વડોદરામાં પીપળીયા પાસે અકસ્માતમાં 11 ભાઈ-બહેનો પૈકી સૌથી નાના ભાઈનું કરુણ મોત

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વડોદરામાં પીપળીયા પાસે અકસ્માતમાં 11 ભાઈ-બહેનો પૈકી સૌથી નાના ભાઈનું કરુણ મોત 1 - image


-  અજાણ્યું વાહન અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા,તા.4 નવેમ્બર 2023,શનિવાર

વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે મસ્તુપુરા રોડ પર કેનાલ નજીક અજાણ્યા વાહને એક બાઈકને ટક્કર મારતા બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન 11 ભાઈ-બહેનો પૈકી સૌથી નાનો ભાઈ હતો.

 આ અંગેની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં જેતપુર ગામે રહેતા મેહુલ તેરસિંગ રાવત ઉંમર વર્ષ 22 તેના પરિવાર સાથે પીપળીયા ગામ પાસે આવા કાઉન્ટિંગ નામની નવી બાંધકામ સાઈટ ઉપર કડિયાકામ કરવા માટે આવ્યો હતો. ગઈકાલે સાંજે 6:00 વાગે સાઈટ ઉપર કામ પૂરું કરીને તે સાઈટ પાસેના ઘેર ગયો હતો અને તેના મોટાભાઈ શૈલેષને હું પીપળીયામાં શાકભાજી અને કરિયાણું લઈને આવું છું તેમ કહી તેના બનેવીની બાઈક લઈને નીકળ્યો હતો. તેણે પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં ઘેર મૂક્યો હતો. લાંબા સમય સુધી મેહુલ ઘેર પરત નહીં ફરતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન તેના સંબંધીએ ઘેર આવીને જણાવેલ કે મુસ્તુપુરા રોડ પર મેહુલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી છે અને તેનું સ્થળ પર જ મોત થયું છે. બાદમાં શૈલેષભાઈ તેમજ અન્ય લોકો સ્થળ પર દોડી ગયા હતા બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે 11 ભાઈ બહેનોમાં મૃતક સૌથી નાનો ભાઈ હતો અને તેના લગ્ન પણ થયા ન હતા.


Google NewsGoogle News