વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારમાં ગઈકાલે પ્રેમ પ્રકરણ મુદ્દે હુમલો : યુવકની હત્યા
Vadodara Murder Case : વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગર-1માં ગઈકાલે પ્રેમ સંબંધમાં થયેલા ઝઘડાના મુદ્દે યુવકની હત્યા કર્યાનો કિસ્સો બન્યો છે. જે આધારે ખૂન કરનારા આરોપીઓને પકડવાની કાર્યવાહી રાવપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
મૂળ રાજસ્થાનના અને હાલ વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ નીચે મહાકાળી નગરમાં રહેતા શ્રાવણ રમણ મારવાડી (ઉ.37)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પત્ની સાથે નજીકમાં રહેતા મગંળ ઉર્ફે સત્યમ ધનજી ભીલ મારવાડી સાથે આશરે દોઢેક વર્ષ અગાઉ આડા સબંધ હતા. જે-તે વખતે સમાજના આગેવાનો ભેગા કર્યા હતા અને આ બાબતે સમાધાન કરી લીધું હતું. ત્યારબાદ ગઈકાલે સાંજના આશરે 6.30 વાગ્યે મંગળ ઉર્ફે સત્યમ મારા ઘરની નજીકમાં આવીને બેઠો હતો. જેથી મેં મારા ભાઈ વિજયને બોલાવી કહ્યું હતું કે, મંગળ સાથે સમાધાન થઈ હોય છતાં પણ બે-ત્રણ દીવસથી અહીં ઘર પાસે આવતો જતો હતો અને આજે પણ ઘર પાસે નજીકમાં બેઠો છે, અને મારા ઘર તરફ જોયા કરે છે. જેથી મારો ભાઇ વિજય આવ્યો હતો અને મંગળને વાત કરતા તે ત્યાંથી નીકળી ગયો હતો અને મારો ભાઇ વિજય પણ ત્યાંથી નીકળી ગયો હતો.
હું મારા ઘરે હાજર હતો. તે વખતે આશરે 7.30 વાગ્યે મારા ઘરની આગળ નજીકમાં બુમાબુમ થતા હું એકદમ બહાર આવ્યો હતો. તે વખતે મંગળ ઉર્ફે સત્યમ અને તેની સાથે તેના ભાઈ શીવમ ધનજી ભીલ મારવાડી, જયદેવ ઉર્ફે રાહુલ ધનજી ભીલ મારવાડી અને ઇસુ કનુ ભીલ મારવાડી (રહે. કલાલી, વુડાના મકાનમા, ખીસકોલી સર્કલ પાસે) મારા ભાઇ વિજય અને મારા ભત્રીજા કેશવને ભેગા મળીને માર મારતા હતા અને ગાળો બોલતા હતા. જેથી હું દોડતો ગયેલો ત્યારે મારો ભાઈ અશોક પણ તેના ઘર બહાર આવી ગયો હતો અને અમે છોડાવવા ગયા હતા.
દરમિયાન શીવમ ધનજી ભીલ મારવાડીએ તેના હાથમાં રહેલું ખંજર મારા ભત્રીજા કેશવને છાતીમાં મારી દેતાં તે નીચે જમીન પર પડી ગયો હતો. તે વખતે વિજય વચ્ચે પડતા શીવમે તેને ડાબા પગના સાથળ પર ખંજર મારી દીધું હતું. આ વખતે મંગળ ઉર્ફે સત્યમ ધારીયુ લઇને આવ્યો હતો અને ધારીયુ મારા ડાબા હાથે કાંડા પર માર્યું હતું. હું ખસી જતા વિજયના ડાબા હાથ પ૨ વાગ્યું હતું. જેથી તે ઇજાગ્રસ્ત થયો હતો. મારા ભાઈ અશોકને ઇસુ કનુ મારવાડીએ લાકડાના ડંડો માથામાં માર્યો હતો. તેમજ જયદેવ ઉર્ફે રાહુલે પણ મને તથા અશોક તથા વિજયને લાકડાના ડંડાથી માર માર્યો હતો. આ સમયે આસપાસના લોકો દોડી આવતા અમને બચાવ્યા હતા અને મારા ભત્રીજા કેશવને એકટીવામાં બેસાડીને સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલ સુભાષનગર-1માં શિવમ ભિલે પણ મૃતક કેશવ સહિત ચાર સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સામી ફરિયાદ આપી છે.