'જાકુબ, ભાગવામાં ભૂંડો લાગે છે'
ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ
જાકુબની ગોળી છૂટી. હરભાઇની કાનની બૂટને છબકતી સરી ગઇ. હરભાઇ અને જાકુબ વચ્ચે ગોળીઓની રમઝટ બોલવા માંડી. ખીજદડના સીમાડે ધીંગાણું મંડાણું
જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં છે.
એવે વખતે સોરઠનો ધણી રાજદરબારની દોઢીએ બેસીને રૈયતની રાવ - ફરિયાદ સાંભળી રહ્યો છે, ત્યાં કાળો કકળાટ કરતું કુતિયાણાનું મા'જન આવીને ઊભું રહ્યું.
'બાપુ, રૈયત રાડ દઇ ગઇ છે. હવે અમથી હરામખોરોના હડસેલા ખમ્યા ખમાતા નથી.'
'ધરપત રાખો. બધા બંદોબસ્ત કરું છું.'
બોલીને નવાબ ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા.
વાત એમ હતી કે કુતિયાણા પંથકમાં ગામડાં ધોળે દિ'એ ધમરોળાતાં હતાં. ઉઘાડેછોગ લૂંટાતાં હતાં. વાડી- ખેતરોને ઊભે વગડે ઓડા બંધાતા હતા. આવતા વેટમાર્ગુના ખડીઆ ખાલી કરાવાતા હતા. દરદાગીના ને રોકડ રકમનો ખંખેરો કરી લેવાતો હતો. એક બાજુથી સોઢાણા નામના ગામના લાખો ગડીઆએ બહારવટું આદર્યું હતું. તો બીજી બાજુથી રોઝડાના ગામેતી જાકુલ જારૂએ પંડયની જોરાવરીએ લૂંટફાટ આદરી હતી. આમ બેવડી ભીંસમાં ભીંસાતાં સોરઠ સરકારનાં સરહદી ગામડાંને ઉગારવા નવાબ સાહેબનું ફરમાન છૂટયું કે
'હરભાઇને કુતિયાણા પરગણાના પોલીસ વડા તરીકે તાબડતોબ મોકલો.'
હરભાઇ. પ્રભાતના પોરમાં જેનું નામ લીધે પાપનાં પોટલાં છૂટી જાય એવા પ્રભાસ પાટણના પવિત્ર નાગર ઉદયશંકર દેસાઇનો દીકરો, કુતિયાણે પૂગ્યો, પોલીસ બેડાનો હવાલો લીધો, હરામખોરોનું પગેરું દાબવા સાબદો થયો. કુનેહ અને કાબેલીયત કામે લગાડયાં.
એક દી વાવડ મળ્યા કે 'ગામેતી જાકુબ જારૂ ખીજદડ ગામને ખંખેરીને ભાગી છૂટવાની તૈયારીમાં છે.'
વાવડ મળતાં જ હરભાઇએ હાકલ કરી ફોજના માણસોને સાબદા કર્યા. ખંભે બંદૂક નાંખી ઘોડે રાંગ વાળી ખીજદડનો મારગ સાધ્યો. ઢાલવા છાતી, ભરાવદાર મોં, માથે દાઢીના થોભીઆને ટેકે મૂછોના કાતરા, કરડી આંખ્યું ને જોરાવર ભુજાઓવાળા હરભાઇના ઘોડાએ ખીજદડના સીમાડામાં ડાબા દીધા, ત્યાં તો જાકુબ જોરૂને જાણ થઇ ગઇ કે હરભાઇ આવે છે. હરભાઇનું નામ સાંભળતાં જ જાકુબ જોરૂના હાંજા ગગડી ગયા. ભરીબંદૂકે એ ભાગ્યો. એ ભાગતા જાકુબનું પગલે પગલું દબાવતા હરભાઇ પાછળ પડયા પડકારા કર્યો -
'જાકુબ, જોરાવરી લાજે છે. ભાગવામાં ભૂંડો લાગે છે.' અને જાકુબે પાછા ફરીને એક ઝાડની ઓથ લઇને સામો પડકાર કર્યો.
'હરભાઇ, આ જાકુબ ભાગે તો ભોમકાને ભોંઠપ લાગે. હું તો ઓથ ગોતતો હતો. હવે જોઇ લેજો આ જાકુબની જોરાવરી !'
જાકુબની ગોળી છૂટી. હરભાઇની કાનની બૂટને છબકતી સરી ગઇ. હરભાઇ અને જાકુબ વચ્ચે ગોળીઓની રમઝટ બોલવા માંડી. ખીજદડના સીમાડે ધીંગાણું મંડાણું. આભમાંથી અગન વરસી રહી છે. ધરતીનાં રૂપ ત્રાંબાવરણાં થઇ ગયાં છે. સીમ આખીમાં સોપો પડી ગયો છે. ફક્ત વાડીઓની વનરાઇમાં બેઠેલા મોરલા બંદૂકના ભડાકે બોલી રહ્યા છે.
જાકુબ જોરૂ બંદૂકની નાળમાં આઠ આઠ આંગળ દારૂ ધરબીને ગોળીઓ છોડી રહ્યો છે. જાકુબને ફરતો ભરડો લઇને હરભાઇની ઘીસત પડી છે. રોંઢો ઢળ્યો. કુંપામાંથી દારૂ ખૂટયો, ગોળીઓ ખૂટી એટલે હરભાઇએ હાકલ કરી.
'જાકબુ', શરણે થા.'
'હરભાઇ, હવે તો હું હાથોહાથનું ધીંગાણું ખેલીશ. પંડયમાં પ્રાણ હશે ત્યાં લગી શરણે નહીં આવું.'
હરભાઇએ ફોજને હુકમ દીધો,'સબૂર! કોઇએ ગોળી છોડવાની નથી. જાકુબનું હાથોહાથનું ધીંગાણું મને કબૂલ છે.'
હરભાઇએ ઘોડાનું પેગડું છોડયું. જાકુબની સામે ચાલ્યા. બેય વચ્ચે હાથોહાથનું ધીંગાણું જામ્યું. હરભાઇએ જાકુબ જોરૂની ખાલી બંદૂક આંચકી લઇ પોતાના બાવડાના બળે ભાંગીને બોલ્યા.
'જાકુબ, આનું નામ જોરાવરી.' બીજી પળે જાકુબને જીવતો પકડી, કેદ કરી કુતિયાણાની કાજળ કોટડીમાં પૂરી દીધો.
(નોંધ : આ બહાદુર પોલીસ સુપ્રી. શ્રી હરપ્રસાદ ઉદયશંકર દેસાઇએ કુતિયાણા ડિવિઝનનો ચાર્જ તા.૮-૫-૧૮૯૯ના રોજ લીધો હતો.)