Get The App

બંધારણની દૃષ્ટિએ કોઈ VIP નથી કે કોઈ સાધારણ નથી, જાણો ભારતને મજબૂત પ્રજાસત્તાક બનાવતા બંધારણની 75 બાબતો

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
બંધારણની દૃષ્ટિએ કોઈ VIP નથી કે કોઈ સાધારણ નથી, જાણો ભારતને મજબૂત પ્રજાસત્તાક બનાવતા બંધારણની 75 બાબતો 1 - image


બંધારણ અમલી બન્યું એનાં 75 વર્ષ પૂરાં થયાં અને 76મું બેઠું. 75મું વર્ષ ખરેખર તો બંધારણના નામે રહ્યું. અગાઉ ક્યારેય જેટલી બંધારણની ચર્ચા થઈ ન હતી એટલી ચર્ચા અત્યારે શરૂ થઈ છે ત્યારે અહીં ભારતના બંધારણની એવી બાબતોનો પરિચય કરીએ, જેનાથી ભારતનું લોકતંત્ર મજબૂત રહ્યું છે...

બંધારણ : ભારતીયોનો પહેલો ધર્મ

દેશની સામાજિક, રાજકીય અને આર્થિક વ્યવસ્થાના મૂળમાં બંધારણ છે. આ ત્રણ વ્યવસ્થાના આધારે કોઈપણ દેશનું સંચાલન થાય છે. બંધારણ મજબૂત હોય તો આ ત્રણેય સ્તંભ મજબૂત રહે છે. કદાચ હાલક-ડોલક થાય તો પણ એની મરંમત થઈ શકે છે. ભારતના બંધારણમાં આ પાયાની બાબતો તરફ ધ્યાન આપવામાં આવ્યું છે એટલે લોકશાહીનો પાયો મજબૂત રહ્યો છે. બંધારણ સમિતિએ ૨૪મી જાન્યુઆરી,1950ના રોજ હસ્તાક્ષર કર્યા એ પછી 26મી જાન્યુઆરી, 1950ના દિવસે દેશ પર બંધારણ લાગુ પડયું. કોંગ્રેસે ૨૬મી જાન્યુઆરી, 1930ના રોજ પૂર્ણ સ્વરાજનો સંકલ્પ પસાર કર્યો હતો એટલે બંધારણ લાગુ પાડવા માટે એ દિવસને પસંદ કરવામાં આવ્યો હતો. 22 વિભાગો, 395 આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટો ધરાવતું બંધારણ લાગુ થયું એ દિવસ ૨૬મી જાન્યુઆરી દેશનો રાષ્ટ્રીય તહેવાર છે.

આમુખ : બંધારણનો આત્મા

આમુખ માટે બંધારણમાં પ્રિએમ્બલ શબ્દ પ્રયોજાયો છે. એક રીતે બંધારણની પ્રસ્તાવના. બંધારણનો સાર શું છે એ જાણવું હોય તો આમુખમાંથી મળી રહે છે. ભારતના બંધારણની વિશેષતા એ છે કે તેના આમુખની ઘોષણા કંઈક આ પ્રમાણે છે: 'અમે ભારતના લોકો અમારી બંધારણ-સભા દ્વારા સ્વીકૃત સંવિધાનને અપનાવીને તેને કાયદાનું સ્વરૂપ આપીને તેના પ્રત્યે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.' બંધારણના આમુખમાં આ પ્રતિજ્ઞાા નાગરિકોના નામે લખાઈ છે. આમુખ બંધારણથી જુદો હિસ્સો છે, પરંતુ તેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. બંધારણીય મૂલ્યો, બંધારણને લગતી દલીલો, બંધારણનો સાર એટલે આમુખ. જો બંધારણની કોઈ કલમ કે જોગવાઈના અર્થઘટનમાં મુશ્કેલી ઉભી થાય તો આમુખમાં થયેલી સ્પષ્ટતા આખરી માનવામાં આવે છે. બંધારણ પહેલાં આમુખમાં જ નક્કી થયું છે કે રાજકીય સત્તાનો મુખ્ય સ્રોત દેશના નાગરિકો છે.

