Get The App

શિયાળામાં અચૂક આરોગવાલાયક હળદર અને આંબાહળદર

- હળદરમાં કર્ક્યુમીન નામનો ટરપેન છે જે કોલેસ્ટેરોલને ઘટાડવાનું કામ કરે છે

Updated: Jan 5th, 2021


Google NewsGoogle News
શિયાળામાં અચૂક આરોગવાલાયક હળદર અને આંબાહળદર 1 - image


- હળદરના ઉપયોગમાં માત્રા વિવેક રાખવો. એટલે વધુ પડતી હળદર ફાકવાથી બંધકોષ કે કબજિયાત થઈ શકે છે

શિયાળામાં મળતી તાજી, લીલી બે ઔષધીઓ - હળદર અને આંબાહળદર આ બંને ઔષધીમાં ખોરાકનું પચન કરવાનો, કૃમિનો નાશ કરવાનો, વિષ દૂર કરવાનો ત્વચાના વર્ણને સારો કરવાનો અને રક્ત શુદ્ધ કરવા જેવાં અપ્રતિમ ગુણો રહેલાં છે. હળદર અને આંબાહળદરને ઝીણી સમારી, એમાં લીંબુનો રસ તથા નમક મેળવી આખો શિયાળો નિત્ય ભોજનમાં ઉપયોગ કરવા જેવો છે. એ સિવાય આ બંને ઔષધીના ચૂર્ણો સ્વચ્છ કાચની શીશીમાં ભરી ઘરમાં વસાવી રાખવા લાયક છે.

હળદરના ઉપયોગો : (૧) હળદરમાં કર્ક્યુમીન નામનો ટરપેન છે જે કોલેસ્ટેરોલને ઘટાડવાનું કામ કરે છે. (૨) ડાયાબીટીસમાં લાંબા સમય સુધી પ્રાતઃકાળે સરખા ભાગે (આશરે પાંચ-પાંચ ગ્રામ) હળદર અને આમળાના ચૂર્ણનું સેવન ઠંડા પાણી સાથે કરવા યોગ્ય છે. (૩) સફેદ દાગમાં ગૌમૂત્રના અર્ક (દસ મી.લી.) સાથે હળદર (પાંચ ગ્રામ) મેળવી લાંબા સમય સુધી લેવાથી સારુ પરિણામ મળે છે. ઉપર જણાવેલો આ યોગ ત્વચાના સર્વ પ્રકારના વિકારો જેવા કે ખંજવાળ, ખસ, દાદર, ખરજવું અને ગૂમડા પર સારુ પરિણામ આપે છે. (૪) કફવાળી ઉધરસ અને શરદી, સસણી અને ઉટાંટિયું (ઉર્લ્લંર્ંઁૈંશય્ ર્ભંેંય્લ્લ) માં લીલી હળદરનો રસ એક ચમચી (આશરે પાંચ મી.લી.) મધ સાથે મેળવી ચાટવાથી રાહત મળે છે.

(૫) કાકડાના સોજામાં તથા શ્વાસનળીના સોજામાં ગરમ દૂધમાં હળદર અને મરી મેળવી લેવાથી લાભ થાય છે. (૬) મૂઢમાર - આઘાતથી આવેલો સોજો હોય કે સંધિવાને કારણે આવેલો સોજો. દેશી નમક અને હળદરને સરખા ભાગે ઉકળતા પાણીમાં ખદખદાવી લેપ લગાવી રાખવાથી (લેપ કુદરતી રીતે સૂકાય ત્યાં સુધી રહેવા દેવો.) ગણતરીના કલાકમાં સોજો ઊતરી જાય છે. જરૂર પડે દિવસમાં એકાદ વખત અને સળંગ ચાર-પાંચ દિવસ સુધી આ પ્રયોગ કરી શકાય. (૭) શિયાળામાં રૂક્ષ અને શ્યામ થઈ જતી ત્વચાનો વર્ણ સુધારવો હોય તો અડધા ભાગે હળદર અને એક-એક ભાગે આમળા તથા કઠના ચૂર્ણને દૂધમાં મેળવી લેપ કરવો. ત્વચા પર આ લેપ વીસથી પચીસ મિનિટ રાખી ટોયલેટ સોપથી ત્વચા સાફ કરી લેવી. (૮) રાત્રિકાળ દરમ્યાન થતી એલર્જીજન્ય ખાંસી- કે જે અટકવાનું નામ ન લેતી હોય - એમાં હળદરના ગાંગડાને બાળી, એની રાખ ઘી સાથે ચાટવાથી ખાંસી તુરંત બેસી જાય છે અને રાહત થાય છે.

