તમારી ધસમસતી ઈચ્છાઓની આંખ અને પાંખનો વિચાર કરો!
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- મનને મોકળુ મેદાન આપીને બોલવા દો. તમારા જીવનનાં પ્રશ્નોની વાત એને કરવા દો. મન બોલે અને તમે સાંભળો, મન ફરિયાદ કરે અને તમે એનો વિચાર કરો.
શું તમે સ્વસ્થ છો ખરા ? સ્વસ્થતાનાં ત્રણ પાયા છે અને તે છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આ ત્રણે બાબતમાં તમે કેટલા સ્વસ્થ, મજબૂત અને તંદુરસ્ત છો, તેની કસોટી પર જ તમારા જીવનનો પૂર્ણ આધાર છે. આ ત્રણે બાબતોનું સંતુલન જીવનમાં યોગ્ય રીતે કેટલું સાધી શક્યા છો, એ તમારા વ્યક્તિત્વની પારાશીશી છે. શારીરિક સ્વાસ્થ્ય વિશે તો આપણે અગાઉ થોડો વિચાર કર્યો.
હવે મનનાં સ્વાસ્થ્યની વાત કરીએ છીએ. શરીર એ મંદિર છે, તો મન એ મંદિરમાં બિરાજમાન પ્રભુની મૂર્તિ છે. શરીર રૂપી મંદિર સાવ જિર્ણશીર્ણ હોય, તો મનની અર્થાત્ મંદિરની પ્રતિમાનો કોણ વિચાર કરે ? અને શરીરનું મંદિર સર્વાંગ સંપૂર્ણ હોય, પરંતુ એમાં બિરાજેલ મનની પ્રતિમા અત્યંત ખંડિત કે જર્જરિત હોય, તો માનવીની કઈ દશા થાય ? મન દોડે ત્યાં માનવી દોડે છે. શરીર સ્વસ્થ હોય પણ મનથી નબળો માનવી સદાય બેચેન રહે છે.
એક અર્થમાં કહીએ તો શરીર એ મનની સિતાર છે અને મન એનું સંગીત છે, આથી શરીરની દ્રઢતાથી માનવી ઘણું પામી શકે છે. ઘણી વ્યક્તિઓ મનની અગાધ શક્તિ ધરાવતી હોય, પરંતુ શરીરથી નિર્બળ હોય તો એનું જીવનભર સતત વ્યાધિગ્રસ્ત રહે છે અને એને પરિણામે એના મનની શક્તિ સોળે કળાએ પ્રગટ થતી નથી.
મહાન ગણિતશાસ્ત્રી વી. રામાનુજમનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે અગાધ પ્રજ્ઞાાના એ સ્વામીએ આપેલાં ગણિતનાં કોયડા હજી આજેય જગત ઉકેલી શક્યું નથી, પરંતુ અસ્વસ્થ શરીરને કારણે એમનો અકાળે અંત આવ્યો. આથી એમ કહેવાય કે એક કલાક કસરત કરવાથી આયુષ્યમાં ત્રણ કલાકનો ઉમેરો થાય છે, પણ સવાલ એ છે કે બહુ ઓછા લોકોને વ્યાયામ કે કસરત માટે સમય મળે છે અને સામે પક્ષે હકીકત એ છે કે વ્યક્તિ પોતાનું શરીર મજબૂત કરવા માટે જેટલો સમય વીતાવે છે, તે એના ફળદાયી કાર્ય કરતા વધારે મહત્વનો છે. જેઓ પોતાના શરીરના સ્વાસ્થ્યને માટે સમય આપતા નથી, એમને સમય જતાં માંદગીને માટે બમણો સમય આપવો પડે છે. કસરત કે યોગથી પ્રાપ્ત થતી સ્ફૂર્તિ, તાજગી અને શાંતિને તો આપણે જાણીએ છીએ.
આ સંદર્ભમાં ભારતના પ્રસિદ્ધ તબલાવાદક પંડિત કિશન મહારાજના એક પ્રસંગનું સ્મરણ થાય છે. એમની પાસે તબલાવાદન શીખવા આવેલા યુવકોને એક વાતનું સદા આશ્ચર્ય થતું કે ગુરુજી શા માટે રોજ એકથી દોઢ કલાક નજીકના પાર્કમાં આવેલા ઘાસને કાપવાનું કામ સોંપે છે.
ગુરુનો આદેશ હતો કે પાર્કમાંથી ઘાસ કાપવું અને પછી એને પાછળ ફેંકી દેવું. ગુરુની આજ્ઞાા શિરોધાર્ય કરનાર વિદ્યાર્થીમાંથી કોઈની હિંમત ચાલી નહીં કે ગુરુને સવાલ કરે કે અમે ઘાસ કાપવા નહીં, પણ તબલાવાદન શીખવા માટે તમારી પાસે આવ્યા છીએ.