299 સભ્યોએ બંધારણ ઘડવા ચર્ચા-વિચારણા કરી

ભાગલા પહેલાં જ બંધારણ સમિતિ બનાવાઈ હતી, પરંતુ ભાગલા બાદ પાકિસ્તાનને જુદી બંધારણ સમિતિ બનાવી. ભારતની બંધારણ સમિતિના સભ્યો 389 માંથી ઘટીને 299 થયા. જુદી જુદી જાતિ-જ્ઞાાતિ, ધર્મના લોકો આ બંધારણ સમિતિમાં હતા. અગાઉ સંસદીય સમિતિઓ જ બંધારણ બનાવતી હોય એવા ઉદાહરણો હતા. ભારતના કિસ્સામાં ખાસ બંધારણીય સમિતિ ઈલેક્શનથી ચૂંટી કાઢવામાં આવી હતી. બંધારણમાં કોઈ વિશેષ વ્યક્તિનો કે પાર્ટીનો પ્રભાવ ન પડે એ માટે આ વ્યવસ્થા થઈ હતી. 299 સભ્યોએ બે વર્ષ, 11 મહિના અને 18 દિવસ સુધી બંધારણ ઘડવાનું કામ કર્યું હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સમિતિના અધ્યક્ષ હતા. ડૉ. ભીમરાવ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. બંધારણસભાએ 11 બેઠકો યોજીને વાદ-વિવાદ, ચર્ચા-વિચારણા કરીને ડ્રાફ્ટ ફાઈનલ કર્યો હતો.

2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ સુધી બંધારણ ઘડવાનું કામ થયું હતું

પર્યાવરણને બચાવો, પર્યાવરણ આપણને બચાવશે

પર્યાવરણને બચાવવાનો વિચાર દુનિયાભરમાં હવે ઉભર્યો છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં જીવસૃષ્ટિ અને પર્યાવરણ માનવીય જીવનનો હિસ્સો ગણાતા આવ્યા છે. ભારતનું કૃષિજીવન પર્યાવરણ અને સજીવોને અનુરૂપ હતું. એનો પડઘો બંધારણમાં પણ પડયો છે. મૂળભૂત ફરજોમાં કલમ-51-એમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય પર્યાવરણનું રક્ષણ કરવું એ નાગરિકોની ફરજ છે. રાષ્ટ્રીય પર્યાવરણમાં જંગલો, સજીવસૃષ્ટિ વગેરેનો સમાવેશ થાય છે. નાગરિકોએ પોતાનું, પોતાના પરિવારનું, દેશવાસીઓનું હિત તો વિચારવાનું છે જ, સાથે સાથે સજીવસૃષ્ટિ અને તેમના રહેઠાણોને નુકસાન ન થાય એની તકેદારી પણ રાખવાની છે.

મૂળભૂત ફરજો : અધિકારની જેમ જવાબદારી પણ જરૂરી

દેશના નાગરિક તરીકે સૌને અધિકારો મળે છે, પણ એ જ દેશના નાગરિક તરીકે કેટલીક ફરજો પણ નિભાવવી જરૂરી છે. એમાં બંધારણનું સન્માન કરવું, રાષ્ટ્રગીતને આદર આપવો, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું - એ મુખ્ય છે. એ આદર્શોને જાળવી રાખવો કે જેનાથી દેશને આઝાદી મળી. દેશના સાર્વભૌમત્વ સામે ખતરો સર્જાય એવા કોઈ પગલાં ન ભરવા, અખંડિતતા અને એકતા માટે પ્રયાસો કરવા. એ જોખમાય એવું કંઈ ન કરવું. નહીં તો જે બંધારણ અધિકારો આપે છે એ જ બંધારણમાં ફરજનું પાલન ન કરનારા નાગરિકો માટે સજાની જોગવાઈ પણ થઈ છે. અધિકારોથી વ્યક્તિને રક્ષણ મળે છે. ફરજોથી દેશવાસીઓનું સંરક્ષણ થાય છે.

