ભારતવર્ષના અતીત, વર્તમાન અને ભવિષ્યનો શ્વાસ છે મહાભારત !
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઇ
કુંતીને લાગ્યું કે એનો પલંગ સતત ડોલી રહ્યો છે. આસપાસની દુનિયા ચક્રાવો લઈ રહી છે. રાધાના શબ્દો સાંભળતાં જ એ ક્ષણે કુંતીના મનમાં પડઘો પડયો,' કર્ણ એ સૂતપુત્ર નથી, કિંતુ સૂર્યપુત્ર છે.'
મનુષ્યજાતિ માટેનો મહાન સંદેશ છુપાયેલો છે મહાભારતમાં. પ્રત્યેક કાળમાં પ્રત્યેક સમયે અને પ્રત્યેક યુગમાં મહાભારત પ્રસ્તુત રહ્યું છે, કારણ કે એમાં માનવભાવની વિવિધ રંગલીલાઓ મળે છે. સમય બદલાય, સંજોગો અને પરિસ્થિતિ પલટાય, વિજ્ઞાાનની શોધોથી અજ્ઞાાત રહસ્યો ઉકેલાય અને ટેકનોલોજીની મદદથી માનવભાવના ઉપરતળે થઈ જાય, તો પણ મહાભારત તો સદાય પ્રાસંગિક રહેવાનું છે. એ ક્યારેય 'જૂના જમાના'ની કથા બનવાનું નથી.
એને કોઈ કથા, આખ્યાન કે દંતકથાના સમૂહ તરીકે જોઈને એની ઉપેક્ષા કરે તેમ બનવાનું નથી. આથી મહાભારતના ઊંડા અભ્યાસી અને સંપાદક ડો.વિષ્ણુ.એસ.સુકથંનકરે કહ્યું છે,' મહાભારતની કથાઓ, વિચારો, સંઘર્ષોથી આપણે ક્યાંય દૂર ગયા છીએ એમ માનીએ તો આપણે આપણી આત્મહત્યા કરીએ છીએ, રાષ્ટ્રીય આત્મહત્યા કરીએ છીએ અને એ આપણા રાષ્ટ્રીય અસ્તિત્વને ભૂંસી નાખવાના એંધાણ બનશે.'
આથી તો જર્મન પુરાતત્ત્વવિદ્ હર્મન ઓલ્ડનબર્ગે કહ્યું હતું કે' મહાભારતમાં ભારતીય પ્રજાની દરેક વ્યકિતનો આત્મા અને રાષ્ટ્રનો સંયુક્ત આત્મા ગુંજે છે.' એ દૃષ્ટિએ મહાભારતમાં આપણા દેશની સામૂહિક ચેતનાનું પ્રગટીકરણ છે. એનાથી આપણને ખ્યાલ આવે કે આપણે કોણ છીએ. અતીતમાંથી આજ સુધીની આપણી યાત્રા કેવી રહી તેનો આલેખ છે. એ મહાભારતના ગહન ઊંડાણમાં જઈએ તો કેવી કેવી કથાઓ અને પાત્રો મળે છે.
એના માત્ર એક જ પાત્ર કુંતી વિશે કુમારપાળ દેસાઈએ લખેલી 'અનાહતા' નામની બૃહદ નવલકથા માટે કુંતીના પાત્રનું આલેખન ૬૩૧ પૃષ્ઠમાં થયું છે.'અનાહતા' નામની આ નવલકથાનું પ્રાગટય નવમી નવેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યે વિશ્વકોશ ભવનમાં થવાનું છે ત્યારે આ પ્રસંગે ધીરુબહેન પટેલ, ચંદ્રકાન્ત શેઠ, સેજલ શાહ, વિજ્ય પંડયા અને લેખક વક્તવ્યો આપશે તેમજ કર્ણ અને કુંતીના સંવાદની કમળ જોશી અને દેવાંશી જોશી દ્વારા સચોટ નાટયપ્રસ્તુતિ થશે. આ 'અનાહતા' નવલકથામાં લેખકે કેટલીય સંવેદનશીલ અને નાજુક ઘટનાઓને પોતાની રીતે આકાર આપ્યો છે.
