બળાત્કારી બાબાઓ માટે ખાસ જેલાશ્રમ બનાવો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- આમ પણ સરકાર નામો પાડવા અને બદલવામાં ઉસ્તાદ છે તો બાબાઓ માટે જેલોને જેલાશ્રમ ગણાવી દે
અનુયાયી ૧: આનંદો ,આનંદો. ફરી ચૂંટણી આવી છે. ફરી આપણા બાબાને પેરોલ મળી ગઈ છે.
અનુયાયી ૨: સખા, જોકે, મને આ પેરોલ શબ્દ કઠે છે. શું સરકાર ખાસ બાબા માટે પેરોલને બદલે અન્ય શબ્દ પ્રયોગ ન કરી શકે. જેમકે મતકૃતજ્ઞાતા યોજના કે પછી ઋણસ્વીકાર મુક્તિ સ્કિમ.
અનુયાયી ૩ : સાચું કહું. મને તો આપણા બાબાને પેરોલ જેવી ફાલતુ ચીજ માટે અરજી કરવા જેવી સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તે નથી ગમતું. આ જ તો ઘોર કળિયુગ છે.
અનુયાયી ૪ : ના. ના. કળિયુગ તો એ છે કે બળાત્કાર કે બીજા એવા તદ્દન ક્ષુલ્લક ગુના માટે બાબાએ જેલમાં રહેવું પડે. બાબા તો બાબા છે. તેઓ સદોષ કે નિર્દોષ હોવાથી પર છે. તેમને પાપ-પુણ્યના દુન્યવી કાટલાં લાગુ પડે નહીં. સત્કૃત્ય ક ે દુષ્કૃત્યની એમની પોતાની અવધારણાઓ છે. સરકાર કોણ છે તેમાં હસ્તક્ષેપ કરનારી ?
અનુયાયી ૫: ભઈ, સરકારનું નામ ન લો. સરકાર તો બિચારી દયાળુ છે. બાબાને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે જેલમાં રહેવા દે છે. બાકી તો બાબા પેરોલના નામે બહાર આવી મતદાર-ભક્તોને સત્સંગનો લાભ આપે જ છે ને.
અનુયાયી ૧: હા આ તો અત્યારે દેશના સદભાગ્ય છે કે આપણા બાબા જેેવા બાબાઓ માટે ઉદારતા અને દયાભાવ કે કૃતજ્ઞાતા દાખવનારી સરકારો મળી છે. મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. આપણે સરકાર પાસે માગણી કરીએ કે બાબાને અન્ય સામાન્ય કેદીઓ માટેની જેલમાં રાખવાને બદલે એમના માટે ખાસ જેલ બનાવે.
અનુયાયી ૨ : એટલે તારો કહેવાનો મતલબ એ છે કે અત્યારના શાસનમાં એટલા બધા બાબાઓ બળાત્કાર અને લેન્ડ ગ્રેબિંગમાં ફસાતા જશે ક ે આવા બાબાઓ માટે અલાયદી જેલ ઊભી કરવી પડશે એમ?
અનુયાયી ૩ : ના. ના. મારો તે કહેવાનો મતલબ એ હતો કે આવા દરેક બાબા માટે તેમની પોતાની અલાયદી ખાસ જેલ ઊભી થાય. આમ પણ સરકાર તો સારાં સારાં કલાત્મક, પૌરાણિક નામો પાડવામાં ઉસ્તાદ છે. તો આવી જેલને જેલાશ્રમ નામ આપી શકે. આ જેલાશ્રમમાં તમામ સ્ટાફ પણ આપવા જેવા બાબાના ભક્તોનો જ હોય. પછી પેરોલ-બેરોલની માથાકૂટ જ નહીં.
અનુયાયી ૪: જવા દો. આ આઈડિયા જ ડ્રોપ કરી દો.આમ પણ નેતાઓ બાબાઓને ફોલો કરતા હોય છે. તો અત્યારે બાબાઓ માટે જેલાશ્રમની માંગ કરશું તો જે રીતે ગુનાખોર નેતાઓની સંખ્યા વધતી જાય છે તે જોતાં તેઓ પણ ભવિષ્યમાં વિધાનજેલો કે સંસદીય જેલોની સ્થાપના કરી દેશે.
સૌ અનુયાયીઓએ નિસાસાનો સૂર કાઢ્યો અને પછી બાબાના સ્વાગતની તૈયારીમાં પરોવાઈ ગયા.
આદમનું અડપલું
આથી હુકમ છે કે બળાત્કારીઓને દોરડાને બદલે ફૂલહારનો ગાળિયો પહેરાવાય છે તેને જ પ્રતિકાત્મક ફાંસી ગણી લેવાની રહેશે.