Get The App

બોલિવુડની સિનેમેટિક નજર હવે નોર્થ-ઈસ્ટ તરફ પડી છે...

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
બોલિવુડની સિનેમેટિક નજર હવે નોર્થ-ઈસ્ટ તરફ પડી છે... 1 - image


ભારતનું પૂર્વોત્તર ક્ષેત્ર તેના અદ્ભૂત લેન્ડસ્કેપ્સ, સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને સુધરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઝડપથી બોલીવૂડ ફિલ્મ સર્જકો માટે લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. આ વિસ્તારમાં ફિલ્મ પ્રોજેક્ટ્સની વધતી સંખ્યા ભારતીય સિનેમાના કાશ્મીર, દિલ્હી અને લખનઉ જેવા પરંપરાગત ફિલ્માંકન કેન્દ્રોમાંથી આસામ, નાગાલેન્ડ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશના ઓછા જાણીતા પણ અદ્ભૂત નઝારો રજૂ કરતા સ્થળો પર સર્જકોનું ધ્યાન કેન્દ્રિત થયું હોવાની સાબિતી પૂરે છે.

આસામ સ્થિત લાઈન પ્રોડયુસર જેમ્સ હેન્ડિકએ પૂર્વોત્તરમાં ફિલ્મના નિર્માણ માટે  મહત્વની ભૂમિકા નિભાવી છે. ડેપ્યુટી કમિશનરો, ડાયરેક્ટર જનરલો અને પોલીસ સુપરીન્ટેન્ડન્ટો જેવા ટોચના અધિકારીઓ સાથે સારી રીતે સંકળાયેલા હેન્ડિકએ ફિલ્મના શૂટીંગની મંજૂરી ઝડપથી અને સક્ષમ રીતે મળે તેની ખાતરી કરી. તેમના યોગદાનને કારણે કંગના રણૌતની ઈમરજન્સી (૨૦૨૫) અને ધી ફેમિલી મેનની ત્રીજી સીઝન સહિત મુખ્ય બોલીવૂડ અને સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવવા સંભવ બન્યા.

પૂર્વોત્તરને લાંબા સમયથી બોલીવૂડ ફિલ્મોમાં એક આકર્ષક પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગમાં લેવાતું  હતું, પણ તાજેતરના પ્રોડક્શનોમાં તેના લેન્ડસ્કેપ, લોકો અને સંસ્કૃતિને કથાનકમાં સાંકળી લેવામાં આવી રહ્યા છે. પાતાલ લોકની આગામી સીઝન તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગવહાટીમાં મૂળ ધરાવતા સર્જક સુદિપ શર્મા આ વિસ્તારની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને અપ્રચલિત કથાનકથી આકર્ષાયા હતા. શર્માના મતે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું મહત્વ તેની દ્રશ્ય અપીલથી ઘણુ વધુ છે.

ઓટીટી ચેનલના સંચાલકો પણ આ લાગણીનો પડઘો પાડતા કહે છે કે વૈવિધ્યસભર, સ્થાનિક મૂળના કથાનકો ઓટીટી પ્લેટફોર્મ માટે પ્રાથમિકતા છે. સિક્કિમમાં શૂટ થયેલી ધી લાસ્ટ અવરએ  પૂર્વોત્તર ભારતના પ્રતિનિધિત્વમાં ઊંડાણ ઉમેર્યું હતું અને તેના લોકો તેમજ કથાનકોના પ્રમાણિક ચિત્રણને સુનિશ્ચિત કર્યું હતું.

પૂર્વોત્તર ભારતમાં બોલીવૂડના વધતા રસના મુખ્ય કારણો પૈકી છે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં થયેલો સુધારો. અગાઉ આતંકવાદને કારણે ફિલ્મ સર્જકો આ વિસ્તારથી દૂર જ રહેતા. જો કે હેન્ડિકે સ્પષ્ટતા કરી છે કે હવે અભિગમો બદલાયા છે અને લોકો પૂર્વોત્તર ભારતને ફિલ્મ સર્જન માટે સુરક્ષિત અને આવકારદાયક સ્થળ માનતા થયા છે.