(૯) હળદરમાં રહેલો કર્ક્યુમીન (ભ૨૧ લ્લ૨૦ ર્ં૬) નામનો રંજક પદાર્થ એક ઉત્તમ વિષવિરોધી ગુણ ધરાવતું એન્ટિસેપ્ટિક તત્વ છે. સડતા ઘા, ઊંડા વ્રણ અને પાકતા ગૂમડા પર કાળા તલના તેલમાં મેળવી એનું ડ્રેસીંગ કરી શકાય. ઋતુ-પરિવર્તનને કારણે થતાં વાઈરલ ઈન્ફેકશન સામે પણ હળદરમાં રહેલું કર્ક્યુમીન સારું રક્ષણાત્મક કાર્ય કરી શકે છે.

(૧૦) હળદરના ઉપયોગમાં માત્રા વિવેક રાખવો. એટલે વધુ પડતી હળદર ફાકવાથી બંધકોષ કે કબજિયાત થઈ શકે છે.

આંબાહળદર : કંદ સ્વરૂપની આ વનસ્પતિની ગંધ આંબાને મળતી હોઈ અને ગુણ મહદ્અંશે હળદરને મળતા હોઈ એને આંબાહળદર કહેવાય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો શિયાળા દરમ્યાન ભોજન સાથે આનો ઉપયોગ છૂટથી કરે છે. જંગલી આંબાહળદર એ આંબાહળદરની બીજી એક જાત છે. એની વિષજન્ય અસરને કારણે એ ખાવાના ઉપયોગમાં લેવાતી નથી. ખાઈ શકાય એવી આંબાહળદરની ઓળખ તેનો પીળાશ પડતો સફેદ રંગ અને એમાં રહેલી આંબાના મ્હોર જેવી તીવ્ર ગંધ છે. જંગલી આંબાહળદરમાં આવી વિશિષ્ટ ગંધનો અભાવ હોય છે.

આંબાહળદરના ઉપયોગોઃ (૧) આંબાહળદરનો ગુણ શરીરના કોઈપણ ભાગમાં જામી ગયેલા લોહીને વિખેરવાનો છે. મૂઢમાર, ચોટ, આઘાતને કારણે આવેલા સોજામાં આંબાહળદરનું સેવન કરવાથી ફાયદો થાય છે.

(૨) આંબાહળદર અને મેંદાલાકડીને સરખા ભાગે મેળવી ગરમ પાણીમાં ખદખદાવી લેપ કરવાથી તૂટેલા હાડકા જલ્દી સંધાય છે. મચકોડ પર પણ આનો લેપ કરી પાટો બાંધી રાખવાથી રાહત થાય છે.

(૩) રક્તના જમાવથી થયેલી ગાંઠો હોય કે આંખની આંજણી, સડતા નખ હોય કે હાડકાનો ક્ષય (BONE TB), દાંતનો સડો હોય કે પરૂં ભરાઈને સૂજી ગયેલાં પેઢા (પાયોરિયા) જેવાં અગણિત રોગો પર આંબાહળદરનું ધૈર્યપૂર્વક કરેલું સેવન નિશ્ચિત ફાયદો કરે છે.

(૪) પરસેવામાંથી દુર્ગંધ આવતી હોય તો બે થી અઢી ગ્રામ જેટલું આંબાહળદરનું ચૂર્ણ સરખા ભાગે સાકરનું ચૂર્ણ મેળવી પાણી સાથે સવારે હાજત જઈ આવ્યા પછી લેવું. એની ઉપર બે નંગ ઈલાયચી (ફોતરા સાથે) ખૂબ ચાવી-ચાવીને લેવી. આ પ્રયોગ ત્રણથી ચાર મહિના સુધી ચાલુ રાખવો.             

- વિસ્મય ઠાકર



Google NewsGoogle News