ભગવન્નામ સંકીર્તન અને રાધામહાભાવનો પ્રસાર કરનારા - શ્રી ચૈતન્ય મહાપ્રભુ
- 'ચૈતન્ય ચરિતામૃત'માં કહેવાયું છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાંચ બાબતોને મહત્વ આપતા હતા- 'સાધુ-સંગ, નામ-કીર્તન, ભાગવત શ્રવણ, મથુરા વાસ, શ્રી મૂર્તિ શ્રદ્ધા સેવન. એ અનુસાર માનવીએ સાધુ-સંતો-ભક્તોનો સંગ કરવો જોઈએ,
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
હરે-કૃષ્ણ, હરે-કૃષ્ણ, કૃષ્ણ-કૃષ્ણ હરે-હરે ।
હરે-રામ, હરે-રામ, રામ-રામ હરે હરે ।।
આ અઢાર શબ્દોનો અને બત્રીસ અક્ષરોનો કીર્તન મહામંત્ર નિમાઈ પંડિત (ચૈતન્ય મહાપ્રભુ) એ આપેલી ભેટ છે. એને 'તારકબ્રહ્મમહામંત્ર' કહેવામાં આવે છે. તે કલિયુગમાં જીવાત્માઓના ઉદ્વાર માટે પ્રસારિત-પ્રચારિત કરવામાં આવ્યો છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના બારમા સ્કંધના ત્રીજા અધ્યાયના એકાવનમા શ્લોકમાં શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે- ' કલેર્દોષનિધે રાજન્નસ્તિ હયેકો મહાન્ ગુણઃ । કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તસંગ ઃ પરં વ્રજેત્ । કળિયુગ દોષોનો ભંડાર છે, પણ એનો એક મહાન ગુણ છે. એમાં ભગવાન શ્રીકૃષ્ણનું કીર્તન કરવાથી મનુષ્ય કળિયુગના દોષથી મુક્ત થઈ પરમ ગતિ પામે છે.' જ્યારે કૃષ્ણ ચૈતન્યદેવ એટલે કે ચૈતન્ય મહાપ્રભુ આ આ મંત્રનું કીર્તન કરતા ત્યારે એમ લાગતું કે તે ઇશ્વરનું આહ્વાન કરીને એમનો સાક્ષાત્કારના કરી રહ્યા હોય !
ઇ.સ.૧૫૦૧માં જ્યારે નિમાઈ એમના પિતાનું શ્રાદ્ધ કરવા ગયા ત્યારે ત્યાં એમની મુલાકાત ઇશ્વરપુરી નામના સંત સાથે થઈ. તેમણે નિમાઈને 'કૃષ્ણ-કૃષ્ણ' નું રટણ કરવાનું કહ્યું. તેમણે તેમ કર્યું અને તેમનું આખું જીવન બદલાઈ ગયું. તે શ્રીકૃષ્ણની ભક્તિમાં સતત તલ્લીન રહેવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પરત્વેની તેમની અનન્ય નિષ્ઠા અને શ્રદ્ધાને લીધે તેમના અનેક અનુયાયીઓ થયા. સર્વપ્રથમ નિત્યાનંદ પ્રભુ અને અદ્વૈતાચાર્ય મહારાજ એમના શિષ્ય બન્યા. તે બન્નેએ નિમાઈના ભક્તિ આંદોલનને તીવ્ર ગતિ પ્રદાન કરી. તેમણે આ બન્ને શિષ્યોના સહયોગથી ઢોલક, મૃદંગ, ઝાંઝ, મંજીરા વગેરે વાદ્યયંત્રો વગાડી ઉચ્ચ સ્વરમાં કીર્તન ગાતા ગાતા નૃત્ય કરી સંકીર્તન કરવાનો પ્રારંભ કર્યો હતો. ઇ.સ.૧૫૧૦માં સંત પ્રવર શ્રીપાદ કેશવ ભારતી થકી સંન્યાસની દીક્ષા લીધા પછી નિમાઈનું નામ કૃષ્ણ ચૈતન્ય દેવ થઈ ગયું. પછી તે ચૈતન્ય મહાપ્રભુના નામથી પ્રખ્યાત થયા. માત્ર ૨૪ વર્ષની ઉંમરે જ તેમણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી લીધો હતો તે અત્યંત સુંદર અને ગૌર વર્ણના હતા એટલે એમને ગૌરાંગ નામથી પણ બોલાવવામાં આવતા. તેમનો જન્મ નીમ (લીમડા)ના વૃક્ષ નીચે થયો હતો એટલે એમનું નામ નિમાઈ પડયું હતું.
