પ્રજાને સમાચાર પહોંચતા રહે માટે 'પ્રજાબંધુ' અને 'ગુજરાત સમાચાર' એ ગઠબંધન રચી સમાચારપૂર્તિઓ શરૃ કરી
જે સરકાર ૧૯૦૩માં 'પ્રજાબંધુ'ની પ્રશંસા કરતી હતી તે જ સરકારે પ્રજાબંધુને જપ્ત કર્યું
પ્રજાબંધુ સાપ્તાહિક રાષ્ટ્રવાદની ભાવનાને વરેલું હતું, 10 જાન્યુ. 1932 થી 19જૂન 1933 સુધી એ બંધ રહ્યું હતું
ક્રાંતિવીર ભગતસિંહને તા. ૨૩-૩-૧૯૩૧નાં રોજ જ્યારે સરકારે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી ત્યારે પ્રજાબંધુએ સાંસ્થાનિક સરકારની કડક ટીકા કરીને એનાં એડિટોરીયલમાં લખ્યું ;
'જે ગોરી સરકારે પંજાબના જલિયાવાલા બાગમાં સેંકડો નિર્દોષ લોકોને ગોળી મારીને હત્યા કરી હતી તે સરકારે ભગતસિંહને ફાંસીએ ચઢાવીને હિંદની પ્રજાનો ખોફ વહોરી લીધો છે.'
૧૯૦૩મા જ્યારે દિલ્હીમાં દરબાર ભરાયો ત્યારે અંગ્રેજી સરકારે તમામ ગુજરાતી વર્તમાનપત્રોમાંથી એકમાત્ર પ્રજાબંધુને હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું
પ્ર જાબંધુ પ્રજાની આકાંક્ષાઓને આગળ ધપાવતું છાપું હતું. ૧૯૧૦માં એણે વાચકોને આકર્ષવા નવું તત્ત્વ ઉમેર્યું. પ્રતિવર્ષ ગ્રાહકોને ભેટપુસ્તકો આપવાની પ્રથા એણે શરૃ કરતાં એનાં વાચકોની સંખ્યા વધી. વળી આ અખબાર નવા વર્ષ માટે કાવ્ય દ્વારા આશીર્વચનો આપતું. ૧૦ નવેમ્બર ૧૯૦૧નાં રોજ એણે નીચેનું મંગળ કાવ્ય પ્રસિદ્ધ કર્યું ;
''નવું વર્ષ સુહર્ષવીશે વિચરો
સુખી સર્વ સ્થળે વિણ વિઘ્ન રહો
જગમાંહિ મળો જયસિંહ સમો
ભયભીત બની સઉ શત્રુ નમો
બળબુધ્ધિ તથા બહુ જ્ઞાાન વધો
યશ યુક્ત ઘણાં ગુણી મિત્ર મળો.''
પ્રજાબંધુ સમગ્ર દેશમાં લોકપ્રિય હતું. ૧૯૦૩માં જ્યારે દિલ્હીમાં દરબાર ભરાયો ત્યારે અંગ્રેજી સરકારે તમામ ગુજરાતી વર્તમાનપત્રોમાંથી એકમાત્ર પ્રજાબંધુને તેમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. પણ ધીમે ધીમે પ્રજાબંધુની લીબરલ પોલીટીકલ ફિલોસોફી બદલાઈ ગઈ. એણે ગાંધીવાદી લોકલડતને ટેકો આપ્યો એટલું જ નહીં પણ ક્રાંતિવીર ભગતસિંહને તા. ૨૩-૩-૧૯૩૧નાં રોજ જ્યારે સરકારે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી ત્યારે પ્રજાબંધુએ સાંસ્થાનિક સરકારની કડક ટીકા કરીને એનાં એડિટોરીયલમાં લખ્યું ; 'જે ગોરી સરકારે પંજાબના જલિયાવાલા બાગમાં સેંકડો નિર્દોષ લોકોને ગોળી મારીને હત્યા કરી હતી તે સરકારે ભગતસિંહને ફાંસીએ ચઢાવીને હિંદની પ્રજાનો ખોફ વહોરી લીધો છે.
