વિદેશી રોકાણકારોની ફરીથી ડેટ માર્કેટમાં એન્ટ્રી
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સતત બે મહિનાના ચોખ્ખા વેચાણ પછી ડિસેમ્બરમાં સ્થાનિક ડેટ માર્કેટમાં પુનઃ ખરીદી શરૂ કરી હતી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં યુએસ ટ્રેઝરી યીલ્ડ સ્થિર રહેવાના કારણે વિદેશી રોકાણકારોએ ડેટ માર્કેટમાં ફરી એન્ટ્રી કરી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ફુલ એક્સેસેબલ રૂટ હેઠળ રૂ. ૭,૯૦૮ કરોડની સરકારી સિક્યોરિટીઝ ખરીદી છે. વિદેશી રોકાણકારો ઓક્ટોબર અને નવેમ્બરમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી, બોન્ડ ઉપજમાં વધારો અને ડોલરની મજબૂતીને કારણે, વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ ઘટાડયું અને અમેરિકન શેરબજારમાં નાણાંનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ભારતીય બોન્ડ્સ જાન્યુઆરીથી બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં સામેલ થશે અને તેની અસર બજારમાં પહેલેથી જ દેખાઈ રહી છે. એકંદરે, ફેબ્રુઆરીમાં સ્થાનિક બજારમાં રેટ કટની અપેક્ષા છે, જે આવતા વર્ષથી રોકાણને વેગ આપશે તેવી અપેક્ષા છે.
સરકારી બેંકો વીમા લક્ષ્યાંકને હાંસલ કરવામાં પાછળ
સરકાર સામાન્ય નાગરિકોને વીમા સુરક્ષા પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પર સંપૂર્ણ ભાર મૂકી રહી છે. પરંતુ આંકડાઓ અનુસાર, સામાજીક સુરક્ષા સંબંધિત આ બે મહત્વની યોજનાઓના લક્ષ્યાંકોને હાંસલ કરવામાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો ઘણી પાછળ રહી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રાપ્ત ડેટા અનુસાર, આ વર્ષે ઓક્ટોબર સુધી, જાહેર ક્ષેત્રની બેંકોએ સુરક્ષા વીમા યોજના માટે નિર્ધારિત ૬.૪ કરોડના કુલ નોંધણી લક્ષ્યના માત્ર ૪૦ ટકા જ હાંસલ કરી હતી. જીવન જ્યોતિ વીમા યોજના માટે સરકારનો લક્ષ્યાંક ૪.૧ કરોડ નોંધણીનો છે પરંતુ માત્ર ૩૦ ટકા નોંધણી થઈ છે. આ વીમા યોજના હેઠળ, બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું ધરાવતી ૧૮-૭૦ વર્ષની વયની વ્યક્તિને મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં વીમા કવરેજ આપવામાં આવે છે.