તાજેતરમાં આસામ સરકારે ફિલ્મ શૂટીંગની સગવડ વધારવા શૂટીંગની મંજૂરી માટે સિંગલ વિન્ડો સીસ્ટમ સહિત અનેક મહત્વના પગલા લીધા છે. આસામ રાજ્ય ફિલ્મ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેને આ ક્ષેત્રને વધુ સુલભ બનાવતા મુખ્ય પરિબળોમાં રાજ્યના આધુનિક રોડ નેટવર્ક અને બ્રહ્મપુત્ર પરના બહુવિધ પુલો પર પ્રકાશ પાડયો છે. આસામમાં સિલચર, ધુબરી, દિબુ્રગઢ, જોરહટ, તેજપુર અને લખિમપુર જેવા અનેક એરપોર્ટના અસ્તિત્વએ કનેક્ટિવિટીમાં વધારો કર્યો છે.

પૂર્વોત્તરના કેટલાક લોકેશનો તો એક્શન-પેક્ડ ફિલ્મો માટે હોટસ્પોટ સાબિત થયા છે. ભારતીય સૈન્યના ચોથા કોર્પ્સ અને હવાઈ દળનું મથક તેજપુર હૃતિક રોશન અને દીપિકા પદુકોણ અભિનિત ફાઈટર તેમજ જાનબાઝ જેવા હાઈપ્રોફાઈલ પ્રોજેક્ટનું સાક્ષી બની ચુક્યું છે. આ ક્ષેત્રનો કઠિન વિસ્તાર અને લશ્કરી હાજરી તેને એક્શન થ્રિલર અને યુદ્ધ કથાનકો માટે આદર્શ સ્થાન બનાવે છે.

ફિલ્મ ક્રુના ધસારાને કારણે સ્થાનિક સુમદાય માટે રોજગારની નવી તકો ખુલી છે. સુરક્ષા કર્મચારીઓથી લઈને આર્ટ પ્રોડક્શનને સેવા આપતા સુથાર, રંગકામ કરનારા તેમજ સેટ ડીઝાઈનરો સહિત અનેક પૂર્વોત્તરવાસીઓને ઉદ્યોગમાં કામ મળી રહ્યું છે. સ્થાનિક પ્રતિભાની વધતી માગને કારણે પ્રોડક્શન ગૃહો મુંબઈ સ્થિત ક્રુ પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક કુશળતા પર મદાર રાખતા થયા છે.

લેખક, સંશોધક અને ફિલ્મ સર્જક અનુન્ગલા ઝો લોન્ગકુમેર સ્થાનિક પ્રતિભા કેવી રીતે મુખ્ય પ્રવાહના પ્રોડક્શનોમાં સંકળાઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. પાતાલ લોક માટે સહાયક સંશોધક, અનુવાદક અને સંવાદ સલાહકાર તરીકે લોન્ગકુમેરએ પટકથામાં સાંસ્કૃતિક ચોકસાઈની ખાતરી રાખી અને કલાકારોને નાગામીસ ભાષાની તાલીમ પણ આપી. મૌલિકતા જાળવી રાખવા તેણે સેટ અને  કોસ્ચ્યુમ ડીઝાઈન વિશે મૂલ્યવાન માહિતી પણ આપી. તેના મતે બાહ્ય પ્રાંતથી આવનારા નાગા લોકો તેમજ આ ક્ષેત્ર વિશે અગાઉથી ચોક્કસ પૂર્વધારણા રાખતા હોય છે. પણ સુદિપે નાગાલેન્ડને એવા સ્થળ તરીકે ઓળખ્યું જ્યાં ખરા લોકો  વિશ્વના ખરા મુદ્દાનો સામનો કરી રહ્યા છે.

