ફરસાણની દુકાનમાં સમોસા તરતા દાઝી ગયેલા કારીગરનું મોત
ગરમ તેલની કઢાઇ પડતા દાઝી ગયો હતો : ૧૮ દિવસની સુધી સારવાર ચાલી
વડોદરા,ફરસાણની દુકાનમાં સમોસા તળતા સમયે ગરમ તેલનું કઢાઇ પડતા દાઝી ગયેલા કારીગરનું ૧૮ દિવસની સારવાર પછી મોત થયું છે. જે અંગે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઢોલી ગામે રહેતો ૨૧ વર્ષનો જીતેન્દ્રકુમાર રણજીતસિંહ બારિયા માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે ડીલક્ષ વેફર નામની ફરસાણની દુકાનમાં છેલ્લા છ મહિનાથી કામ કરતો હતો. તેને ટાઇફોઇડ થતા છેલ્લા એક મહિનાથી
તે રજા પર હતો. પરંતુ, દિવાળી આવતી હોઇ તે કામ પરત આવ્યોહતો. ગત તા.૧૨ મી ઓક્ટોબરે તે સમોસા તળતો હતો. તે દરમિયાન અચાનક ચક્કર આવતા તે ગરમ તેલની કઢાઇ પર પડતા આખા શરીરે સખત રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ગઇકાલે રાતે અગિયાર વાગ્યે તેનું મરણ થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.