Get The App

દર્દીઓની સેવામાં આયખું આપી દેનારા ગોરધનબાપા

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

Updated: Oct 19th, 2019


Google NewsGoogle News
દર્દીઓની સેવામાં આયખું આપી દેનારા ગોરધનબાપા 1 - image


પચ્ચાસ વર્ષની અવિરત સેવાની સુવાસ ફેલાવનારા 'ગોરધન બાપા' ઇ.સ.1975માં આંખ મીંચી ત્યારે જનસમાજના અંતરમાં અકથ્ય વેદના ઘૂંટાઇ હતી

તે સમયમાં શેઠ ભગવાનદાસ નરોત્તમદાસ અને સર હરકીશન નરોત્તમદાસની નામાંકિત વ્યક્તિમાં ગણત્રી થતી હતી. ગુજરાતના કપોળ જ્ઞાાતિના વ્યવહાર કુશળ વેપારીઓની વાહ વાહ બોલાતી હતી. બંને બંધુઓની સુવાસથી મુંબઇ ધમધમતું હતું. સમગ્ર સમાજ સુવાસથી છવાયેલો હતો.

શેઠ ભગવાનદાસે પોતાની હયાતીમાં કરેલું વીલ નીકળ્યું. આ લખાયેલા વીલમાં ઘણી જ દૂરંદેશી હતી. પોતાની તમામ મિલકતના વારસ તરીકે તેમના ધર્મપત્ની ઝવેરબહેનને જ ગણાવ્યા હતા. આ વીલમાં એક એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભવિષ્યમાં મારી પત્નીને કોઇ દત્તક પુત્ર લેવાની ઇચ્છા જન્મે તો તેણીએ મારા ભાણેજ ગોરધનદાસને દત્તક પુત્ર તરીકે લેવો.' આટલી ઉલ્લેખની ગહનતા માપવાનું કામ સહેલું ન ગણાય. તેમ છતાં ઝવેરબહેને તે કામ કરી બતાવ્યું.

આમ મરતાં પહેલા મુંબઇના મોભીએ ગોરધનદાસ ગુણભંડાર જોયો હશે તે ગુણભંડારની કુંચી કલમ દ્વારા વીલમાં મુકી વિશ્વાસ સાથે પોતાની પત્નીના હાથમાં સોંપી.

બસ વાતની શરૂઆત અહીંથી થઇ રહી છે.

ઝવેરબહેને પતિની અંતિમ ઇચ્છાને અંતરથી આવકારી ગોરધનદાસને દત્તક પુત્ર તરીકે લેવાની વીધી પુરી કરી પતિની આખરી ઇચ્છાને અંજલિ અર્પી પોતાના જીવનને ધન્ય ગણ્યું.

ત્યારથી ઇ.સ.૧૮૮૭માં જન્મેલો જુવાન ગોરધનદાસ વિઠ્ઠલદાસને બદલે ગોરધનદાસ ભગવાનદાસના નામે જાહેર થયો. ગોરધનદાસે તબીબી શિક્ષણ લેવાનું શરૂ કર્યું. ડોક્ટર તરીકે ખરા અર્થમાં ડોક્ટર થવા માટેના શિક્ષણ લેવાની તેમની ખ્વાયેશ હતી. એટલે ખંતથી તે કેળવણી પ્રાપ્ત કરવા ઓતપ્રોત થઇ ગયા.

અને એક વધુ આંચકો આવી ગયો. સર હરકીશનદાસનું અવસાન થયું. અઢળક આમદાની અલવીદા કરીને સરનો ઇલ્કાબ લઇને શેઠ હરકીશનદાસ સાથરે સૂતા ત્યારે ગુજરાતી સમાજ પરશોકના ઘેરા વાદળો છવાયા.

આમ જીવનની ઘટમાળા ફરતી રહી ગતિવિધિનો વહેવાર ચાલતો રહ્યો.

અભ્યાસ કરતા કરતા જ તેમણે પ્રભુતામાં પગલા માંડયા. લાલદાસ વનરાવદાસના પુત્રી મદનબહેન સાથેનો સંસાર શરૂ થયો. પરીક્ષા પુરી કરી પદવી પ્રાપ્ત કરી.

ગોરધનદાસ ડો.ગોરધનદાસના નામે ઓળખાવા લાગ્યાં. ડો.ગોરધનદાસના દિલમાં દયાનો દિપક સદાય જલ્યા કરતો હતો. તેથી તબીબી ક્ષેત્રે તેનું નામ આમ જનતાની જીભને ટેરવેથી વખતો વખત એટલે કે વાતવાતમાં ટપક્યા કરતું હતું. આ તેમના જીવનની સિધ્ધિનું પ્રથમ સોપાન હતું. સેવાનું સત્વ એવું તો સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું કે બીજું કંઇ વિચારવાને વખત જ રહેવા દેતું નહોતું.

મદનબેન માંદગીને બિછાને પડયા. પોતાની પ્રાણેશ્વરીને બેઠી કરવા પહાડ જેવડા પ્રયત્નો કર્યો પણ કાળ તેમને ડરાળ પંજામાં પકડી ગયો. ડો.ગોરધનદાસ ક્ષુબ્ધ બની ગયા. પણ ચિત્તને ચચળ બનવા ન દીધું. દર્દીની સારવારમાં પોતાના સમગ્ર સંસારને સાંધી દીધો. એક જ ધ્યેયનું ધ્યાન ધરીને તપ આરંભ્યું.

એક દિવસ ઝવેરબેને ડો.ગોરધનદાસને પાસે બેસાડી કહ્યું.