સમાનતા : ઊંચ-નીચ સે પરે

કલમ 14થી 18માં સમાનતાનો અધિકાર મળે છે. વિશ્વના કેટલાય દેશોમાં શરૂઆતમાં મહિલાઓને મતાધિકાર મળ્યો ન હતો. તો કેટલાય અશ્વેતોને મૂળભૂત અધિકારોથી વંચિત રખાયા હતા. ભારતના બંધારણમાં શરૂઆતથી જ સમાનતાનો ખ્યાલ સમાવી લેવાયો છે. બંધારણ અમલી બન્યું એ જ દિવસથી ભારતના સૌ નાગરિકો એક સમાન છે. કોઈ વીઆઈપી નથી, કોઈ સાધારણ નથી. બંધારણ બધાને સમાન નજરે જુએ છે. સમાનતાના કવચથી બંધારણ બધા નાગરિકોનું સંરક્ષણ કરે છે. એમાં રોજગારીની સમાન તકો મળે છે. કોઈ વ્યક્તિ પર ધર્મ, જાતિ કે વર્ગના આધારે ભેદભાવ કરી શકાય નહીં. બંધારણની રીતે કોઈ ઉજળિયાત વર્ગના કે પછાત વર્ગના નથી. સૂટ-બૂટ પહેરનારને બંધારણ જે નજરે જુએ છે, એ જ નજરે ફાટેલું પહેરણ પહેરનારને પણ જુએ છે.

બંધારણની દ્રષ્ટિએ કોઈ વીઆઈપી નથી કે કોઈ સાધારણ નથી

બંધારણની મૂળ પ્રત સંસદ ભવનની લાઈબ્રેરીમાં

બંધારણની મૂળ પ્રત આજેય સંસદ ભવનની લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની જાળવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. કાગળ પર લખેલું બંધારણ યોગ્ય રીતે સચવાય તે વિશેષ કાળજી માંગી લેતું કામ છે. ઓક્જિન અને તાપમાનની અસર થાય તો કાગળ ખરાબ થઈ શકે છે. એવું ન થાય તે માટે બંધારણની મૂળ પ્રતને નાઈટ્રોજન-હિલિયમ ગેસની એક ચેમ્બર યાને એરટાઈટ કન્ટેનરમાં રાખવામાં આવી છે. કાગળ પર લખેલા શબ્દો ઝાંખા ન પડે તે માટે જુદી જુદી ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના કિરણો તેના પર ન પડે એની તકેદારી રખાય છે. જ્યારે આજના જેવી આધુનિક ટેકનોલોજી ન હતી ત્યારે બંધારણની નકલને ફ્લાલેનના કપડાંમાં વિંટીને નેફ્થલિન બોલ્સ સાથે રાખવામાં આવી હતી.

સ્વતંત્રતા : હમ અપની મરઝી કે માલિક

કલમ 19થી 22માં સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે. એમાં જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો વિચાર મહત્ત્વનો છે. ભારતનો નાગરિક પોતાની મરજી પ્રમાણે જીવન જીવી શકે છે. એમાં અભિવ્યક્તિ અને વાણીનું સ્વાતંત્ર્ય મળે છે. કોઈ પણ વ્યવસાય કરી શકવાની મોકળાશ મળે છે. ક્યાં રહેવું એ નક્કી કરવાનો હક વ્યક્તિને મળે છે. કોઈ આરોપ લાગ્યો હોય તો એમાં આ કલમ હેઠળ જ્યાં સુધી આરોપી દોષી ન ઠરે ત્યાં સુધી કે આરોપીથી કોઈ મોટું જોખમ ન હોય ત્યાં સુધી તેને બંધારણ રક્ષણ આપે છે. એમાં પેટા કલમ ૨૧-એ મહામૂલો શિક્ષણનો અધિકાર આપે છે. એ પ્રમાણે 6થી 14 વર્ષના બાળકોને ફરજિયાત, મફત શિક્ષણનો અધિકાર મળે છે.

ભારતના નાગરિકોને મળતાં છ આંતરરાષ્ટ્રીય સ્તરના અધિકારો

ભારતના બંધારણમાં વિભાગ-૩માં નાગરિકોને છ મૂળભૂત અધિકારો મળે છે. એમાં સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક સ્વતંત્રતા અને બંધારણીય ઉપાયોનો અધિકાર. શરૂઆતમાં મૂળભૂત અધિકારો સાત હતા, પરંતુ પછીથી સુધારો કરીને પ્રોપર્ટીના અધિકારને બંધારણીય અધિકાર મનાયો, મૂળભૂત અધિકારમાંથી બાદ કરાયો. ભારતના આ મૂળભૂત અધિકારો સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકારની તર્જ પર બન્યા છે એમ કહેવું ખોટું નથી. અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ જેવા કેટલાય દેશોના મૂળભૂત અધિકારો સાથે ભારતના મૂળભૂત અધિકારો મળતા આવે છે. એ રીતે બંધારણના ઘડવૈયાઓએ દૂરંદેશીથી ભારતના નાગરિકોને આંતરરાષ્ટ્રીય સ્તરના મૂળભૂત અધિકારો આપ્યાં છે.