ક્યારેક મનોમન વિચાર પણ કરતા કે શા માટે આપણો કલાક-દોઢ કલાક આવી વ્યર્થ બાબતમાં ગાળવાનું કહે છે ? આનો કોઈ અર્થ ખરો ? કોઈ હોય તો ઘરના બગીચામાં આવું કામ કરાવે, પણ આ તો જાહેર પાર્કમાં ઘાસ કપાવે છે, એનો કોઈ મતલબ ખરો ?
શિષ્યોના મનમાં આવી ગૂંગળામણ પ્રબળ બની ગઈ હતી, એ પારખીને પંડિત કિશન મહારાજે સામે ચાલીને શિષ્યોને પૂછયું, 'હું તમને રોજ પાર્કમાં ઘાસ કાપવા માટે મોકલું છું અને તમે ગુરુની ભાવના જાણીને ઘાસ કાપો છો, પરંતુ તમારી પાસે આવું કામ શા માટે કરાવું છું એનો તમને ખ્યાલ છે ખરો ?'
શિષ્યોએ કહ્યું, 'નહીં ગુરુજી, અમે તો આપના આદેશનું પાલન કરીએ છીએ અને કલાક-બે-કલાક સુધી ઘાસ કાપીને પાછળ જોયા વિના કાપેલા ઘાસને પાછળ ફેંકી દઈએ છીએ.'
પંડિત કિશન મહારાજે આનું રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, 'જુઓ, એક તબલાવાદકમાં ધૈર્ય હોવું બહુ જરૂરી છે. વળી એની સાથોસાથ એનાં બે બાવડાંઓ પણ મજબૂત હોવાં જોઈએ. હાથ મજબૂત હોય તો જ લાંબા સમય સુધી તબલાવાદન કરી શકે. વળી તબલાવાદન કરો ત્યારે હાથ તબલાથી સહજે ઉપર જાય અને વળી પાછો એ તબલા પર આવે. જો તમે તમારા હાથને આવી રીતે કેળવો નહીં તો તમે લાંબા સમય સુધી તબલાં વગાડી શકો નહીં. આમ ઘાસ કાપવાના બહાને હું તમને તબલાવાદનનો જ અભ્યાસ કરાવતો હતો.'
પંડિત કિશન મહારાજની આ વાત સાંભળીને શિષ્યો સ્તબ્ધ બની ગયા.
વર્તમાન સમયમાં તો વ્યાયામ સાથે જિમમાં અને અન્યત્ર કોઈ કાર્યને પણ જોડવામાં આવે છે. ઘરમાં સાઈકલિંગ કરનાર સાથોસાથ ટી.વી.ના ન્યૂઝ પણ સાંભળતો હોય છે, પરંતુ આ બધામાં મહત્વની વાત એ છે કે નિર્બળ શરીરમાં ઉત્સાહ રહેતો નથી અને ઉત્સાહ વિના જીવનમાં પ્રગતિ પામવી મુશ્કેલ છે. મનની બાબતમાં આપણે જોયું કે માણસના ચિત્તમાં અપરંપાર ઈચ્છાઓ ધસમસતી દોડતી હોય છે. ક્યારેક એ ઈચ્છાઓ પાસે સત્ય જોવાની આંખ હોતી નથી, તો ક્યારેક દૂર દૂર સુધી ઊડવાની ઈચ્છા ધરાવનાર પાસે પાંખ હોતી નથી. આમ ઈચ્છા એ માનવીના જીવનનું નિર્ણાયક પરિબળ બને છે.
તમે તમારી ઈચ્છાને સમજશો નહીં અને માત્ર ઈચ્છાના આદેશ પ્રમાણે અહીં તહીં ઊડતા રહેશો, તો જીવનમાં ક્યારેય નિર્ધારિત સ્થળે પહોંચશો નહીં. ઈચ્છા એ આગળનું પગથિયું છે. જેમ 'દ્રષ્ટિપૂતમ્ પદમન્યાસેત્' એટલે કે 'દ્રષ્ટિથી પવિત્ર કરીને પગ મૂકવો.' એમ પ્રત્યેક ઈચ્છા આપણને ક્યાંયને ક્યાંય દોડાવતી હોય છે, પરંતુ ધરતી પર એના પગ રાખીને એમાં આગળ વધવું. જો તમારી ઈચ્છાને કોઈ વાસ્તવિક આધાર નહીં હોય તો એ ઈચ્છા જીવનને નિરાધારતામાં લાવી મૂકશે અને નિષ્ફળતામાં ડૂબાડી દેશે. જો એ ઈચ્છાનાં પગ ધરતી પર નહીં હોય અર્થાત્ જીવનમાં વાસ્તવિક રીતે એ કેટલી શક્ય છે એનો વિચાર નહીં કર્યો હોય તો એ ઈચ્છાને કારણે તમે હવામાં બાચકાં ભરતાં રહેશો અથવા તો નિરર્થક અને નિષ્પ્રાણ દોડધામ કરતા રહેશો. આથી ઈચ્છા કરો, પણ પગ મજબૂત ભૂમિ પર રાખીને કરો.
