Get The App

વાતે પૂરા શૂરા અને કાર્યમાં સાવ શૂન્ય !

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Mar 21st, 2020


Google NewsGoogle News
વાતે પૂરા શૂરા અને કાર્યમાં સાવ શૂન્ય ! 1 - image


કોઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિને વશ થવાનો જીવનભર ઇન્કાર કર્યો છે અને એથી ય વધુ એ બીજાઓની વધુને વધુ સેવા કઈ રીતે કરી શકે છે, તેની ખોજ કરતા રહ્યા

આજે એના આઝાદીના આંદોલનની વાત થાય, ત્યારે મહાત્મા ગાંધીજીના નેતૃત્વની સાથે નેલ્સન મંડેલાના નેતૃત્વનું સ્મરણ કરવામાં આવે છે. આઝાદી અપાવ્યા બાદ સૌથી સફળ રીતે દેશનો કારભાર ચલાવનાર તરીકે ય મંડેલા અદ્વિતીય છે. વિદેશમાં તો માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર)ની સાથોસાથ અને વારંવાર યાદ કરાય છે અને મજાની વાત એ છે કે આઝાદીની લડત અને પછી સ્વતંત્ર દક્ષિણ આફ્રિકાના ઘડતરમાં અસાધારણ સફળતા મેળવનાર નેલ્સન મંડેલા એ વિન્સ્ટન ચર્ચિલ, જ્હોન કેનેડી જેવી અથવા તો આપણા અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદી જેવી છટાદાર વકતૃત્વકલા ધરાવતા નહોતા. એમનો અવાજ થોડોક તીણો હતો અને 'રોયલ વી' જેવા શબ્દોનો તેઓ વારંવાર ઉપયોગ કરતા હતા. જો કે લાંબા સંભાષણો અંગે એમનો સાવ જુદો જ ખ્યાલ હતો.

૧૯૫૩માં ટ્રાન્સવાલમાં વકતવ્ય આપતા એમણે કહ્યું, 'મુઠ્ઠી વાળીને હાથ ઉછાળવા, ટેબલ પર હાથ પછાડવા, તાળીઓ ઉધરાવે એવા સૂત્રાત્મક વાક્યો બોલવા કે લાંબુ લાંબુ પ્રવચન આપવું તે વિશાળ જનમેદનીને પ્રેરવાનું કામ કરતા નથી અને એથી ય વધારે તો આવા જોશભર્યા જલદ પ્રવચનથી સંગઠનને અને આંદોલનને એમ બંનેને નુકસાન થાય છે.'

આથી મંડેલા શ્રોતાઓ પર પ્રભાવ પાડવાને બદલે પોતાના વિચારો અને સિદ્ધાંતોને સરળ અને સ્પષ્ટ ભાષામાં બતાવવાનું વધારે લાભદાયી માનતા હતા, જેમાં પોતાનો એ વિષય પરનો અંગત અનુભવ અને ઊંડો અભ્યાસ વધારે સારી રીતે પ્રગટ કરી શકાય છે. આથી જ નેલ્સન મંડેલાએ સ્વયં સામે ચાલીને આવાં જોરદાર પ્રવચનોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. આજના યુગમાં આવો નેતા વિરલ જ ગણાય.

નેલ્સન મંડેલાના નેતૃત્વનું વિશ્લેષણ કરીએ તો એક નેતા તરીકે પોતાની અંગત જવાબદારીઓ પ્રત્યે સભાનતા અને એથી વિશેષ પોતાની જાત પ્રત્યેનું વિશિષ્ટ પ્રકારનું ટીકાત્મક વલણ એમનામાં જોવા મળે છે. કોઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિને વશ થવાનો જીવનભર ઇન્કાર કર્યો છે અને એથી ય વધુ એ બીજાઓની વધુને વધુ સેવા કઈ રીતે કરી શકે છે, તેની ખોજ કરતા રહ્યા. પોતાના સાથીઓ અને દેશવાસીઓની સ્થિતિ સુધારવાની અદમ્ય ઇચ્છાએ નેલ્સન મંડેલામાં આપત્તિઓ સહેવાની અપાર શક્તિ જગાવી. એક અર્થમાં કહીએ તો એમની પ્રકૃતિમાં નિઃસ્વાર્થતા એવી મૂર્તિમંત થઈ કે એ જ એમના જીવનકાર્યનું કેન્દ્રબિંદુ બની રહી.

