યુનિ.કેમ્પસમાં એક યુવાને પોતાના હાથ પર બ્લેડ મારી દેતા દોડધામ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પોતાના કથિત પ્રેમિકાને રીઝવવા માટે એક યુવાને આજે પોતાના જ હાથ પર બ્લેડ મારી દેતા અફરા તફરી મચી ગઈ હતી.એ પછી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને યુવાનને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ ફેકલ્ટીની બહાર એક યુવાને પોતાના જ હાથ પર બ્લેડ મારી દીધી હતી.ચર્ચાતી વિગતો પ્રમાણે ગોરવા વિસ્તારમાં રહેતા આશિષ નામના યુવાને પોતાની કથિત પ્રેમીકાને મનાવવા માટે આ હરકત કરી હતી.આ યુવતી સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હોવાનુ પણ કહેવાય છે.
પોતાના હાથ પર બ્લેડ મારવાના કારણે યુવાન લોહી લુહાણ થઈ ગયો હતો.આ જોઈને કેટલાક વિદ્યાર્થીઓએ અને સિક્યુરિટીએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેની સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી.આ યુવાન યુનિવર્સિટીનો વિદ્યાર્થી પણ નથી.જોકે આ મુદ્દે કોઈ જાતની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તેને સારવાર બાદ જવા દેવામાં આવ્યો હતો.
જોકે આ ઘટનાએ ફરી સાબિત કર્યુ હતુ ુકે, યુનિવર્સિટી બહારની કોઈ પણ વ્યક્તિ કેમ્પસમાં બેરોકટોક પ્રવેશી શકે છે અને ઈચ્છે તે પ્રકારની હરકત કરી શકે છે.આમ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર આ ઘટનાએ ફરી સવાલો ઉઠાવ્યા છે.