Get The App

વૈચારિક ક્ષમતામાં વધારો કરવો હોય તો સતત પુસ્તકો વાંચતા રહોઃ નેવી ચીફ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
વૈચારિક ક્ષમતામાં વધારો કરવો હોય તો સતત પુસ્તકો વાંચતા રહોઃ નેવી ચીફ 1 - image

વડોદરાઃ શિક્ષણની શક્તિને આત્મસાત કરવી હોય તો તમારે સતત પુસ્તકો વાંચતા રહેવુ પડશે.જેનાથી તમારી વૈચારિક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે તેવી શીખ ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર.હરીકુમારે વિદ્યાર્થીઓને આપી હતી.

યુવાઓની સંસ્થા ઈન્ડિયાસ ઈન્ટરનેશન મૂવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સ દ્વારા શહેરની પારુલ યુનિવર્સિટીમાં યોજાયેલા  કોન્ક્લેવમાં હાજર રહેલા નેવી ચીફ હરીકુમારે કહ્યુ હતુ કે, ભારતના નિર્માણ માટે ૨૦૪૭નુ વિઝન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યુ છે અને આ વિઝનના આર્કિટેક વિદ્યાર્થીઓ છે.દેશની પ્રગતિની મશાલ અહીં બેઠેલા યુવાઓના હાથમાં છે અને આ માટે તમારે ટેકનોલોજીના ઉપયોગ તેમજ ઈનોવેશન પર ધ્યાન આપવુ પડશે. સફળતાનો માર્ગ ક્યારેય સીધો હોતો નથી.

તેમણે વિદ્યાર્થીઓેને ટિપ્સ આપતા કહ્યુ હતુ કે, નેતૃત્વનો અર્થ જ બીજાની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.જે દિવસે લોકો તમારી પાસે સમસ્યા લઈને આવતા બંધ થઈ જશે તે દિવસે તમે લીડર તરીકે ખતમ થઈ જશો.નેતૃત્વ શક્તિ માટે રણનીતિ અને ચારિત્ર્ય એમ બે બાબતો બહુ મહત્વની છે.સાથે સાથે તમારી પાસે  દિર્ઘદ્રષ્ટિ હોવી અને લોકોને સાથે લઈને ચાલવા માટેનુ વિશાળ હૃદય હોવુ પણ જરુરી છે.

હરીકુમારે આગળ કહ્યુ હતુ કે, તમે બીજાને આદર આપશો તો જ તમને કોઈ આદર આપશે.નેતૃત્વ કરવા માટે સૌથી પહેલા તમારે ઉદાહરણીય વર્તન કરવુ પડશે.જે જોઈને લોકો તમને અનુસરે.સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટની આવડત કેળવવી અનિવાર્ય છે.તેમણે યુવાઓને અને ખાસ કરીને વિદ્યાર્થિનીઓને પણ ભારતીય સેનામાં જોડાવા માટે આહ્વાન કરીને કહ્યુ હતુ કે, ભારતીય નૌસેના દરેક પ્રકારની ટેકનોલોજી સાથે કામ કરી રહી છે અને તેમાં જોડાવા માટેના સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ધ છે.

જાણીતા ઉદ્યોગપતિ અજય પિરામલના મતે 

સફળતા મેળવવાની સાથે વિનમ્રતા કેળવવી પણ જરુરી

જાણીતા ઉદ્યોગપતિ અજય પિરમાલે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, જે લોકોએ બીજા કરતા હટીને અને કંઈક નવુ કામ કર્યુ છે તે સફળ થયા છે.કોઈ પણ પ્રકારની કઠિન સ્થિતિમાંથી જ અવસર પેદા થતા હોય છે.મુશ્ક્લીમાં હિંમત હારવાની જરુર નથી.બલ્કે મનને સ્થિર રાખીને આગળ વધવાનુ છે.સુખ અને દુખમાં સમાન ભાવ કેળવતા શીખવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, તમારી કથની અને કરની સમાન હોવી જોઈએ.જો તમારી કથની અને કરનીમાં ફરક હશે તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે.સફળતા મેળવવાની સાથે વિનમ્ર પણ બનવુ જોઈએ.વિનમ્ર રહેવાથી જ બીજા પાસે કોઈ સારી વસ્તુ જાણવાની ક્ષમતા કેળવાતી હોય છે.યુવાઓએ પોતાના માટે અને પરિવાર માટે કામ કરવાની સાથે સમાજ અને દેશ માટે પણ યોગદાન આપવાનુ છે તેવી ભાવનાથી આગળ વધવુ પડશે.

યુવાઓને તેમણે કહ્યુ હતુ કે, દ્રઢ નિર્ધાર અને ઈચ્છા શક્તિ સાથે તમારુ ભાગ્ય તમે જ લખી શકો છો.

ઈસરોની સફળતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોતઃ પૂર્વ ઈસરો ચેરમેન કિરણકુમાર

ઈસરોના પૂર્વ ચેરમેન પદમશ્રી એ.એસ.કિરણકુમારે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓએ ઈસરોમાંથી પ્રેરણા લેવી જોઈએ.તમને જે તક મળે છે તે ઝડપી લેવી અને તેમાં સફળ થવુ તે તમારી સજ્જતા પર આધાર રાખે છે.ઈસરોએ એક સંસ્થા તરીકે જે પણ તકો મળી તે ઝડપી લીધી છે અને સફળથા મેળવી છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, તમારી પોતાની જ નહીં પણ બીજાની ભૂલોમાંથી પણ બોધપાઠ લેવો બહુ જરુરી છે.



Google NewsGoogle News