સાદરા ગામમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવાન પકડાયો
ગાંધીનગર શહેર નજીક આવેલા
ગાંધીનગર : આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃ થતાની સાથે ક્રિકેટ સટ્ટાની પણ પ્રવૃત્તિ વધી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા સાદરા ગામમાં ગઈકાલે સાંજના સમયે મોબાઇલ મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી મોબાઇલ સહિતનો ૪૬ હજારનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આઈપીએલ ક્રિકેટ ઉપર છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા સટોડીયા ઉપર વોચ રાખીને તેમને પકડવામાં આવી રહ્યા છે સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ સટોડીયાઓને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે તેમ છતાં આ પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી ત્યારે ગઈ કાલે સાંજના સમયે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, સાદરા ગામમાં નાના મહાદેવ વાળા વાસમાં રહેતો સમીર ઉસ્માન ગની મેમણ હાલ સોડાની લારી ઉપર હાજર છે અને પોતાના મોબાઈલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડીને સટ્ટો રમતા સમીર મેમણને ઝડપી લીધો હતો. તેની પાસેથી મોબાઇલ રોકડ રૃપિયા અને મોપેડ મળીને ૪૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. આ યુવાન દ્વારા ઓનલાઇન સટ્ટો રમવા માટે આઈડી અને પાસવર્ડ કોની પાસેથી લેવામાં આવ્યા હતા તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. હાલ તેની સામે જુગારધારા હેઠળ દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી. જિલ્લામાં હાલ સટ્ટાની પ્રવૃત્તિની સાથે ગ્રામ્ય વિસ્તારમાં તીન પત્તીનો જુગાર પણ વધી ગયો છે.