સાવલીમાં યુવાનની દંડા અને લાતો મારીને કરપીણ હત્યા
પિતા અને પુત્રની પોલીસે ધરપકડ કરી
વડોદરા, તા.19 સાવલીમાં એક યુવાનની તેની સાસુની નજર સામે જ પિતા અને પુત્રએ માથામાં દંડા તેમજ લાતો મારીને કરપીણ હત્યા કરી હોવાનો પર્દાફાશ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે સાવલીમાં કુંભાર ફળિયામાં ભાડેથી રહેતો મહેન્દ્ર જામસિંગ પરમાર (ઉ.વ.૩૫) છેલ્લા ચાર દિવસથી સુરત ખાતે તેની બહેનના ઘેર ગયો હતો અને ગઇકાલે સવારે તે પરત ફરીને તેની સાસરીમાં ઉંડી ફળિયામાં ગયો હતો. બપોરે સાસરીમાં જમ્યા બાદ તે ઘરની બહાર નીકળ્યો હતો અને થોડા સમય બાદ ભાટપુરા ચોકડીથી ડેસરરોડ પાસે પાણીપૂરીની લારી ચલાવતો એક હિંદીભાષી વ્યક્તિએ આવીને મહેન્દ્રની સાસુ લીલાબેનને જણાવેલ કે તમારા જમાઇને મારે છે.
બાદમાં લીલાબેન સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમના પાડોશમાં રહેતા કલ્પેશ ઉર્ફે બ્રિજેશ ચંન્દ્રકાંત પટેલ અને તેનો પુત્ર રુદ્ર બંને જમાઇ મહેન્દ્રને ડંડાથી માર મારતાં જણાયું હતું. લીલાબેને માર નહી મારવા સમજાવવા છતાં બંનેએ ઢોર માર માર્યા બાદ બંને જતા રહ્યા હતાં. દરમિયાન લીલાબેન જમાઇને પાણી પીવડાવવા જતાં તેઓ મૃત પામ્યા હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે સાવલી પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતા અને પુત્ર બંનેની ધરપકડ કરી હતી.