ભારતથી અમેરિકાનો વિમાની પ્રવાસ કરો, ત્યારે ઉડ્ડયનનો પ્રારંભ ભારતથી કરો, દુબઈથી નહીં. જ્યાંથી યાત્રાનો મંગલ પ્રારંભ કરવાનો છે તેનો વિચાર કરો. એને માટે જરૂરી સામગ્રી એકત્રિત કરો, અનુભવીઓ પાસેથી યાત્રા વિશે જરૂર પડે તો સલાહ લો, પણ તમારી ઈચ્છાની યાત્રા એ ધરતી પર ચાલનારી હોય, ગગનગામી નહીં. હાં, એવું જરૂર બને કે એ યાત્રા જેમ આગળ વધે તેમ સમય જતાં ગગનગામી પણ બની રહે.
થોમસ આલ્વા એડિસન પ્રયોગ કરતો હતો, ત્યારે એ શોધ વીજળીની કરતો હતો, પણ એ વિદ્યુતની શોધ માટે પ્રયોગશાળામાં એકડે એકથી કામ કરતો હતો. અવકાશી ઉડ્ડયનની વાત હોય તો એમાં પહેલા પ્રયોગો દ્વારા ધરતી પરથી ઉડ્ડયન કરવાનું નક્કી થાય છે. આનો અર્થ જ એટલો કે જીવનમાં કોઈ પણ ઈચ્છાઓ કરો તો તેમાં વાસ્તવિકતાનો વિચાર કરજો. બાકી જો ઈચ્છાને છૂટો દોર આપી દીધો તો આવી બન્યું. એ તમને ક્યાંય ને ક્યાંય દોડાવશે અને કોઈ મુકામ પર પહોંચાડશે નહીં.
ઈચ્છાને ફાવે તેમ મુક્ત રીતે વર્તવા દેતો માનવી અંતે ક્યાંય પહોંચતો નથી. આથી મન તમારું, સ્વપ્ન તમારું અને એ સ્વપ્નમાં શિલ્પી પણ બીજા કોઈ નહીં, પણ તમે જ. એક અર્થમાં કહીએ તો તમારાં સ્વપ્નનાં તમે જ એકલા શિલ્પી. પથ્થર તમે જ શોધશો, એના પર ટાંકણાં તમે જ લગાવશો અને એમાંથી શિલ્પ પણ તમે જ સર્જશો. આમ તમારી જિંદગીના શિલ્પી તમે જ બનો છો. બીજા કોઈ પર તમારી ઈચ્છાપૂર્તિનો મદાર ક્યારેય રંગ લાવતો નથી.
આનો અર્થ જ એ કે તમે પહેલા તમારા મનને ખોલીને એની વાત સાંભળો. એ મનને મોકળુ મેદાન આપીને બોલવા દો. તમારા જીવનનાં પ્રશ્નોની વાત એને કરવા દો. મન બોલે અને તમે સાંભળો, મન ફરિયાદ કરે અને તમે એનો વિચાર કરો. તમારું મન કહેશે કે તમારી પાસે વિશાળ બંગલો છે, પણ વિલા નથી. મન કહેશે કે કમાણી થાય છે, પણ હજી વધુ કમાણી કરવી છે. મન કહેશે કે કીમતી વસ્ત્રો અને મૂલ્યવાન ઘરેણાંનો ખૂબ શોખ છે, પણ એ શક્ય બનતું નથી. મન કહેશે કે પરિવારમાં શાંતિ છે, પણ સાસુ સાથે સદા અણબનાવ રહ્યા કરે છે.
બસ, પહેલાં તમે આ મનની વાત સાંભળો. એનાં પ્રશ્નો જાણો, મન્ના ડેનાં ભજનની એ પંક્તિ યાદ કરો 'મન કી આંખે ખોલ બાબા' અને એ આંખ ખોલ્યા પછી સામે નજરે પડેલાં તમારા પ્રશ્નો વિશેની વાત હવે પછી.