Get The App

બે મહિનામાં રૂની આયાત ત્રણ ગણી વધી

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
બે મહિનામાં રૂની આયાત ત્રણ ગણી વધી 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- વર્તમાન કોટન વર્ષમાં નિકાસ ૩૬થી ૩૭ ટકા ઘટવાની ભીતી

દેશમાં રૂ બજાર તથા ટેકસટાઈલ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. હવામાનમાં ફેરફારો વચ્ચે આ વર્ષે ઘરઆંગણે રૂનો નવો પાક અપેક્ષાથી ઓછો આવશે એવા સંકેતો વહેતા થયા છે. દેશમાં રૂની નવી મોસમ વર્ષ ૨૦૨૪-૨૫ માટેની આ વર્ષે ઓકટોબરથી  શરૂ થઈ છે તથા આ નવી મોસમમાં રૂનો પાક ઓછો અંદાજાતો  થયાના વાવડ મળ્યા હતા.  ૨૦૨૩-૨૪ની મોસમમાં દેશમાં રૂનો પાક ૩૨૭થી ૩૨૮ લાખ ગાંસડી આવ્યો હતો તેની સરખામણીએ આ વર્ષે ૨૦૨૪-૨૫ની મોસમમાં રૂનો પાક ઘટી ૩૦૨થી ૩૦૩ લાખ ગાંસડી આસપાસ હાલ અંદાજાઈ રહ્યો હોવાનું કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું.  દરમિયાન, આ વર્ષે રૂની નવી મોસમ શરૂ થઈ ત્યારે ઓકટોબરમાં આરંભમાં રૂનો પાછલી મોસમનો સિલ્લક સ્ટોક ૩૦થી ૩૧ લાખ ગાંસડી નોંધાયો હતો   તથા નવો પાક ૩૦૨થી ૩૦૩ લાખ ગાંસડી ઉપરાંત આયાતનો અંદાજ ૨૫થી ૨૬ લાખ ગાંસડીનો બતાવાયો છે એ જોતાં ૨૦૨૪-૨૫ના આખા વર્ષમાં ઘરઆંગણે રૂની કુલ સપ્લાય (ઉપલબ્ધ પુરવઠો)  આશરે ૩૫૭થી ૩૫૮ લાખ ગાંસડી આસપાસ રહેશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ગયા વર્ષે આવી કુલ સપ્લાય ૩૭૧થી ૩૭૨ લાખ ગાંસડી  નોંધાઈ હતી.

દરમિયાન, આ વર્ષે ૨૦૨૪-૨૫માં દેશમાં રૂના વપરાશનો અંદાજ જોતાં મિલોમાં રૂનો વપરાશ આશરે ૨૦૧ લાખ ગાંસડી તથા નાના એકમોમાં  વપરાશ ૯૬ લાખ  ગાંસડી તતા નોન-મિલ વપરાશ આશરે ૧૬ લાખ ગાંસડીનો અંદાજવામાં આવ્યો છે. આમ આ વર્ષે ૨૦૨૪-૨૫ની  મોસમમાં ઘરઆંગણે રૂની ડોમેસ્ટીક માગ કુલ ૩૧૩ લાખ ગાંસડી આસપાસ રહેવાની શક્યતા જણાઈ છે. આવી સ્થિતિમાં  રૂનો સરપ્લસ પુરવઠો ૪૪થી ૪૫ લાખ ગાંસડી જેટલો રહેવાની ગણતરી છે. આ પૈકી ૧૮ લાખ ગાંસડી રૂની નિકાસ થવાની શક્યતા બતાવાઈ છે એજોતાં ૨૦૨૪-૨૫ની રૂ મોસમના અંતે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે ૨૬થી ૨૭ લાખ ગાંસડી જેટલો રહેવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, દેશમાં ઓકટોબર તથા નવેમ્બરના બે મહિનાના ગાળામાં રૂની આયાત ત્રણ ગણી વધી આશરે ૯ લાખ ગાંસડી આવ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં  ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં રૂના ભાવ નીચા રહેતાં આ ગાળામાં થયેલા આયાત સોદાઓ પેટે તાજેતરમાં ઓકટોબર તથા નવેમ્બરમાં દેશમાં રૂની આયાત  નોંધપાત્ર વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.  ગયા વર્ષે આ બે મહિનામાં આવી આયાત માત્ર ૩ લાખ ગાંસડી નોંધાઈ હતી. દરમિયાન, ૨૦૨૪-૨૫ની વર્તમાન રૂ મોસમમાં દેશમાંથી રૂની નિકાસમાં ૩૬થી ૩૭ ટકાનો ઘટાડો થયાની ભીતિ પણ જાણકારો બતાવી રહ્યા હતા.   ૨૦૨૩-૨૪ની મોસમમાં આવી નિકાસ આશરે ૨૮થી ૨૯ લાખ ગાંસડી થઈ હતી તે ૨૦૨૪-૨૫ની રૂ મોસમમાં ઘટી આશરે ૧૮ લાખ ગાંસડી જેટલી થવાની ભીતિ બજારમાં  બતાવાઈ રહી હતી. દેશમાં રૂનો નવો પાક ઓછો અંદાજાતાં નિકાસનો અંદાજો પણ નીચો બતાવાતો થયાના વાવડ મળ્યા હતા.પંજાબ, રાજસ્થાન તથા હરિયાણાનો સમાવેશ ધરાવતા નોર્થ ઝોનમાં આ વર્ષે રૂના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૩૫ ટકા ઘટયો છે જ્યારે ગુજરાતમાં આવા ઘટાડાની ટકાવારી આશરે ૧૪થી ૧૫ ટકાની મનાઈ રહી છે. આ વર્ષે નવી મોસમમાં ઓકટોબર તથા નવેમ્બરના પ્રથમ બે મહિનામાં  દેશના વિવિધ બજારોમાં નવા રૂની કુલ આવકો આશરે ૬૯થી ૭૦ લાખ ગાંસડી આવી ગયાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, દેશમાંથી કોટનની નિકાસમાં પીછેહટ થઈ છે ત્યારે સામે કોટન ટેક્સટાઈલની આવી નિકાસ ૨૦૨૩-૨૪માં આશરે ૨૯થી ૩૦ ટકા જેટલી ઘટી ડોલરના સંદર્ભમાં ૧૨૨૫થી ૧૨૨૬ કરોડ ડોલર જેટલી થયાનું કાપડ ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા હતા. કોટન ફેબ્રીક્સ  તથા મેડઅપ્સની નિકાસમાં ઘટાડો થવા ઉપરાંત કોટન યાર્ન સૂતરની નિકાસમાં પણ આશરે ૩૦થી ૩૧ ટકાની પીછેહટ જોવા મળી હતી.  કપાસની નિકાસ આશરે ૬૦ ટકા ઘટી હતી.


Google NewsGoogle News