Get The App

જમીન મહેસૂલ બાકી તરીકેની વસૂલાત કરવાની કાયદાકીય જોગવાઈઓ

- કસૂરવારાને કડક સજા થાય તો જ આમ જનતામાં વિશ્વાસ સ્થાપિત થાય

- લોકાભિમુખ : માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

Updated: Nov 30th, 2020

GS TEAM


Google News
Google News
જમીન મહેસૂલ બાકી તરીકેની વસૂલાત કરવાની કાયદાકીય જોગવાઈઓ 1 - image


લોકાભિમુખ વહિવટના માધ્યમથી વાંચકો દ્વારા એવી પૃચ્છા આવી કે મહેસૂલી અધિકારીઓ દ્વારા જમીન મહેસૂલ બાકી તરીકેની (Arrears of Land Revenue) વસુલાત અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું, સામાન્ય જનમાનસમાં ફક્ત જમીન ઉપરના મહેસૂલની વસુલાત તરીકેની સમજ છે. પરંતુ જુદા જુદા લ્હેણાં કે જેને 'Charged - encumbrances' અધિકૃત બોજો કહેવાય છે. જે સામાન્ય રીતે ૭/૧૨ કે મિલ્કત કાર્ડના બીજા હક્કમાં નોંધવામાં આવે છે. જમીન મહેસૂલ અધિનિયમમાં વસુલાતની જોગવાઈઓ કલમ-૧૬૫ થી ૧૮૭માં આપવામાં આવેલ છે. 

જમીન મહેસૂલ ઉપરાંત અન્ય ખાતાની લ્હેણી વસુલ કરવાપાત્ર રકમ વસુલ કરી શકાય, જેમાં જમીન મહેસૂલ રૂપાંતર વેરો (Conversion Tax) પ્રિમયમની રકમ, વારસાઈ વેરો, તબદીલી વેરો, સરકાર દાખલ થયેલી રકમ, તમામ પ્રકારના સેસ, જમીનનું ઉત્પન્ન (Produce), ફી, ચાર્જીસ, ગુનાખોરીમાં સંડોવાયેલી રકમ, દંડ, જકાતવેરો, બીજા વેરાઓ, કર, ઈજારદાર પાસેથી વસુલ કરવાપાત્ર નાણાં, મહેસૂલી માંગણાં, જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરવાપાત્ર તમામ રકમો, સહકારી મંડળીઓના લીક્વીડેટરે વસુલ કરવાનો હુકમ કર્યો હોય તે નાણાં, પ્રવર્તમાન સમયમાં સબંધિત કાયદા હેઠળ પણ વસુલ કરવાનું વ્યવસ્થાતંત્ર છે. દા.ત. રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ સહકારી ક્ષેત્રની બેંકો માટે અલગ કાયદો કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત Recovery Mechanism અલગ છે. એરીયર્સ ઑફ લેન્ડ રેવન્યુ વસુલાત કરવાની દરખાસ્ત કલેક્ટરને કરતાં પહેલાં, સબંધિત અધિનિયમ / કાયદા હેઠળ વસુલ કરવાપાત્ર રકમ તે કાયદા હેઠળની જોગવાઈઓ દ્વારા સબંધિત અધિકારીઓએ પુરતા પ્રયત્નો કર્યા પછી જ જો તેવા કાયદામાં તેવી બાકી રહેલી રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરવાપાત્ર હોય તો તેવાં પગલાં લીધાં પછી જ જમીન મહેસૂલની બાકી તરીકેનું વસુલાતનું પ્રમાણપત્ર તેવા સક્ષમ અધિકારીએ ઈસ્યુ કરવું જોઈએ એટલે કે આવું જમીન મહેસૂલ બાકી તરીકેનું પ્રમાણપત્ર ઈસ્યુ કરતાં પહેલાં જે તે કાયદા હેઠળનાં પગલાં લેવાયેલાં હોવા જરૂરી છે. જ્યારે કોઈ કોર્ટ દ્વારા બાકીદારના લ્હેણાં પેટે મિલ્કત ટાંચમાં લેવાનો હુકમ કરે ત્યારે કલેક્ટર તરફથી સરકારી બાકી લ્હેણાં હોય તો તે વસુલાત માટે સબંધિત કોર્ટનું ધ્યાન દોરી સરકારી વસુલાત માટે હુકમો મેળવવા જોઈએ.