બેટા ! મદનની યાદમાં ક્યાં સુધી ઝુર્યા કરીશ. પરણી જા. એટલે હૈયું હળવું થાય. 'મનની મૂંઝવણ મટે. ડો.ગોરધનદાસે માતાની લાગણીને માંગણીને ઠેસ ન લાગે એમ વળતો ઉત્તર દીધો...

'બા ! મારો જમણો હાથ લઇને મદન અનંતની યાત્રાએ ઉપડી ગઇ છે. ડાબા હાથે દેહના દાન લેવાય નહિ. મારાથી બીજું કોઇ પગલું ભરાય નહિં.આપણે સાથે મળીને એવું નિર્માણ કરીએ કે મુંબઇ મધ્યે આ મિલ્કતના માલિકનું નામ મહેંકતું રહે. આ આમદાનીમાંથી હોસ્પિટલની ઇમારત ઉભી કરીએ જે અમર વારસદારની ગરજ સારશે.

સર હરકીશનદાસની પત્ની લેડી માનકુંવરબહેને પળનો પણ વિલંબ કર્યા વગર વાતને પકડી લીધી.

'સર હરકીશનદાસ હોસ્પિટલ એવું નામ આપવાના હો તો હું મારો બંગલો દાનમાં આપી દઉં.'

ઝવેરબહેનના બોખા મોં પર મલકાટ પથરાણો. 'બેટા ! મારો દિયર તો દુલ્લો રાજા હતો. એનું નામ અમર થતું હોય તો આપણી મિલકત પણ એમાં ભેળવી કરો. ઇમારત ઉભી ઘરમનું કામ સરનું નામ.'

ડો.ગોરધનદાસની આંખ બંનેના ત્યાગના તળીઆને તપાસવા લાગી. મનોમન વંદી રહ્યા. તે જ ક્ષણથી ડો.ગોરધનદાસ મહાનગરી મુંબઇ મધ્યે ઇમારત ઉભી કરવાના કામમાં પરોવાયા.

ઇ.સ. ૧૯૧૮માં ગવર્નરના પત્નિ લેકી વિલીંગ્ડનના હસ્તે શિલાન્યાસ કરાવ્યો. ત્યારે ડો.ગોરધનદાસને સાકરથી એ વધારે સ્વાદ આવ્યો. સાત વરસની અવિરત આરાધના બાદ ઇ.સ. ૧૯૨૫માં સર હરકીશન હોસ્પિટલની ઇમારતે આલીશાન આકાર ધારણ કર્યો. ગવર્નર સર લેસલી વીલ્સને ગુજરાતને ગૌરવ અપનાવનાર સર હરકીશન હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તે પ્રસંગે ગરવી ગુજરાતીઓનું મહાજનનું ઉર ઉલ્લાસથી ઉભરાતું હતું.

ડો.ગોરધનદાસની સેવાઓનો સતત સેતુ બંધાઇ ગયો. હોસ્પિટલના ખાટલે ખાટલે ફરીને હૈયાંધારણા દેતાં. ડો.ગોરધનદાસ દર્દીઓને દેવના દૂત જેવા દેખાવા લાગ્યા. ડોક્ટરના બંધુ વડી અદાલતના ન્યાયમૂર્તિ સર મંગળદાસ સિપાઇએ માનદ્ મંત્રી પદ સંભાળ્યું.

બંધુ બેલડીએ સરહરકીશન હોસ્પિટલમાં પ્રાણ પુરવા માંડયો. ડો.ગોરધનદાસ જીવનની તમામ ક્ષણો દર્દીઓની સેવામાં સિંચવા લાગ્યા.

પચ્ચાસ વર્ષની અવિરત સેવાની સુવાસ ફેલાવનારા 'ગોરધન બાપા' ઇ.સ.૧૯૭૫માં આંખ મીંચી ત્યારે જનસમાજના અંતરમાં અકથ્ય વેદના ઘૂંટાઇ હતી.

ડો.ગોરધનદાસની સેવાને ભારત સરકારે પદ્મશ્રીનો ઇલ્કાબ આપી બિરદાવી હતી. આ મકાન માનવ સેવકનું નામ  મુંબઇના ચોક સાથે જોડીને મ્યુ.કોર્પોરેશને પોતાનો ધર્મ બજાવ્યાનું પૂણ્ય કર્યું છે. રાજા રામમોહનરાય માર્ગ અને સરદાર  વલ્લભભાઇ માર્ગનું જ્યાં જોડાણ થાય છે. પ્રાર્થના સમાજનું જ્યાં બિલ્ડીંગ છે તે ચોક 'ગોરધનબાપા' ચોક તરીકે જાહેર કરી યાદને અમર રાખી છે. 

સાંઠ સાલ પહેરે ચાલીસ બીછાનાથી શરૂ થયેલી આ હોસ્પિટલ ત્રણસો ને છાંસઠ પથારી સુધી પહોંચી. દોઢસો બિછાના ગરીબ અને મધ્યવર્ગના દર્દીઓ માટે મફત આરક્ષીત રાખવામાં આવે છે.

'ગોરધન બાપા'ની પ્રતિમાં મૂકી સંચાલકોએ આદર્શનું ઉજળું ઉદાહરણ પુરું પાડયું છે. તે વિસરી શકાય નહિ. 'માનવસેવાની પુણ્ય પ્રતિમામાં જેમણે પોતાનું સાહસ જીવન અર્પણ કર્યું એ જેમના અમીસ્ત્રોતો આ સેવા સંસ્થા અત્યંત લોકપ્રિય બનીએ પૂણ્યા આત્માને અંતરની વંદના સાથે 'સંભારણાં'ને સાચવી જાણીએ.


Google NewsGoogle News