પૂર્વોત્તરમાં બોલીવૂડનો રસ તેની મૌલિક અપીલ અને સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ ઉપરાંત વ્યૂહાત્મક હેતુ માટે પણ છે. મુખ્ય પ્રવાહના ભારતીય સિનેમામાં વધતી રાજકીય અને ઐતિહાસીક સંવેદનશીલતા સાથે ઓછા જાણીતા ક્ષેત્રોમાં બનેલી ફિલ્મો વિવાદો ટાળવામાં સહાય કરે છે. પૂર્વોત્તરમાં શૂટ કરાયેલા પ્રોજેક્ટના રાજકીય પ્રતિસાદ પ્રમાણમાં ઓછા હોવાથી ફિલ્મ સર્જકો માટે આ સુરક્ષિત સ્થળ બની ગયા છે.

પૂર્વોત્તરમાં શૂટીંગના મુખ્ય લાભ પૈકી એક છે સ્થાનિક સમુદાયોનો સહયોગભર્યો અભિગમ. જ્યાં વધુ ભીડનું સંચાલન પડકારજનક હોય છે તેવા મેટ્રો શહેરોથી વિપરીત પૂર્વોત્તરમાં ઓછી વસતી ઘનતાને કારણે સેટ પર ભીડ ઓછી થાય છે. હેન્ડિકના મતે પૂર્વોત્તરના લોકો વધુ લાગણીશીલ હોવાથી  શૂટ દરમ્યાન તેઓ વધુ સહયોગ આપતા હોય છે.

તાજેતરમાં ધી ફેમિલી મેન સીઝન ૩ માટે શૂટ કરનારી અભિનેત્રી ગુલ પનાગના મતે પૂર્વોત્તરમાં બોલીવૂડનો વધતો રસ સમાવિષ્ટતા માટે વ્યાપક પ્રોત્સાહનનું પરિણામ છે. તાજેતરમાં જ બે મોટા પ્રોજેક્ટ નાગાલેન્ડમાં શૂટ થયા તે જ હકીકત દર્શાવે છે કે પૂર્વોત્તરને મુખ્ય પ્રવાહમાં લાવવું લોકોની પ્રાથમિકતા છે.

પૂર્વોત્તરના વિતરકો મુંબઈ સ્થિત સર્જકો સમક્ષ નવા સ્થળો રજૂ કરી રહ્યા છે અને દર વર્ષે બેથી ત્રણ હિન્દી પ્રોજેક્ટ અહીં બની રહ્યા છે. હજી તો ફિલ્મ સર્જકોએ આ ક્ષેત્રની વિશાળ ક્ષમતાની ખોજની શરૂઆત માત્ર કરી છે ત્યારે આ વિસ્તાર આગામી વર્ષોમાં ભારતીય સિનેમા માટે મુખ્ય હબ બની જાય તો નવાઈ નહિ થાય. તેના આકર્ષક લેન્ડસ્કેપ, સમૃદ્ધ સાંસ્કૃતિક ખજાનો અને સહાયક સ્થાનિક પ્રશાસન વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાયેલા સ્થળોનો આકર્ષક વિકલ્પ બનાવે છે.

બોલીવૂડમાં પૂર્વોત્તરની વધતી હાજરી ભારતીય સિનેમામાં વ્યાપક પરિવર્તન આવી રહ્યાનું પ્રમાણ છે. હવે આ ક્ષેત્ર સુંદર પૃષ્ઠભૂમિ હોવા ઉપરાંત તેના લોકો, પરંપરા અને સમકાલીન સંઘર્ષો કથાનકમાં વણી લેવાયા છે. ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો, સ્થાનિક પ્રતિભાની કદર અને રાજ્ય સરકારના પ્રોત્સાહન સાથે પૂર્વોત્તર ભારત બોલીવૂડનું આગામી નવું ફ્રન્ટીઅર બનવા તરફ ધસી રહ્યું છે. હવે જ્યારે વધુને વધુ ફિલ્મ સર્જકો આ નવા વિસ્તાર તરફ ખેંચાઈ રહ્યા છે ત્યારે દર્શકો આ ગતિશીલ અને વૈવિધ્યસભર ક્ષેત્રનો સાર ખરા અર્થમાં ઝડપે તેવી અપેક્ષા રાખી શકશે.


Google NewsGoogle News