એમણે એમના એક વકતવ્યમાં કહ્યું હતું, 'કોઈપણ જાતની આશા રાખ્યા વગર બીજાને ઉપયોગી થવા માટે પોતાના સમય અને શક્તિનો ઉપયોગ કરવા મળે, તેના જેવી જીવનમાં બીજો કોઈ મોટી ગિફ્ટ નથી.' આથી જ એ પોતાના સાથીઓ અને ટેકેદારોને આવા સામુહિક ધ્યેયની પ્રાપ્તિ માટે સતત પ્રેરતા રહ્યા અને કહેતા રહ્યા કે આપણી હાલત માટે બીજાને દોષ દેવાની સહેજે જરૂર નથી. આપણા વિકાસની જવાબદારી પણ બીજાના માથે નાખવાની જરૂર નથી.

સામાન્ય રીતે સ્વતંત્રતા ઝંખતા નેતાઓ પ્રવર્તમાન પરાધીનતા માટે વિદેશી શાસકોને ગુનેગાર ઠેરવીને ફિટકાર વરસાવતા હોય છે, તેને બદલે નેલ્સન મંડેલાએ પોતાના દેશવાસીઓને કહ્યું કે તમારે ક્રાઉનને (બ્રિટીશ રાજ્યને), ચર્ચને, નોકરશાહીને, વૈશ્વિકીકરણને, મલ્ટીનેશનલ કોર્પોરેશનોને અને પ્રવર્તમાન રંગભેદને દોષી ઠેરવવાની જરૂર નથી. આમાંથી કોઈને પણ દોષી ઠેરવવા એ સરળ રસ્તો છે, પરંતુ આપણે આપણી જાતને જોવાની છે. આપણે આપણી જવાબદારીઓ સમજવાની છે અને આપણી સમસ્યાઓને માટે બીજાને દોષ આપવાને બદલે એનો આપણે સ્વયં સાચો ઉકેલ શોધવાનો છે.

મંડેલા રોબિન આઇલેન્ડમાં આકરો કારાવાસ ભોગવતા હતા, ત્યારે એમણે 'અવરોધોને દૂર કરો અને દુશ્મનોનો સામનો કરો' એ વિશે લખેલા નિબંધમાં આ જ વાત કરી હતી. પોતાની જાતનું વિશ્લેષણ કરીને, જરૂર પડે તો એની ટીકા કરીને અને વખત આવ્યે પોતાના દેશવાસીઓ સામે પોતાની ભૂલોનો ખુલ્લા દિલે સ્વીકાર કરીને જ તમે કાર્યસાધક બની શકશો. આ બાબત જ તમારી તાકાત અને તમારો આત્મવિશ્વાસ જગાવશે, જે અંતે જતા તમને સફળ અને લાભદાયી રહેશે.

નેલ્સન મંડેલાએ એણે એક મહત્ત્વની વાત એ કરી કે વ્યક્તિએ વિશ્વશાંતિની વાત કરતા પોતે પૂર્વે પોતાના જીવનમાં પરિવર્તન આણીને શાંતિ સ્થાપવી જોઈએ, પછી જ એ બીજાને કે બહારી જગતને શાંતિની વાત કરી શકે. 'ઑલ ટૉક એન્ડ નો એક્શન'- 'માત્ર વાતો અને કાર્યમાં શૂન્ય' એની સામે નેલ્સન મંડેલાએ મોરચો માંડયો હતો.

આવા વિચારોને કારણે મંડેલાએ પોતાની ભીતરમાં કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહે તેવું 'મિકેનિઝમ' ગોઠવ્યું હતું. એના જીવનમાંથી સત્તા ગઈ, અપયશની ઘટનાઓ બની અને આમ છતાં એ પોતાની જાત પર સંયમ રાખી શક્યા અને મનની સ્વસ્થતા જાળવી શક્યા, તેનું એક કારણ નેતા તરીકેની તેમની અનોખી જીવનદ્રષ્ટિ હતી.

કપરા સમયે પણ મંડેલા પોતાની જાતને સુધારતા રહ્યા, વિરોધીઓ કે ખોટા માણસોને સહેજે નમ્યા નહીં. આથી જ એમણે રોબિન આઇલેન્ડમાંથી એની પત્ની વિનીને પત્ર લખતા કહ્યું હતું, 'તમારી પાસે આશા સમું પ્રબળ હથિયાર છે કે જેની શક્તિ તમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી.'

