સેક્ટર-6 પેટ્રોલ પંપ પાસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવાન પકડાયો
ગાંધીનગર વધતી જતી સટ્ટાની પ્રવૃત્તિ
પોલીસ દ્વારા ૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને યુવાન સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃ થતાની સાથે ક્રિકેટ સટ્ટાની પણ પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા પેટ્રોલ પંપ પાસે મોબાઇલ મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી મોબાઇલ સહિતનો ૧૨ હજારનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આઈપીએલ ક્રિકેટ ઉપર છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો
રમવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા સટોડીયા ઉપર વોચ રાખીને
તેમને પકડવામાં આવી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં ગાંધીનગર શહેરમાં અલગ અલગ
વિસ્તારમાં યુવાનો સટ્ટો રમતા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે ત્યારે ગાંધીનગર
એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ગાંધીનગરના
સેક્ટર ૬માં આવેલા પેટ્રોલ પંપ પાસે એક યુવાન મોબાઈલ ઉપર ઓનલાઇન સટ્ટો રમી રહ્યો
છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડીને સટ્ટો રમતા પૃથ્વીશ ઉર્ફે
નાનુભાઈ મહેન્દ્રભાઈ વૈધ રહે પ્લોટ નંબર ૨૯ /૧ સેક્ટર ૪એને ઝડપી લીધો હતો. તેની
પાસેથી મોબાઇલ રોકડ રૃપિયા અને મોપેડ મળીને ૨૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી
લેવામાં આવ્યો હતો. આ યુવાન દ્વારા ઓનલાઇન સટ્ટો રમવા માટે આઈડી અને પાસવર્ડ
સેક્ટર ૪ માં રહેતા રવિ ઠક્કર પાસેથી લેવામાં આવ્યા હતા જેથી પોલીસે તેની સામે પણ
ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરવામાં આવી છે.