- પ્રજાસત્તાક વિશેષાંક : આલેખન - હર્ષ મેસવાણિયા, ડિઝાઈન - ચેતનસિંહ ચૌહાણ

બંધારણમાં ભારતીય સંસ્કૃતિ દર્શાવતા ચિત્રો

ભારતના બંધારણમાં દેશની વિવિધતામાં એકતાના દર્શાવતા ગુણો અને સમાનતા, સ્વતંત્રતા, સાર્વભૌમના સિદ્ધાંતો છે. તે સિવાય ભારતીય સંસ્કૃતિની ઝલક પણ છે. બંધારણની અસલ પ્રતમાં બેનમૂન કેલિગ્રાફી છે. કુશળ કલાકારોએ બંધારણના પાનાઓમાં ભારતીય સંસ્કૃતિ કંડારી છે. એમાં ગંગાઅવતરણનો પ્રસંગ છે. નટરાજનું ચિત્ર છે. યુદ્ધ મેદાન મધ્યે વિષાદમાં સરી પહેલા અર્જુનને ગીતા સંભળાવતા કૃષ્ણનું ચિત્ર છે. દેશના ગામડે ગામડે બિરાજતા શ્રી રામ-લક્ષ્મણ જાનકી બંધારણની પ્રતમાં પણ જોવા મળે છે. બુદ્ધ-મહાવીરથી લઈને અકબર, લક્ષ્મીબાઈ, ટીપુ સુલતાન, શિવાજી મહારાજ સહિત કેટલાય ભારતીય સંસ્કૃતિના જ્યોર્તિધરો ચિત્રના રૂપમાં બંધારણમાં બિરાજે છે.

બંધારણની ક્રેડિટ એકબીજાને આપવાનો અનોખો વિવેક

1947માં દેશને આઝાદી મળી પછી બંધારણ સભા સ્વાયત્ત સંસ્થા બની. એ પહેલાં અંગ્રેજી શાસન હેઠળ બંધારણ સભા કાર્યરત હતી અને એમાં અખંડ ભારતના સભ્યોનો સમાવેશ થતો હતો. બંધારણ ઘડવા માટે અનેક બાબતોનો વિચાર કર્યા પછી વિવિધ સમિતિઓ પણ બની. લાંબી ચર્ચા-વિચારણા, વાટાઘાટો બાદ ડ્રાફ્ટ સમિતિએ 21મી ફેબુ્રઆરી, 1948ના દિવસે રિપોર્ટ આપ્યો. સંસદ વિષયક, નાગરિકોને લગતી તેમ જ અમુક કામચલાઉ જોગવાઈઓ 26મી નવેમ્બર, 1949થી અમલી બની એટલે આમુખમાં એ તારીખ દર્શાવવામાં આવે છે. તેના આગલા દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંસદમાં ભાષણ આપ્યું એમાં તેમણે કહ્યું કે બંધારણના ડ્રાફ્ટનો સમગ્ર યશ ભલે મને આપવામાં આવતો હોય, પરંતુ બંધારણીય સલાહકાર બી.એન. રાવના પ્રાથમિક ડ્રાફ્ટ વગર આ કામ શક્ય બન્યું ન હોત. તેમણે અન્ય સભ્યોને પણ આ બંધારણ બનાવવાનો યશ આપ્યો. સૌ સભ્યોએ એકમત થઈને ડૉ. આંબેડકરના કામને બિરદાવીને સમગ્ર યશ તેમને આપ્યો. 