આને પરિણામે જ જિંદગીના ઘણાં કપરાં પ્રસંગોમાં અને અણધારી આફતો વચ્ચે મંડેલાએ ક્યારેય માનવતામાંથી શ્રદ્ધા ખોઈ નહોતી. ક્યારેય હતાશ કે નિરાશ થઈને જિંદગીનો અંત આણવાની ઇચ્છા રાખી નહોતી. રોબિન આઇલેન્ડમાં કારાવાસમાં હતા, ત્યારે નેલ્સન મંડેલાને કારાવાસના ઉપરી અધિકારી લેફ્ટેનન્ટ પ્રિન્સ સાથે ચડભડ થઈ હતી. એણે મંડેલાને જેલમાં મળવા આવેલી પત્નીની મુલાકાત અંગે અવરોધ ઉભો કર્યો અને એથી ય વધારે એની પત્ની વિનીને એ લેફ્ટેનન્ટે અપશબ્દો કહ્યા. સામાન્ય સંજોગોમાં નેલ્સન મંડેલા એના પર મુક્કાઓનો વરસાદ વરસાવી દે, પરંતુ પોતાની જાત ઉપર કાબૂ રાખીને નેલ્સન મંડેલાએ આવો કોઈ શારીરિક હુમલો કર્યો નહીં. પરંતુ એને જોરશોરથી ધિક્કાર અને તિરસ્કારભર્યા શબ્દો કહ્યા.

પળેપળે આત્મનિરીક્ષણમાં માનનાર અને પોતાની દરેક સ્થિતિનું આત્મવિશ્લેષણ કરનાર નેલ્સન મંડેલા તરત સાવધ થઈ ગયા અને તરત જ અફસોસ કરવા લાગ્યા કે, 'હું મારી જાત પરનો કાબુ ગુમાવી બેઠો, એને હું મારા વિરોધી સામે થયેલી મારી હાર માનું છું.'

વિશા જનસમુદાયમાં પરિવર્તન લાવવા માટે આત્મસંયમ (સેલ્ફ-કંટ્રોલ) જરૂરી છે અને એ જ નેતૃત્વના ગુણ છે એમ મંડેલા માનતા હતા. પોતાની પુત્રીને હંમેશા કહેતા કે તારે હંમેશા પુરુષાર્થી, શિસ્તબદ્ધ અને સફળ લોકોની સાથે રહેવું જોઈએ, જેને પરિણામે તું તારી જાતમાં સારા ગુણો રોપી શકીશ.

આને કારણે તો દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારના આધિપત્યમાંથી દેશને આઝાદ કર્યા બાદ પણ એમણે કહ્યું, 'આપણે આઝાદીને માટેની આપણી યોગ્યતા પુરવાર કરવી જોઈએ અને તે માટે શક્ય તેટલી ગરિમા અને શિસ્તથી આપણે વર્તવું જોઈએ.'

ભારતમાં યોજાયેલા એક કન્વેન્શનમાં એમણે કહ્યું કે, માણસને ઝઘડવા માટે કે બિનસમાધાનકારી વલણ દાખવવા માટે એને પારાવાર દલીલો મળી રહેશે, પરંતુ એક માણસ તરીકે આપણી પાસે તાર્કિકતા, અનુકંપા અને પરિવર્તનની શક્તિ છે અને આશા રાખીએ કે આપણી આ સદી અનુકંપા, શાંતિ અને અહિંસાની સદી બની રહે.

જગતના નેતૃત્વમાં એક વિરલ પ્રકારનું નેતૃત્વ દાખવી ગયેલા નેલ્સન મંડેલાનું આ વિચારવિશ્વ અને એની કાર્યદક્ષતા આજે ય કેટલી બધી પ્રસ્તુત છે !

ક્ષણનો સાક્ષાત્કાર

કેવું છે આ માનવીનું મગજ ? જેમ પેટની કડકડતી ભૂખ હોય છે, એ રીતે મગજની પણ તીવ્ર ભૂખ હોય છે, પેટને માટે પાચનક્રિયાની જેમ મગજને માટે વિચારપ્રક્રિયા જરૂરી છે. એ યુવાન પાસે સારી ડિગ્રી હતી, નિરાંતે આજીવિકા ચાલે એટલી આવક હતી, સુખી સંસાર હતો અને છતાં એ આખો દિવસ મોબાઇલ અને વોટ્સએપમાં ડૂબેલો રહેતો હતો. એના જીવનમાં કોઈ જીવંતતા, પોઝિટિવીટી કે ઉમંગ યા ઉત્સાહ દેખાતો નહોતો. એક પ્રકારના ખાલીપાથી એ પીડાતો હતો અને પોતાનો એ ખાલીપો પૂરવા માટે મોબાઇલ કે વોટ્સએપમાં પોતાની સઘળી શક્તિ ઠાલવતો હતો.