' ૧૯૩૦-૩૨ની ગાંધીજીની સવિનય કાનૂન ભંગની લડતને પણ એણે ટેકો આપ્યો હતો. તેથી જે સરકારે ૧૯૦૩માં 'પ્રજાબંધુ'ની પ્રસંશા કરી હતી તે જ સરકારે હવે પ્રજાબંધુને જપ્ત કર્યું તા. ૧૦ જાન્યુઆરી ૧૯૩૨થી ૧૭ જૂન ૧૯૩૩ સુધી એ બંધ રહ્યું હતું. પણ તે દરમિયાન પ્રજાને સમાચાર પહોંચતા રહે તેને માટે પ્રજાબંધુ અને ગુજરાત સમાચારે ગઠબંધન રચીને સમાચારપૂર્તિઓ શરૃ કરીને દૈનિક 'ગુજરાત સમાચાર'માં પ્રસિધ્ધ કરવા માંડી. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર વચ્ચેની આ કડી મહત્ત્વની પૂરવાર થઇ હતી.
જૂન ૧૯૩૩માં પ્રજાબંધુ ફરીથી પ્રગટ થયું, પણ ત્યાં સુધીમાં તો ગુજરાત સમાચારે રાજકારણ ઉપરાંત વારતા, સાહિત્ય, કાવ્યો દ્વારા તેમજ સમાચારની સાથે સાથે આકર્ષક ચિત્રો અને ફોટોગ્રાફયુક્ત જાહેરાતો દ્વારા લોકમન હરી લીધું હતું. ૧૯૪૦નાં દાયકામાં રમાયેલી સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચોનાં અહેવાલો બન્ને અખબારોમાં છપાતાં ત્યારબાદ કાળક્રમે જ પ્રજાબંધુ બંધ થઇ ગયું અને ગુજરાત સમાચાર ફેલાતું ગયું. તે દૈનિક હોવાથી લોકસંપર્ક વધારે અસરકારક રીતે કરી શક્યું હતું.
- મકરન્દ મહેતા
'હતભાગી રાષ્ટ્ર પર વજ્રઘાત ; ગોળીઓથી ગાંધીજીનું ખૂન'
ગાંધીજીનું જ્યારે ખૂન થયું ત્યારે ગુજરાત સમાચારે તેનાં ૩૧-૧-૧૯૪૮ના અંકમાં આંખે દેખ્યો અહેવાલ
આશરે ૩૦થી ૩૫ વર્ષ વચ્ચેની ઉંમરનો ખાખી ટયુનિકમાં સજ્જ થયેલાં શખ્સ મેદનીમાં હતાં. એણે ગાંધીજી પર ચાર વાર છેટેથી એક રીવોલ્વોરમાંથી ચાર ગોળીઓ છોડીને ગાંધીજીને વીંધી નાંખ્યા
હિં દની રાષ્ટ્રવાદની ચળવળને સમજવામાં પ્રજાબંધુ તથા ગુજરાત સમાચારનાં જુના અંકો ચાવીરૃપ છે. તેનાં દ્વારા ગાંધીજી તેમજ તેમની સમગ્ર વિચારસરણી આજે પણ જીવંત રીતે ઉભરાય તેવી શક્તિ તેમાં છે. જેમ કે તેનાં ૫ ઓક્ટોબર ૧૯૪૭ના અંકમાં લખ્યું હતું;
'ગાંધી-જયંતિ અને ગાંધીજી'. ગાંધીજીએ પોતાનાં જીવનનાં ૭૮મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દર વર્ષની જેમ આજે પણ દેશ ગાંધીજયંતિ ઉજવી રહ્યો છે. આજ દિન સુધી આવો ઉત્સવ પરાધીન હિંદનો હતો. આ પહેલો જ જન્મદિન આઝાદહિંદ ઉજવી રહ્યું છે. તેમ છતાં ગાંધીજી કહે છે કે મારા હૃદયમાં વેદના સિવાય બીજું કશું જ નથી. એક એવો સમય હતો જ્યારે હું કહેતો તેને લોકો અનુસરતા હતા. આજે મારો અવાજ એકલો અટૂલો છે. મેં લાંબુ જીવવાની આશા ત્યજી દીધી છે. ત્યાર પછી ગાંધીજીનું જ્યારે ખૂન થયું ત્યારે ગુજરાત સમાચારે તેનાં ૩૧-૧-૧૯૪૮ના અંકમાં 'હતભાગી રાષ્ટ્ર પર વજ્રઘાત ; ગોળીઓથી ગાંધીજીનું ખૂન' શીર્ષક હેઠળ આંખે દેખ્યો અહેવાલ આપતાં જે ઉદ્ગારો વ્યક્ત કર્યા તે પ્રગટ કરીશું.