મહાભારતમાં અધિરથ પત્ની અને કર્ણની પાલ્યમાતા રાધા અને સૂર્યપુત્ર કર્ણને જન્મ આપનારી માતા કુંતીના મિલનની ઘટના પ્રમાણમાં અજ્ઞાાત રહી છે. અહીં એ ઘટનાનું નવેસરથી મૂલ્યાંકન જોઈએ.
હસ્તિનાપુરની નગરીના ભવ્ય રાજમહેલમાં વસવાને બદલે ધર્માત્મા વિદુર એક સામાન્ય કુટીરમાં રહેતા હતા. પાંડવો બાર વર્ષના વનવાસ અને તેરમાં વર્ષના અજ્ઞાાતવાસમાં ગયા હતા, ત્યારે કુંતીએ પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં રહેવાનું પસંદ કર્યું નહીં. પાંડુપુત્રોની ઇચ્છા હોવા છતાં દ્વારિકામાં પોતાના ભાઈ વસુદેવને ત્યાં રહેવાનું કે પોતાના પિતા કુંતીભોજની નગરીમાં રહેવાનું સ્વીકાર્યું નહીં, બલ્કે સર્વપ્રકારે પાંડવોનું અહિત કરનારા અને એમની હત્યા કરવાના પ્રયાસ કરનાર શત્રુ કૌરવોના રાજ હસ્તિનાપુરમાં રહેવાનું પસંદ કર્યું.
આ સમયે હસ્તિનાપુરની નગરીની ભવ્યતા ઝાંખી પડતી હતી. પોતાના ગામ, નગર કે મહાનગરના વ્યકિતત્વને અસ્તિત્વને પ્રત્યેક વ્યકિત પોતીકી નજરે જોતી હોય છે. હસ્તિનાપુરના નગરજનો માટે આ વૈભવશાળી નગરી એ કોઈ પ્રતાપી સામ્રાજ્યની રાજધાની નહોતી, કિંતુ ભારતવર્ષની ભવ્ય રાજપરંપરાની યશોગાથા ધરાવતું પોતાનું અતિ પ્રિય નગર હતું.
હસ્તિનાપુર એ સત્તાનું સમરાંગણ નહીં, કિંતુ પ્રજાહૃદયની કલ્પનામયી ભાવનાનું પ્રતિબિંબ હતું. નગરની ભવ્ય રચના, એના ઉજ્જવળ ઇતિહાસની ઓળખ આપતાં સ્થાપત્યો અને સામાન્ય નગરજનોની ઉદાત્તતાનો આગવો રંગ હતો. દુર્યોધનની સત્તાલાલસાને હસ્તિનાપુર આધિપત્ય યોગ્ય સામ્રાજ્ય દેખાતું હતું. જ્યારે યુધિષ્ઠિરને નગરયાત્રા દરમિયાન આ ઐતિહાસિક નગરની ભવ્ય પરંપરા અને પ્રેમાળ લોકસમૂહ સતત દૃષ્ટિગોચર થતો હતો.
આવું આખુંય મહાનગર એના ભૂમિમાં ઘરબાયેલા પાયામાંથી એકાએક હચમચી ઉઠે એમ શ્રીકૃષ્ણની વિષ્ટિ નિષ્ફળ જતાં આ મહાનગરમાં ચોતરફ ભાવિની અનદીઠ ભયથી પ્રજાજનો કંપી રહ્યા હતા. શસ્ત્રપરીક્ષા સમયથી કૌરવો અને પાંડવોના વૈમનસ્યની જાગેલી કેટલીય અફવાઓ હસ્તિનાપુરમાં વહેતી હતી, પરંતુ એ આંતરકલહ આજે ભીષણ સર્વનાશનું રૂપ લઈને ઊભો હતો.
અનુભવીઓ આવા આંતરકલહથી સર્જાતા યુદ્ધોને માનવજાતિને માટે અભિશાપરૂપ ગણતા હતા. સેંકડો નારીઓનું સૌભાગ્ય પળવારમાં નંદવાઈ જશે. શિરછત્ર સમા પિતાનું પરમ વાત્સલ્ય ધરાવતાં શિશુઓ અનાથ બનીને રઝળશે, મનુષ્યના પ્રાણ લેવા માટે શસ્ત્રો દાગીને રુધિરની આતશબાજી રચાશે. વિશાળ સેનાની અથડામણો મૃતદેહના મોટા ઢગમાં પરિવર્તિત થશે. વળી આમાં કુટુંબના સ્વજનો જ પરસ્પરનાં હત્યારાં બનતાં હતાં.
