ઝાડેશ્વર પંચાયતનો વહીવટદાર કારમાં જ લાંચની રકમ સાથે ઝડપાયો
આરસીસી રોડ અને પેવરબ્લોકના કામના બિલનો ચેક આપવા માટે ૫.૫ ટકા પેટે રૃા.47500 લાંચ માંગી હતી
ભરૃચ તા.૨૦ ભરૃચ નજીક ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે નિમણૂંક કરાયેલ તલાટી રાજન પટેલ કોન્ટ્રાક્ટર પાસે સાડા પાંચ ટકા મુજબ રૃા.૪૭૫૦૦ની લાંચ લેતા વડોદરા એસીબીના સકંજામાં ઝડપાઈ ગયો હતો.
ભરૃચ જિલ્લાની પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચપદની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે તલાટી રાજન ગોરધનભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આરસીસી રોડ અને પેવર બ્લોકના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યા હતાં. આ કામો પૂર્ણ થતાં જ કોન્ટ્રાક્ટરે રૃા.૮.૬૫ લાખનું બિલ જમા કરાવ્યું હતું અને આ બિલનો ચેક આપવા માટે ૫.૫ ટકા રકમ લાંચમાં ગ્રામ પંચાયતના વહીવટદારને આપવાની થતી હતી.
જો કે કોન્ટ્રાક્ટરે લાંચની રકમ આપવી નહી હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી જેના પગલે વડોદરા એકમના ડીવાયએસપી પી.આર. ભેંસાણીયાની સૂચનાથી ફિલ્ડ પીઆઇ એમ.કે. સ્વામી અને સ્ટાફ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. નક્કી થયા મુજબ કોન્ટ્રાક્ટર લાંચની રકમ રૃા.૪૭૫૦૦ લઇને ઝાડેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસે ગયો હતો અને વહીવટદારને ફોન કરતાં વહીવટદાર રાજેન પટેલ કચેરીની બહાર આવીને કોન્ટ્રાક્ટરની કારમાં બેસી લાંચની રકમ લીધી હતી.
આ સાથે જ સૂચિત ઇશારો થતાં એસીબીના સ્ટાફે કારમાં જ વહીવટદારને લાંચની રકમ સાથે ઝડપી પાડયો હતો. એસીબી દ્વારા વહીવટદાર સામે ભ્રષ્ટાચાર અધિનિયમનો ગુનો દાખલ કરી તલાટીના ઘેર સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.