Get The App

સાથીયા પુરાવો દ્વારે દિવડા પ્રગટાવો..

Updated: Oct 23rd, 2019


Google NewsGoogle News
સાથીયા પુરાવો દ્વારે દિવડા પ્રગટાવો.. 1 - image


ધીમી ચાલે ચાલતા સમયની ઝડપ કેટલી તીવ્ર છે એ દિવાળી માથા ઉપરથી ગડથોલું ખાઈ જાય ત્યારે ખબર પડે છે. દિવાળીના આનંદમાં આયુષ્યમાંથી એક વર્ષ ઓછુ થયું એ બાબતે આપણું ધ્યાન જતું જ નથી. આપણા ઉત્સવની આ તો કમાલ છે. પર્વોની મહારાણી દિવાળી એટલે બત્રીસ કોઠે દિવા પ્રગટાવવાનું ટાણું. ગયા વર્ષના લેખાંજોખા અને આવનાર વર્ષનું રંગેચંગે સ્વાગત કરવાનો અવસર એટલે આ દિવાળીના દિવસો.

નાનું અમથું માટીનું કોડિયું તેલ અને દિવેટના સથવારે દિપક બની ઘેર-ઘેર અજવાળું પાથરે છે. પૂજનીય બને છે. માણસ પણ ધારે તો સદ્ગુણોના સથવારે માણસાઈ પ્રગટાવી શકે. કારણકે પોતાનામાં શું ખૂટે છે એની જાણ દરેકને થતી હોય છે. દિવાળી વધારે જોઈ હોય તેથી કાંઈ માણસની ગુણવત્તા સાબિત નથી થતી. વર્ષો આપણામાં ઉમેરાય એના કરતાં આપણે વર્ષોમાં ઉમેરાઈએ એની અગત્યતા વધારે છે. દિવાળી જેવી ચેતના અને ઉજાસ જીવનમાં લાવવા માટે જાતના પરિક્ષક-નિરીક્ષક જાતે થવું પડે. માણસે જીવતા જ જાતનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ.

આપણે સૌ દિવાળી તથા નવીન વર્ષને હર્ષોઉલ્લાસ સાથે વધાવવા કેટલીય તૈયારીઓ કરીએ છીએ. સાફ સફાઈથી લઈને રંગ રોગાન કરવા મચી પડીએ છીએ. પણ દુ:ખની વાત એ છે કે મનમાં પડેલાં ગાબડાં પૂરવાનું તથા તેમાં બાઝેલાં વિવિધ ઝાળાં તો સાફ કરવાનું તો ભૂલી જ જવાય છે. વર્ષોથી મનમાં જામેલા હઠાગ્રહો, દુરાગ્રહો, આગ્રહો, ટણીઓ, દંભો, આડંબરો, દેખાડાઓ તો હતા તેમના તેમ અકબંધ જ રાખીએ છીએ. ફેસબુક અને વ્હોટ્સએપ ઉપર નિયમીત આપલે થતા સત્સંગોતો આપણે બીજાને ફોરવર્ડ કરીને લાઈકો અને કોમેન્ટ્સ ગણવા બેસી જઈએ છીએ. આ મોબાઈલ પણ એક જાતનું રમકડું જ થઈ ગયું છે આજકાલ.

ખરેખર તો આ દિવાળી દિલના કમાડને ઊઘાડા રાખવાનું શીખવે છે  અને બધી ય ખટાશ મીટાવીને મીઠાઈની જેમ મધુરા બનવાનું કહે છે. નાનાને મોટાઈ અને મોટાને નાનાઈ શીખવાડે છે. દિવાળી આશ્વાસન આપે છે કે તમારી અંદરના શ્રધ્ધાના દિપકને સદાય ઝળહળતો રાખો. આમ જોવા જઈએ તો શ્રદ્ધા એટલે જ દિપાવલી. હારનારને જીત લાગે અને જીતનારને ય હાર લાગે એવો માહોલ એટલે જ દિવાળી.

આપણી નજીકના અને વ્હાલા સ્વજનો સાથે થયેલા મનદુ:ખનો મનમેળાપ કરવાનો દિવસ એનું નામ જ દિવાળી. દિવાળી પર્વ તો છે જ, સાથોસાથ ઉપદેશ પણ છે. લેશન છે. અજ્ઞાાનના અંધકારમાંથી જ્ઞાાનનો ઉજાસ થાય. આ ઉપદેશ એટલે કેવળ બહારના ભપકા અને ચળકાટમાં અંજાઈ જવાનું નથી. આનંદ અને ઉલ્લાસ તો ખરો જ. પણ સાથોસાથ ભીતરમાં પણ દીપ પ્રગટાવવો પડશે. અંદર પણ અજવાળું કરવું પડશે. જો આવું કશું નહીં થાય તો માણસ માત્ર ઉમ્મરલાયક થયો એટલું જ કહેવાશે જેમ પશુ-પંખી પણ થાય છે. એમાં કાંઈ વિશેષ લાયકાતની જરૂર નથી.

જીવનમાં જેમ એક દુર્ગુણ હજારો શયતાનને જન્મ આપે છે તેમ એક સદ્ગુણ પણ સેંકડો સદ્ગુણો પ્રગટાવીને માણસાઈના દિવાની જયોત આખા સમાજને ગૌરાન્વિત કરાવે છે. ઝગમગાટ ફેલાવે છે. અને આ માટે માણસે પોતે જ પોતાનામાં ડૂબકી મારવી પડશે. અત્યાર સુધીના પોતાના અનુભવના સથવારે, વિવેકનો સાથ લઈને અંતર્યાત્રા કરવી પડશે.

તો જ એ પોતાનામાંથી નવનીત પેદા કરી શકશે. પોતાના ઝીણા જીવનો ત્યાગ કરી મોટો જીવ કરવો પડશે. આખી જિંદગી ચીકણાવેડા બહુ કર્યા. હવે ભેગું કરેલું થોડું વહેંચવાનું ચાલુ કરવું પડશે. પછી ભલે જ્ઞાાન હોય કે દ્રવ્ય હોય. પછી તમારે તમારી મોટાઈના ઢોલ પીટવા નહીં પડે.

અંતમાં એટલું જ કહેવાનું કે... આંગણામાં રંગોળી પૂરીએ, સાથીયા દોરીએ, તોરણો બાંધીએ ગોખમાં દિવા કરીએ, નવા કપડાં પહેરીએ, અવનવી મીઠાઈ ખાઈએ પણ સાથોસાથ જ્ઞાાનના દીવા વિશ્વાસના દીવા, મહેનતના દીવા, માણસાઈના દિવા, ભાઈચારાના દીવા, પ્રેમ-કરૂણાના દિવા, મસ્તી-આનંદ અને મહોબ્બતના દીવા પણ પ્રગટાવીશું તો બારેમાસ દિવાળી જેવું જ વાતાવરણ લાગશે. દીવાળી તો આવતીને જતી રહેવાની. આપણે જ ગયા પછી પાછા નથી આવવાના. માટે જ પ્રભુને પ્રાર્થના કરવાની છે..

પ્રભુજી અજવાળું દેખાડો..

પ્રભુજી અંતરદ્વાર ઊઘાડો.

સૌને Happy Diwali & Happy New Year

- અંજના રાવલ


Google NewsGoogle News