આજે આપણને નવાઈ ના લાગે. પણ આ કમકમાટીભર્યા સમાચાર તે સમયની પ્રજા માટે નવા અને અસહ્ય હતા ; 'પ્રાર્થનામાં જતાં એક યુવકે છોડેલી ગોળીઓથી સાંજે ૫.૩૫ વાગે ગાંધીજીનું અવસાન. રાષ્ટ્ર પર ફરી વળેલી શોકની ઘેરી છાયા. આજે ૧૧।। વાગે સ્મશાન યાત્રા... ગાંધીજીને પ્રાણઘાતક ગોળી વાગ્યા પછી તેને ઉપાડીને બીરલા હાઉસના અંદરના ખંડમાં લઇ જવાને ખાટલા ઉપર સુવાડવામાં આવ્યા ત્યારે ત્યાં ભેગા થયેલા લોકો ચોધાર આંસુએ રડતા હતા. ગાંધીજીની પૌત્રી મનુ ગાંધી અને આભા ગાંધી પણ ધુ્રસકે ધુ્રસકે રડતા હતા. પાંચ દસ મિનિટ પહેલાં જ બીરલા હાઉસમાંથી ગયેલા સરદાર અને પંડિત નહેરૃ થોડી જ મિનિટોમાં આવી પહોંચ્યા. થોડી જ વારમાં લોર્ડ અને લેડી માઉન્ટબેટન પણ આવી પહોંચ્યા.
છ વાગી ગયા બાદ પ્રચંડ મેદનીમાંથી રૃદનનો કરૃણ ધ્વની બીરલા હાઉસને ધુ્રજાવી રહ્યો હતો... આજે સાંજે ૫ વાગે મહાત્મા ગાંધી બિરલા હાઉસમાંથી પગે ચાલતા પ્રાર્થના સભાના સ્થાન પર ચાલતા હતા. તેઓ સહેલાઇથી જઇ શકે તે ખાતર બે ભાગમાં મેદની વહેંચાઈ ગઇ હતી. વચ્ચે માર્ગ હતાં. આશરે ૩૦થી ૩૫ વર્ષ વચ્ચેની ઉંમરનો ખાખી ટયુનિકમાં સજ્જ થયેલાં શખ્સ મેદનીમાં હતાં. એણે ગાંધીજી પર ચાર વાર છેટેથી એક રીવોલ્વોરમાંથી ચાર ગોળીઓ છોડીને ગાંધીજીને વીંધી નાંખ્યા. ગાંધીજી ઢળી પડયા. એમના શરીરમાંથી ધોધવાબંધ લોહી વહી રહ્યું હતું. હુમલાખોરે લશ્કરી ઢબનું ખાખી ખમીસ અને પાટલુન પહેર્યું હતું.'
ગુજરાત સમાચારના આ જ અંકમાં સ્નેહરશ્મીનું 'ગયા બાપુ' શીર્ષક હેઠળ જે કાવ્ય છપાયું તે આજે તો તદ્દન ભૂલાઈ ગયું છે. તેથી આ ઐતિહાસીક કાવ્યને ટાંકીને લેખ પુરો કરીશું. ગાંધીજીનું 'દોઢસોમું' આજે જ્યારે ઉસાહથી ઉજવાઈ રહ્યું ત્યારે એમનું ખૂન કરનાર કાવત્રાખોરો કોણ હતા તે 'ગુજરાત સમાચાર'ની કલમ દ્વારા જાણવું તદ્દન રસપ્રદ થઇ પડશે.
સ્નેહરશ્મીનું કાવ્ય ;
''મોટા ઘરનો મોભ તૂટયો આ ?
કે બહાણનો કુંવાથંભ ?
ફાટયો પ્હાડનો પ્રાડ હિમાલય ?
કે આ કો ઘોર ભૂકંપ ?
બની ભોમ ગાંધી વિનાની
તૂટી હાય દાંડી ઘરાની !''
(ક્રમશ;)