ખોડિયાર નગર નજીક રહેતા શ્રમજીવી યુવાનનો ફાંસો ખાઇને આપઘાત
પહેલી પત્નીના અવસાન પછી બીજા લગ્ન કર્યા હતા, બીજી પત્ની પણ જતી રહી હતી
વડોદરા,ખોડિયાર નગર નજીક સંતોષી નગરમાં રહેતા ૨૭ વર્ષના શ્રમજીવી યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર નજીક જય સંતોષી નગરમાં રહેતો નિલેશ ભયજીભાઇ રાઠવા ( ઉં.વ.૨૭) મજૂરી કામ કરતો હતો. માતા સાથે અહીંયા ભાડાના મકાનમાં રહેતા નિલેશની પહેલી પત્નીનું અવસાન થયા પછી તેણે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ, પતિ પત્ની વચ્ચે મતભેદ થતા બીજી પત્ની પણ જતી રહી હતી. ત્યારબાદ નિલેશ અને તેની માતા એકલા રહેતા હતા. અઠવાડિયા પહેલા તેની માતા વતન છોટાઉદેપુર ગઇ હતી. નિલેશ ઘરે એકલો જ હતો. આજે ઘર નજીક રહેતા પરિવારના બાળકો રમતા રમતા તેના ઘરે જતા તેમણે નિલેશને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ ઘરે જઇને જાણ કરી હતી. બનાવ અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા હે.કો. અમિતભાઇએ સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, નિલેશના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.