વળી ઋષિઓ ભવિષ્યવાણી ભાખતા કે ભારતવર્ષમાં આજસુધી ખેલાયું નથી એવું ભીષણયુદ્ધ ખેલાશે. સેનાપતિઓનાં મસ્તક છેદાશે. વીરોના નિર્જીવ દેહ સમરાંગણમાં રગદોળાશે. સૈનિકોના સંહારનો કોઈ હિસાબ નહીં હોય ! એમાં કોઈને વિજ્ય નહીં મળે. યુદ્ધ એ કદી વિજય આપતું નથી અને જો એ વિજ્ય આપે તો હકીકતમાં ઘોર પરાજ્ય જ વિજ્યનો ચિત્તાકર્ષક વેશ પહેરીને આવે છે.
કોઈ જ્વાળામુખી એકાએક ફાટી નીકળે અને ચોપાસ ધગધગતો લાવારસ ફરી વળે એવી પરિસ્થિતિ હસ્તિનાપુરમાં પ્રવર્તતી હતી. મહામંત્રી મહાત્મા વિદુરે પોતાના જ્યેષ્ઠબંધુ રાજવી ધૃતરાષ્ટ્રને કહ્યું કે હું યુદ્ધવિરોધી છું. મારાથી રણભૂમિમાં શસ્ત્ર-અસ્ત્રનો પ્રયોગ કઈ રીતે થઈ શકે ? આ યુધ્ધ એ તો મહાસંહારને સામે ચાલીને નિમંત્રણ આપતું મહાભારત કહેવાય. આવા કટોકટીના કાળમાં ધર્માતા વિદુરની કુટિરની આગળ એક વૃદ્ધ સન્નારી આવી.
મહાત્મા વિદુરની કુટિર સદાય જનમેદનીથી ઊભરાતી રહેતી. રાજા અને રાજકુમારો પાસે જઈને સહાય માગવાને બદલે હસ્તિનાપુરના પ્રજાજનો વિદુરની કુટિરે આવતા અને ગરીબોના બેલી વિદુર એમની આંખોના આંસુ લૂછતા. રસ્તાનો કોઈ અજાણ્યો મુસાફર કે પરગામથી આવેલો કોઈ પ્રવાસી મોકળે મને આ મહાત્માને ત્યાં આશરો લેવા કે મદદ માગવા આવી શક્તો. વળી એની કુટિરમાં વસતી કુંતીને પણ નગરની નારીઓ હેતથી મળી શકતી હતી.
આથી કુંતીને મળવા આવેલી અત્યંત વ્યથિત ચિત્ત ધરાવતી નારીને જોઈને કોઈને કશું આશ્ચર્ય ન થયું. વૃદ્ધત્વની કરચલીઓ એ નારીના મુખ પર લીંપાયેલી હતી. એના લાંબા શ્વેત કેશ હવામાં આમતેમ ઊડતા હતા. પોતાના અતિ વૃદ્ધ દેહને માંડમાંડ લાકડીના આધારે ડગમગતો ઊભો રાખ્યો હતો. ધીરે ધીરે લાકડી આગળ મૂકીને એક-એક ડગલાં ભરતી એ અતિ વૃદ્ધ નારી કુંતી પાસે આવી અને લાકડી બાજુએ મૂકી, ઢળતા મુખે સામે જમીન પર નીચે બેસવા ગઈ.
કુંતીએ સાહજિક રીતે કહ્યું,' અરે, અહીં મારી સાથે પલંગ પર બેસો. સામેના આસન પર બેસો. આમ નીચે જમીન પર શા માટે બેસો છો ?'
કુંતીના એ શબ્દો જાણે સાંભળ્યા જ ન હોય તેમ એ અતિવૃદ્ધ સ્ત્રી થોડે દૂર નીચે જમીન પર બેઠી. એની આંખોમાં પારાવાર વેદના હતી. મુખમાંથી વારંવાર નિસાસા નીકળતા હતા. એનું ચિત્ત અત્યંત ડોલાયમાન હતું. માતા કુંતીએ બહાવરી લાગતી એ વૃદ્ધાને સ્નેહથી પૂછયું,' કોણ છો તમે ? શાને માટે આવ્યાં છો ?'