જ્યારે સરકારી બાકી રકમોનો લ્હેણાંનો વસુલાતનો અગ્રતાક્રમ નક્કી કરવાનો થાય ત્યારે આ મુજબના લ્હેણાંનો પ્રથમ અગ્રતાક્રમ આપવાનો છે. જેમાં ચાલુ વર્ષનું જમીન મહેસૂલ જેમાં જમીન ઉપરના ઉભા પાકનો સમાવેશ થાય છે, આગલાં વર્ષનાં મહેસૂલ, તગાવીનું લ્હેણું, જમીન સુધારા માટેની લોનનું લ્હેણું, ખેડૂતોના લોનના કાયદા મુજબનું તગાવીનું લ્હેણું, સિંચાઈના દર બાબતનું લ્હેણું. આ કલમ હેઠળ વસુલાત માટે કોઈ રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરવાની કબુલાત રાજ્ય કે ખાતા સાથે લખાણમાં કે જામીનખતમાં કરી હોય તોજ તેવી રકમ આ કલમ હેઠળ વસુલ થઈ શકે, તેવી સ્પષ્ટ કબુલાત કોન્ટ્રેક્ટ, ખત કબુલાતમાં કે જામીનખતમાં ન હોય તો આ કલમ નીચે એટલે કે Arrears of Land Revenue હેઠળ વસુલાત થઈ શકે નહી, સરકારે કોઈની સાથે કરાર કર્યો હોય અને મતભેદ થાય તો તેનો નિકાલ દિવાની અદાલતમાં જઈ કેટલી રકમ કરારની રૂએ લેણી થાય તે નક્કી કરાવવું પડે અને તે પછી તે રકમ જમીન મહેસૂલ કાયદા હેઠળ જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરી શકાય. કોઈ જમીન આ જોગવાઈ હેઠળ ખાલસા કરી શકાતી નથી. કારણ કે આ લ્હેણાં જમીન પરત્વેનાં નથી. જમીન પરત્વેની જમીન મહેસૂલ બાકી હોય તોજ જમીન ખાલસા કરી શકાય છે તે સિવાય તેવી જમીનમાં બાકીદારના હક્ક હિતનું વેચાણ કરી શકાય. મૃત્યુ પામેલ વ્યક્તિના કિસ્સામાં બાકીદારની સ્વપાર્જીત મિલ્કત તેના વારસદારોને મળી હોય તેમાંથી આ લ્હેણું સંક્ષિપ્ત (Summary) રીતે વસુલ થઈ શકે પણ જ્યાં મિલ્કત વડીલોપાર્જીત હોય કે સંયુક્ત કુટુંમ્બની મિલ્કત હોય ત્યાં બીજા જીવિત - co parceners તે મિલ્કતના માલિક બનતા હોય એટલે ત્યાં આવી લ્હેણી રકમ લેન્ડ રેવન્યુ કોડ મુજબ વસુલપાત્ર નથી. ફક્ત આવી વસુલાત દિવાની કોર્ટની ડીક્રી (હુકમ) મેળવી થઈ શકે.

ગુજરાત સરકારે ગુજરાત પબ્લીક મનીઝ (રીકવરી ઑફ ડયુઝ) અધિનિયમ-૧૯૭૯ હેઠળ જાહેર નાણાં જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરી શકાય તે મુજબની જોગવાઈ કરી છે અને તે મુજબ રાજ્ય સરકાર જે સંસ્થાઓ જાહેર કરે તેની બાકી રકમ વસુલ કરી શકાય છે. જેમાં રાજ્યનાં નાણાંકીય કૉર્પોરેશન, દા.ત. GSFC / GIIC, સરકારી કંપનીઓ, રાષ્ટ્રીયકૃત બેંકો વિગેરે. આ આર્ટીકલ લખવા માટે રજૂઆતો મળી છે તે મધ્યમવર્ગના વ્યક્તિઓ કે જે તાજેતરમાં લોભામણી જાહેરાતો દ્વારા સહકારી બેંકો / ક્રેડીટ સોસાયટીઓ દ્વારા જે ડિપોઝીટની રકમ ઉઘરાવવામાં આવે છે અને પાછળથી સબંધિત આયોજકો મોટા કૌભાંડો આચરી છૂટી જાય છે. ખરેખર તો સબંધિત કાયદાની છટકબારી કે વગ વાપરીને આવી સંસ્થાઓ સામાન્ય પ્રજાને છેતરવાનું કામ કરે છે. ભારત સરકારે તાજેતરમાં સહકારી બેંકો અન્ય નાણાંકીય સંસ્થાઓને આરબીઆઈના નિયંત્રણ હેઠળ લાવવાનો કાયદો પસાર કર્યો છે. પરંતુ ભુતકાળના બનાવો આરબીઆઈના નિયંત્રણ હેઠળની ખાનગી બેંકો / સોસાયટીઓએ પણ આચરણ કર્યું છે. દરેક નાગરિક પોતાના નાણાં વિશ્વસનીય સંસ્થાઓમાં રોકાણ કરે તે અનિવાર્ય છે. પરંતુ લ્હેણાં / નાણાં ધિરાણની વસુલાતની પ્રક્રિયા અલગ છે અને નાણાંકીય સંસ્થાઓમાં / ક્રેડીટ સોસાયટીઓ / સહકારી બેંકોમાં રોકેલ ડિપોઝીટર્સના નાણાં આયોજકો દ્વારા ડુબાડવામાં આવે છે તે વસુલાત કરતાં અલગ કાયદાકીય જોગવાઈઓ છે. ઉક્ત પ્રકારની સંસ્થાઓમાં સબંધિત સહકારી કાયદા કે સબંધિત કાયદામાં Liquidator ફડચા અધિકારી કે વહિવટદારની નિમણૂંક કરવાની જોગવાઈ છે અને તેઓ દ્વારા આવી વસુલાત કરી ડિપોઝીટર્સને નાણાં પરત આપવાની પ્રક્રિયા છે. 

જમીન મહેસૂલની બાકી તરીકે તેજ સંસ્થાઓની વસુલાત થાય છે. જેનો બોજો Secured સલામત હોય. આમ બેંકો દ્વારા જે મોટા પ્રમાણમાં ધિરાણ કરવામાં આવ્યું હોય જે પ્રવર્તમાન સમયમાં મોટા કૌભાંડ તરીકે આચરવામાં આવ્યા છે, તેમાં સબંધિત વ્યક્તિ / કંપનીઓની અસ્કયામતો જપ્ત કરવાનું અને તેઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની જોગવાઈ છે. 

આમ જનતામાં ત્યારે જ વિશ્વાસ પ્રસ્થાપિત થાય કે મોટા કૌભાંડો આચરનારની સામે દાખલારૂપ કાર્યવાહી થાય અને આમજનતાના રોકેલ નાણાં સુરક્ષિત રહે, જેનો ભાર સામાન્ય જનતા ઉપર ન આવે.

Tags :