ધીરે ધીરે એવી પરિસ્થિતિ એ સર્જાઈ કે એને વ્યર્થ બાબતોની આદત પડી ગઈ અને પછી કલાકો સુધી એ જ કશાય અર્થ વગરની અને સાવ ક્ષુલ્લક વાતોમાં યા મોબાઇલ યા વોટ્સએપમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યો. અને એ રીતે મગજને વ્યસ્ત રાખવાની આદત પડી ગઈ. આનું કારણ શું ? કારણ એ છે કે માનવીનું બ્રેઇન એક વિશિષ્ટ સર્જન છે અને એને સતત ખોરાક જોઈએ છે. એ બ્રેઇનને તમે કેવો ખોરાક આપો છો, તેના પર તમારી મગજશક્તિનો આધાર છે.

જો એને વ્યર્થતાનો ચસ્કો લગાડી દેશો, તો પછી એ કશી સક્રિયતાને બદલે વ્યર્થતામાં દોડી જવાના રસ્તા ખોળવા લાગશે. જો એની પાસે કોઈ ધ્યેય નહિ હોય તો એ જીવનમાં સઘળું હોવા છતાં ખાલીપાની ભયાનક પીડાથી રીબાતો હશે. કારણ કે એને કોઈ ધ્યેય, હેતુ કે કશું સિદ્ધ કરવાની તમન્ના નહીં હોય. જો સ્વપ્ન નહીં હોય તો સક્રિયતા નહી હોય, જો હેતુ નહીં હોય તો હિંમત નહી આવે એને જો ધ્યેય નહીં હોય તો ભાવિ પર દ્રષ્ટિ ફેરવીને આગળ વધવાનો ઉત્સાહ નહીં રહે.

મનઝરૂખો

સૅમ વૂડ તરીકે જાણીતા સેમ્યુઅલ ગ્રોસવેનૉર વૂડે (ઇ.સ. ૧૮૮૩થી ઇ.સ. ૧૯૪૯). પોતાની વ્યવસાયી કારકીર્દિનો પ્રારંભ રીયલ એસ્ટેટ બ્રોકર તરીકે કર્યો. પોતાના આ વ્યવસાય માટે એ ઘણાં સેલ્સમેનો રાખતા હતા અને તેઓને તદ્દન નવીન અભિગમ અપનાવીને ગ્રાહકોને કઈ રીતે આકર્ષી શકાય, તે શીખવતા હતા. જ્યારે આ વ્યવસાયમાં બીજા લોકો ચીલાચાલુ ઢબે કામ કરતા હતા, ત્યારે સૅમ વૂડે પોતાના સેલ્સમેનોને કહ્યું કે, 'તમે એમની માફક પોપટની જેમ નકલ કરશો, તો એનાથી તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમારી પાસે તમારી પોતાની આગવી રીત હોવી જોઈએ અને એ રીતથી તમારે તમારા ગ્રાહકોને પ્રભાવિત કરવા જોઈએ.'

સૅમ વૂડ આ વ્યવસાયમાં ખૂબ સફળ થયા અને પછી એમણે અમેરિકન ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની કામગીરી સ્વીકારી અને પ્રારંભમાં 'પેરેમાઉન્ટ પિક્ચર્સ' નામની કંપનીની કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ફિલ્મના દિગ્દર્શનમાં એમણે રીયલ એસ્ટેટ બ્રોકર તરીકેના પોતાના કસબને નવી રીતે ઢાળ્યો. એમાં પણ એમણે બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી રીતે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. દર્શકોને કઈ રીતે આકર્ષી શકાય, એના માટે કેટલાય મૌલિક વિચારો કર્યા. એ સ્પષ્ટપણે કહેતાં કે, 'તમે નકલ કરીને ક્યાંય અને ક્યારેય સફળ થઈ શકવાના નથી. તમારે તમારો પોતાનો કસબ બતાવવો જોઈએ અને તો જ લોકો તમને સ્વીકારશે.'

વળી એ સારી પેઠે જાણતા હતા કે લોકોને પણ કશુંક નવું જોઈએ છે અને ફિલ્મના માધ્યમ દ્વારા થતું મૌલિક આલેખન જોઈને દર્શકો સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. આનું પરિણામ એ આવ્યું કે સેમ વૂડે દિગ્દર્શિત કરેલી ઘણી ફિલ્મો હૉલીવૂડની 'હીટ ફિલ્મો' બની અને તે એકેડેમી એવોર્ડ માટે પણ નામાંકિત થઈ. 'ફોર હૂમ ધ બેલ ટોલ્સ', 'એ નાઇટ ઓફ ધ ઓપેરા', 'ગૂડબાય મિ. ચિપ્સ' અને 'ધ પ્રાઇડ ઓફ ધ યાન્કી' જેવી ફિલ્મોએ દિગ્દર્શક સૅમ વૂડને વૈશ્વિક નામના અપાવી.


Google NewsGoogle News