' રાજમાતા, અતિ વ્યથિત છું. કશું ય સૂઝતું નથી. ચારે કોર અંધારું છે. મને કોઈ માર્ગ બતાવો. પહેલાં તો એમ થયું કે આવા મોટા રાજમાતાને શીદને તકલીફ આપવી, પણ માનો જીવ છે ને ! ઘણા વિચાર કર્યા, પણ ઝાલ્યો રહ્યો નહીં, તેથી રાજમાતા, તમારી પાસે દોડી આવી છું.'
કુંતીએ લાગણીસભર અવાજે કહ્યું,' કહો, જે કંઈ હોય તે કહો. તમને જરૂર બનતી મદદ કરીશ. છો તમે કોણ ?'
'રાજમાતા, હું સૂતપુત્ર કર્ણની માતા રાધા છું !'
કુંતીને લાગ્યું કે એનો પલંગ સતત ડોલી રહ્યો છે. આસપાસની દુનિયા ચક્રાવો લઈ રહી છે. રાધાના શબ્દો સાંભળતાં જ એ ક્ષણે કુંતીના મનમાં પડઘો પડયો,' કર્ણ એ સૂતપુત્ર નથી, કિંતુ સૂર્યપુત્ર છે.'
તત્કાળ મનને સંભાળીને કુંતી પલંગ પરથી ઉભી થઈ ગઈ. એ વૃદ્ધાની નજીક ગઇ. હેતથી એનો હાથ પકડયો. એનો ટેકો આપી ઉભી કરી અને એના હાથમાં લાકડી આપીને કહ્યું,'ઓહ, તમે અંગરાજ કર્ણનાં માતા રાધા છો ? આવો, મારી નજીક અહીં બેસો.'
અતિ સંકોચ સાથે પોતાના અંગોને સંકોચીને રાધા રાજમાતા કુંતીની પાસે પલંગના છેડા પર બેઠી. કુંતીના હૃદયમાં ભીષણ ઝંઝાવાત જાગ્યો. હૃદયમાં અકળ ભાવોની ભરતી ઊભરાવા લાગી. આ અતિ વૃદ્ધાએ તો મારા જ્યેષ્ઠ પુત્રનું માતાસમાન પાલન કર્યું છે ! આ નારી, મારી અતિ ઉપકારી ! વળી સૂર્યદેવના અહર્નિશ આશીર્વાદ પ્રાપ્ત કરનારા વીરપુત્ર કર્ણને પામનારી અતિ ભાગ્યવંતી માતા છે !
નિખાલસતાથી નીતરતો રાધાનો ચહેરો જોયો. એની સૂજેલી આંખો જોઈને પૂછયું,' આટલો બધો શ્રમ લઈને શા માટે છેક અહીં સુધી મળવા આવ્યાં છો ? કહો. જે હોય તે, નિઃસંકોચ કહો.'
વૃદ્ધ રાધાએ લથડતા દેહે અને અચકાતા અવાજે કહ્યું' રાજમાતા, મેં સાંભળ્યું છે કે હવે પાંડવો અને કૌરવો વચ્ચે ભારે મોટી લડાઈ થવાની છે. સામસામે કાપાકાપી થવાની છે. કોઈ કોઈનું નહીં રહે. ખરું ને ? કેટલાં બધાં લોહી રેડાશે, કેટલા મોટા મોટા વીરો રણમાં રગદોળાશે, કેવી ભાયનક આફત આવશે ? જ્યારથી આ યુદ્ધની વાત સાંભળી છે, ત્યારથી મને સતત મારા કર્ણની ચિંતા સતાવે છે. રાધાનંદનને કંઈ થશે તો નહીં ને !'
કુંતી નિરત્તુર. એ કહે પણ શું ? રાધાનંદનનો વિજ્ય થશે એવી સાંત્વના આપવાની એનામાં સહેજે શક્તિ નહોતી. કુંતીનંદન પાંડુપુત્રો એને પરાજિત કરશે એવું કહેતાં જીભ ઉપડતી નહોતી. જિંદગીની એવી વિટંબણા કે જ્યાં બંને બાજુ એવી ઊંડી ખીણ હતી કે જેમાં એક વાર પગ મૂકો તો પછી ક્યારેય પાછા ફરી શકાય નહીં. (ક્રમશઃ)