડ પર આંગળી પહોંચી તો ના, એ રીતે સ્પિરિટ દ્વારા પ્રશ્નનો જવાબ મેળવાય છે. બીજી રીતમાં ઘડિયાળનું ડાયલ વપરાય છે. સ્પિરિટ આવે એટલે આંગળી, ઘડિયાળનો કાંટો ફેરવે છે. અમુક આંકડા પર કાંટો પહોંચે તો હા, અને અમુક આંકડા પર પહોંચે તો ના એ રીતે સવાલ-જવાબ થાય છે. અહીં સ્વાલ એ ઊભો થાય કે જા ખરેખર સ્પિરિટ હોય તો આંગળી શા માટે ખસવી જાઇએ, ઘડિયાળનો કાંટો જાતે જ અમુક નંબર પર ન પહોંચી શકે? મનોવૈજ્ઞાાનિકો માને છે કે વ્યક્તિના અર્ધજાગ્રત મનમાં સ્પિરિટ અંગેની માન્યતા દ્રઢ થયેલી હોય ત્યારે તેને સ્પિરિટની હાજરીનો ભ્રમ થાય છે અને તેની આંગળી આપોઆપ ખસવા માંડે છે. ત્યારે તે એવું સમજે છે કે સ્પિરિટ દ્વારા તેની આંગળી દોરાઈ રહી છે.
વિશ્વના ખ્યાતનામ પુસ્તકોનું અવનવું
કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું છે? જવાબ : બાઇબલને બાદ કરતાં બેન્જામિન સ્પોકનાં પુસ્તક 'પૉકેટ બુક ઑફ બેબી ઍન્ડ ચાઇલ્ડ કેર'ની અત્યાર સુધીમાં ૨ કરોડ ૩૨ લાખ અને ૮૫,૦૦૦ નકલો વેચાઈ છે. ચોથો નંબર ધી ગીનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડનો છે. તેની ૧ કરોડ ૬૪ લાખ અને ૫૭,૦૦૦ નકલો વેચાઈ છે. હૅરૉલ્ડ રોબિન્સની નવલકથા કેટલી વંચાઈ છે? જવાબ : હૅરૉલ્ડ રોબિન્સની વાર્તાની ૨૦ કરોડ નકલો વેચાઈ છે અને ઍલિસ્ટર મેક્લિનની ૧૫ કરોડ. જગતનો સૌથી મહેનતુ લેખક કોણ? જવાબ : સોળમી સદીનો સ્પેનિશ લેખક લોપ દે વેગા. તેણે ૨,૨૦૦ પુસ્તકો લખ્યાં છે. ઍલૅક્ઝાન્ડર ડુમાસે ૧,૫૦૦ ગ્રંથો લખ્યા છે. કઈ ઍક જ નવલકથાની સૌથી વધુ નકલો વેચાઈ છે? જવાબ : મેરીઓ પુઝોની 'ધી ગાડ ફાધર'ની ૧ કરોડ ૨૧ લાખ ૪૦,૦૦૦ નકલો વેચાઈ છે. જગતમાં સૌથી વધુ અનુવાદો કયા લેખકોનાં થયાં છે? જવાબ : લેનિનનાં પુસ્તકોના ૪૬૮ ભાષામાં, વૉલ્ટ ડિઝનીના ૨૮૫ ભાષામાં, અગાથા ક્રિસ્ટીની વાર્તા ૧૮૫ ભાષામાં, જુલે વર્નનાં પુસ્તકોના ૧૭૨ ભાષામાં, કાર્લ માર્ક્સનાં પુસ્તકોના ૧૩૬ ભાષામાં અને બાર્બરા કાર્ટલન્ડની વાર્તાના ૧૩૫ ભાષામાં અનુવાદ થયાં છે.
સૂર્યસ્નાનનો મહિમા
સૂર્યસ્નાનનો મહિમા નિસર્ગોપચારકોએ તો ગાયો જ છે પણ એક ડૉક્ટરે 'ડે-લાઇટ' નામનું પુસ્તક લખ્યું છે તેમાં સૂર્યનો કોમળ તડકો લેવાથી ઘણા રોગો સારા થઈ જાય છે. સૂર્યનો તડકો લેવાથી ઇન્ફેકશન ઓછુ થાય છે દાંતનો દુખાવો થતો નથી, વાળ કાળા થાય છે
અને ડિપ્રેશનમાંથી બચાય છે. 'સાયન્ટિફિક અમેરિકન' નામના પ્રતિષ્ઠિત મેગેઝિનમાંય ડૉ. રિચાર્ડ વર્ટમેને સૂર્યસ્નાનનો મહિમા ગાયો છે. સૂરજનો તડકો લેવાથી માનસિક શક્તિ વધે છે. બાળકોમાં હાઇપર ઍકટિવિટી ઘટે છે.
કપુરથલાના મહારાજાનો હીરો 6,40,000 ડોલરમાં વેચાયો
વજનમાં ૧૦૦ કરતાં વધુ કેરેટના હીરા બહુ ઓછા જાવા મળે છે. અક મશહૂર હીરો કપૂરથલાના મહારાજા જગતજિતસિંહ બહાદુર પાસે હતો. મહાજાલ ડાયમન્ડ તરીકે જાણીતા બનેલા ઘેરા પીળા રંગના એ હીરાનું વજન ૧૩૮.૩૮ કેરેટ હતું. એક સમયે મહારાજાની પાઘડીમાં તે શોભતો હતો, પણ આજે તે લિલામીની એવરગ્રીન ચીજ છે. નવેમ્બર, ૧૯૮૩માં મહાજાલ ડાયમન્ડ પહેલી વાર યુરોપમાં ફૂટી નીકળ્યો ત્યારે ભારત સરકારને તેની 'નિકાસ'ના સમાચાર લિલામી પછી જ મળ્યા હતા. આ હીરો ૬,૪૦,૦૦૦ ડૉલરના ભાવે વેચાયો, પરંતુ તેની વાજબી કિંમત એ વખતે પણ દસેક લાખ ડૉલર જેટલી હતી. ૧૯૫૪માં બર્દવાનના મહારાજાએ તેમનો ૧૧૬ કેરેટનો વિખ્યાત અકબર શાહ ડાયમન્ડ વિદેશી બજારમાં વેચ્યો ત્યારે માંડ વીસેક હજાર ડૉલર તેમને મળ્યા હતા. અકબર શાહની યોગ્ય કિંમત તો લાખો ડૉલરમાં ગણી શકાય તેમ હતી; છતાં એ હીરો રખે દિલ્હી ખાતેના નેશનલ મ્યુઝિયમમાં જતો રહે એવા ડરે બર્દવાનના મહારાજાઅ ભાગતા ભૂતની લંગોટી વડે સંતોષ માન્યો હતો.