ભાજપે પ્રચાર માટે સરકારી મિલકતો પર કરેલા ચિત્રામણ માટે પક્ષ પાસેથી દંડ વસુલ કરવા યુવક કોંગ્રેસની રજુઆત
વડોદરા,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર
હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની દીવાલો પર પક્ષના પ્રચાર અંગે સ્ટીકર અને ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારી મિલકતને નુકશાન થઈ રહ્યું હોવાના પ્રૂફ સાથે કોંગ્રેસે આ માટેની દંડની કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત મ્યુનિસિપલ કચેરીએ કરવામાં આવી હતી.
યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષના પ્રચાર માટે હાલ કોર્પોરેશન અને અન્ય સરકારી સંપત્તિને નુકસાન કરી રહી છે. પાલિકાની અને વિવિધ સરકારની મિલકતવાળી કચેરીઓ અને દીવાલોને ચીતરી તેની સંપત્તિને નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ માટે અમારી પાસે ચોક્કસ પુરાવાઓ પણ છે. પાલિકા તંત્રએ તાત્કાલિક ધોરણે પક્ષના આવા પ્રચારના ચિત્રો દૂર કરવા જોઈએ અને આ માટે સરકારી મિલકતને જે નુકસાન થયું છે તે માટે ભાજપ પાસેથી દંડ પણ વસૂલવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.