શ્રી ચૈતન્ય મહાપ્રભુ (૧૮-૨-૧૪૮૬, ૧૫૩૪)ને ભક્તિયોગના પરમ પ્રચારક અને ભક્તિકાળના મુખ્ય કવિઓમાંના એક કહેવામાં આવે છે. તેમણે વૈષ્ણવોના ગૌડીય સંપ્રદાયની આધાર શિલા મૂકી, ભજન ગાયનની એક નવી શૈલીને જન્મ આપ્યો, હિંદુ-મુસ્લિમ એકતાની સહ્ભાવનાને બળ આપ્યું, જાત-પાત, ઊંચ-નીચની ભાવનાને દૂર કરવાનું શિક્ષણ આપ્યું અને વિલુપ્ત વૃંદાવનને ફરી વસાવ્યું હતું. એવું કહેવાય છે કે જો ગૌરાંગ (ચૈતન્ય)ના હોત તો વૃંદાવન આજ સુધી એક મિથક, પુરાણ કલ્પના જ હોત. વૈષ્ણવો તો એમને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીના સંયોગનો અવતાર જ માને છે.
શ્રી ચૈતન્ય મહાપ્રભુના વિચારોનો સાર છે 'શ્રીકૃષ્ણ જે એકમાત્ર દેવ છે. તે મૂર્તિમાન (સાકાર) સૌંદર્ય છે, પ્રેમપરક છે. તેમની ત્રણ શક્તિઓ- પરમ બ્રહ્મ શક્તિ, માયા શક્તિ અને વિલાસ શક્તિ છે વિલાસ શક્તિઓ બે પ્રકારની છે- એક પ્રાભવ વિલાસ, જેના થકી શ્રીકૃષ્ણ એકમાંથી અનેક થઈ ગોપીઓ સાથે ક્રીડા કરે છે બીજી છે વૈભવ વિલાસ જેના થકી શ્રીકૃષ્ણ ચતુર્વ્યૂહનું રૂપ ધારણ કરે છે. ચૈતન્ય મતના વ્યૂહ- સિદ્ધાન્તનો આધાર પ્રેમ અને લીલા છે. ગોલોકમાં શ્રીકૃષ્ણની લીલા શાશ્વત છે. પ્રેમ એમની મૂળ શક્તિ છે અને તે જ આનંદનું કારણ છે. તેજ પ્રેમ ભક્તના ચિત્તમાં સ્થિત થઈને મહાભાવ બની જાય છે. આ મહાભાવ જ રાધા છે. રાધા જ કૃષ્ણના સર્વોચ્ચ પ્રેમનું આલંબન છે. તે જ એમના પ્રેમની આદર્શ પ્રતિમા છે. ગોપી-કૃષ્ણ-લીલા પ્રેમનું પ્રતિફળ છે.'
'ચૈતન્ય ચરિતામૃત'માં કહેવાયું છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાંચ બાબતોને મહત્વ આપતા હતા- 'સાધુ-સંગ, નામ-કીર્તન, ભાગવત શ્રવણ, મથુરા વાસ, શ્રી મૂર્તિ શ્રદ્ધા સેવન. એ અનુસાર માનવીએ સાધુ-સંતો-ભક્તોનો સંગ કરવો જોઈએ, ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું જોઈએ, શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ, મથુરા (ગોકુળ, વૃંદાવન જેવી પવિત્ર ભૂમિ) માં નિવાસ કરવો જોઈએ અને ભગવાનના સ્વરૂપની શ્રદ્ધા-વિશ્વાસપૂર્વક સેવા-પૂજા-અર્ચના કરવી જોઈએ.