ભારતના બંધારણ પર ભારતીય કાયદાની સવિશેષ અસર

ભારતનું બંધારણ બનાવવા માટે ઘડવૈયાઓએ દુનિયાભરના બંધારણો-કાયદાઓનો અભ્યાસ કર્યો હતો. એમાંથી ઘણી સારી-સારી બાબતો લેવામાં આવી હતી. ખાસ તો પાર્લામેન્ટરી પદ્ધતિ, કેબિનેટ સિસ્ટમ, મૂળભૂત કાયદા જેવા પાસાઓ બ્રિટનથી પ્રેરિત થઈને ભારતના બંધારણમાં સુધારા-વધારા સાથે સમાવાયા હતા. તો મૂળભૂત અધિકારો, ફરજો, આમુખ, ન્યાયતંત્ર જેવી બાબતો અમેરિકા પાસેથી લેવાઈ હતી. ઓસ્ટ્રેલિયાથી ફ્રાન્સ, રશિયા, જાપાન જેવા ઘણાં દેશોના બંધારણનો અભ્યાસ કરીને એમાંથી સારી-સારી બાબતો સમાવી દેવાઈ હતી, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ ભારતીય કાયદાઓનો જ હતો. 1953ના ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટની જોગવાઈઓનો વિશેષ પ્રભાવ ભારતના બંધારણ પર જોવા મળે છે.

બંધારણ ટાઈપ કરવાને બદલે હાથથી લખાયું

જે બંધારણને ભારતની સંસદે 26મી જાન્યુઆરી, 1950ના દિવસે સ્વીકાર્યું એ બંધારણની અસલ પ્રત હસ્તલિખિત છે. અંગ્રેજી અને હિન્દીમાં તૈયાર થયેલી પ્રત પ્રેમ બિહારી નારાયણ રાયજાદા નામના કેલિગ્રાફી એક્સપર્ટે લખી હતી. તેમને બંધારણની પ્રત લખવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. શાંતિ નિકેતનના કલાકારો નંદલાલ બોઝ-રામ મનોહર સિંહાએ બંધારણને કલાત્મક રીતે સજાવ્યું હતું. આ બંનેએ તૈયાર કરેલા ચિત્રોમાં ભારતીય સંસ્કૃતિનો પડઘો પડે છે.

ધર્મ-સંસ્કૃતિ : મૂળ સાથે જોડાઈ રહેવાની મોકળાશ

ભારતનો નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે છે. એના માટે તેના પર કોઈ જ પ્રતિબંધો નથી. કોઈ ચોક્કસ ધર્મ જ પાળવા માટેનું દબાણ થતું નથી. અંત:કરણનો અવાજ સાંભળીને ઈચ્છે ત્યાં, ઈચ્છે ત્યારે પ્રાર્થના,ભજન, ભક્તિ, ધાર્મિક પાઠ, ધાર્મિક સાહિત્યનું વાંચન-લેખન કરી શકે છે. પોતાની સંસ્કૃતિને આગળ વધારવા માટે કોઈ નાગરિક પ્રયાસો કરતા હોય તો એને પૂરતી મોકળાશ મળે છે. બંધારણમાં તો લઘુમતી નાગરિકોને તેમના ધર્મ કે સંસ્કૃતિની જાળવણી માટે જો જરૂરી લાગે તો સંસ્થાઓ સ્થાપવાનો હક મળે છે. એ માટે સરકારની આર્થિક સહાયનો લાભ પણ મળે છે.

સંપત્તિનો હક : વેચવા-ખરીદવામાં આઝાદી

પહેલાં પ્રોપર્ટીના અધિકાર સહિત સાત અધિકારોને મૂળભૂત અધિકારો ગણવામાં આવ્યા હતા, પરંતુ પછીથી 44મા સુધારામાં કલમ-300-એ ઉમેરવામાં આવી હતી. એમાં સંપત્તિ ધરાવવાનો બંધારણીય અધિકાર ખરો, પરંતુ એ મૂળભૂત અધિકાર નથી. કેન્દ્ર કે રાજ્ય સરકાર ઈચ્છે તો નાગરિકની સંપત્તિ હસ્તગત કરી શકે છે, પરંતુ એના માટે વળતર ચૂકવવું ફરજિયાત છે. યોગ્ય વળતર આપ્યા વગર નાગરિકને તેમની સંપત્તિ છોડી દેવાનું કહી શકાય નહીં. તે ઉપરાંત સંપત્તિ ધરાવનાર વ્યક્તિ ધારે ત્યારે અને ઈચ્છે તેને પોતાની સંપત્તિ વેચી શકે. ધારે તેની પાસેથી સંપત્તિ ખરીદી શકે. સંપત્તિ વેચવા-ખરીદવામાં આઝાદી ખરી, પણ એમાંથી થતી આવકનું વળતર સરકારને આપવું ફરજિયાત છે.

