બિઝનેસ ટૂર પર નીકળેલા રાજકોટના યુવકનું છાતીમાં દુખાવા બાદ મોત
વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો પાસે આવેલી હોટલમાં ટીમ સાથે રોકાયો હતો
વડોદરા,બિઝનેસ ટૂર પર આવેલા રાજકોટના ૪૩ વર્ષના યુવકને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડયા હતા. હાર્ટ એટેકના કારણે તેઓનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ ડોક્ટરે આપ્યું છે.
રાજકોટના ગાંધી વિદ્યાલય પાસે સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૩ વર્ષના ગણેશભાઇ ધરમશીભાઇ પેઢડિયા પાણીનો બિઝનેસ કરતી કંપનીમાં કામ કરે છે. તેઓ ટીમ સાથે બિઝનેસ ટૂર પર નીકળ્યા હતા. તેઓ વડોદરા એસ.ટી.ડેપો પાસે આવેલી યુવરાજ હોટલમાં રોકાયા હતા. ગઇકાલે છાતીમાં દુખાવો ઉપડતા તેણે સાથી કર્મચારીઓને જાણ કરી હતી. તેઓએ સારવાર માટે સલાહ આપી હતી. પરંતુ, ગણેશભાઇને લાગ્યું કે, એસિડિટી થઇ હશે. તેમણે દુખાવાને ઇગ્નોર કર્યો હતો. આજે બપોરે ફરીથી તેઓને છાતીમાં દુખાવો શરૃ થયો હતો. તેઓ હોટલમાં જ ઢળી પડતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ, ગણેશભાઇને એટેક આવ્યો હતો.