Get The App

પૂર્વ સાંસદ અને કોંગી અગ્રણીના બંગલાના સર્વન્ટ ક્વાટર્સમાં યુવાનનો આપઘાત

યુવાનના પિતા પૂર્વ સાંસદની ત્યાં ડ્રાઇવિંગ કરે છે અને સર્વન્ટ ક્વાટર્સમાં પરિવાર સાથે રહે છે

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
પૂર્વ સાંસદ અને કોંગી અગ્રણીના બંગલાના સર્વન્ટ ક્વાટર્સમાં યુવાનનો આપઘાત 1 - image

વડોદરા,પૂર્વ સાંસદ અને કોંગી અગ્રણીના બંગલાના સર્વન્ટ કવાટર્સમાં રહેતા ૨૬ વર્ષના યુવાને લોખંડની પાઇપ પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જોકે, આપઘાતનું કારણ અકબંધ છે. બનાવ અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બગીખાના ચિત્રકૂટ બંગલામાં રહેતા રાજુભાઇ  રાઠોડ પૂર્વ સાંસદ અને કોંગી અગ્રણી સત્યજીત ગાયકવાડની ત્યાં ડ્રાઇવિંગ કરતા રાજુભાઇ રાઠોડનો મોટો દીકરો સાગર ( ઉ.વ.૨૬) છૂટક કામ કરે છે. ઉત્તરાયણના  દિવસે ગાજરાવાડી પાણીની ટાંકી પાસે સાસરીમાં ગયો હતો. મોડી રાતે સાગર અને તેનો ભાઇ પરત બગીખાના આવ્યા હતા. સાગરને છોડીને તેનો નાનો ભાઇ પરત જતો રહ્યો હતો. સર્વન્ટ ક્વાટર્સની બાજુમાં આવેલી પતરાની ઓરડીમાં લોખંડની પાઇપ પર દુપટ્ટો બાંધીને તેણે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. સવારે પરિવારજનો ઉઠયા ત્યારે બનાવની જાણ થઇ હતી. નવાપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી કે તેનો મોબાઇલ ફોનમાં પણ કોઇ શંકાસ્પદ મેસેજ નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે.


ડિપ્રેશનના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા 

 વડોદરા,સર્વન્ટ ક્વાટર્સમાં સાગર, તેના માતા - પિતા, નાના ભાઇ,  પત્ની અને બે બાળકો સાથે રહેતો  હતો. છેલ્લા એક મહિનાથી તે બેરોજગાર હોવાના કારણે ડિપ્રેશનમાં રહેતો હતો. તેના કારણે જ તેણે આપઘાત કરી લીધો હોવાની શક્યતા  હાલના તબક્કે સેવાઇ રહી છે. જોકે,  પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની બોડી પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.


લવ મેરેજ કરનાર સાગરને  પત્ની સાથે ખટરાગ ચાલતો હતો

 વડોદરા,બિઝનેસ ટૂર  પર દુબઇ ગયેલા પૂર્વ સાંસદે જણાવ્યું છે કે, સાગરે લવ મેરેજ કર્યા હતા. લગ્ન થયા પછી તે  અલગ રહેવા જતો રહ્યો હતો. સાગર  અને તેની પત્ની વચ્ચે કેટલાક સમયથી ખટરાગ ચાલતો હતો. તેના કારણે  પણ તે ડિપ્રેશનમાં હોઇ શકે. સાગર કોઇ એક જગ્યાએ ટકીને નોકરી પણ કરતો નહતો. તેના પિતા મારી ત્યાં ડ્રાઇવિંગ કરે છે. પણ બંને દીકરાઓ મોટા થયા પછી અલગ રહેવા જતા રહ્યા હતા.


Google NewsGoogle News