શોષણ સામે અધિકાર : વિનામૂલ્યે સેવા મેળવી ન શકાય

ભારતમાં અમેરિકા-બ્રિટન જેવા દેશોની જેમ ગુલામીપ્રથા ન હતી. એટલે બંધારણમાં ગુલામી નાબુદી જેવો શબ્દ વપરાયો નથી. હા, બંધારણ ઘડાયું ત્યારે એક વર્ગનું શોષણ થતું હતું. વળતર આપ્યા વગર કામ લેવામાં આવતું હતું. અથવા તો નગણ્ય વળતર અપાતું હતું. બંધારણની કલમ ૨૩-૨૪માં શોષણ સામે અધિકાર મળ્યો છે. વિનામૂલ્યે કોઈની પાસે મજૂરી કરાવી શકાય નહીં. નાગરિકની ઈચ્છા વિરૂદ્ધ તેને કામ કરવા મજબૂર ન કરી શકાય. આ જ કલમમાં સ્ત્રીઓ-બાળકોનો વેપાર પ્રતિબંધિત થયો છે.

મૂળભૂત અધિકારોના રક્ષણ માટે વિશેષ જોગવાઈ

મૂળભૂત 6 અધિકારોમાં એક અધિકાર છે - બંધારણીય ઉપાયો યોજવાનો અધિકાર. આ કલમ બહુ જ ટેકનિકલ છે, પરંતુ એને ટૂંકમાં અને સરળ રીતે સમજવી હોય તો એક અર્થ એવોય થાય છે કે મૂળભૂત અધિકારો ભોગવવા મળતા ન હોય તો વ્યક્તિ કોર્ટમાં આ છઠ્ઠા અધિકારને પ્રયોજી શકે. બંધારણમાં કહેવાયેલા આ સિવાયના પાંચ અધિકારોમાંથી કોઈ એક કે બધા અધિકારોથી કોઈ નાગરિક વંચિત રહેતો હોય તો એ તેનો છઠ્ઠો બંધારણીય ઉપાય પ્રયોજીને પોતાના બાકીના અધિકારો મેળવવાને હકદાર છે. બંધારણના મૂળભૂત અધિકારોનેય બંધારણીય રક્ષણ આપીને બંધારણના ઘડવૈયાઓએ ભારતીય નાગરિકોના હકોને મજબૂત દ્વિસ્તરીય સુરક્ષા કવચ આપ્યું છે.

માહિતી અધિકાર : પારદર્શક વ્યવસ્થા માટે પ્રયાસો

બંધારણ અમલી બન્યાના 55 વર્ષ બાદ માહિતી મેળવવાનો અધિકાર નાગરિકોને મળ્યો હતો. 2005માં માહિતીનો અધિકાર મળ્યો હતો. એ જ વર્ષે માહિતી કમિશન બનાવવામાં આવ્યું હતું. બંધારણમાં થયેલી આ જોગવાઈ પ્રમાણે ભારતનો કોઈ પણ નાગરિક સરકારી સંસ્થા, એજન્સીઓ, વિભાગો પાસેથી કોઈ પણ કામની વિગતો મેળવી શકે છે અને જે તે વિભાગ એ માહિતી ૩૦ દિવસમાં આપવા બંધાયેલી છે. માહિતી ન આપનારા અધિકારી સામે પગલાં ભરવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે દેશમાં દરરોજ 5000 જેટલી અરજીઓ થાય છે. પારદર્શક સરકારી વ્યવસ્થા માટે આ બહુ ઉપયોગી જોગવાઈ છે, પરંતુ યોગ્ય માહિતી મળતી ન હોવાથી ફરિયાદો વચ્ચે એનો દુરુપયોગ થતો હોવાના દાવાય વધ્યા છે.


Google NewsGoogle News