બનેવીને અપશબ્દો બોલતા શખ્સને ઠપકો આપવા ગયેલા સાળાની હત્યા

ગંભીર ઇજા પામેલ યુવાનનું હોસ્પિટલમાં મોત ઃ પિતાએ એકનોએક પુત્ર ગુમાવ્યો

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
બનેવીને અપશબ્દો બોલતા શખ્સને ઠપકો આપવા ગયેલા સાળાની હત્યા 1 - image

વડોદરા, તા.15 સાવલી તાલુકાના ખાખરીયા ગામે બનેવીને અપશબ્દો બોલતા શખ્સને ઠપકો આપવા ગયેલા સાળાની હત્યા થઇ હતી. આ બનાવમાં પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ખાખરીયા ગામે વેરાઇમાતા મંદિર પાસે રહેતા રાજુ ચીમનભાઇ વસાવાને સંતાનમાં ૩૦ વર્ષનો પુત્ર કિરણ હતો. તેના લગ્ન થયા હતા પરંતુ પત્ની સાથે અણબનાવ થતાં બંને વચ્ચે છૂટાછેડા બાદ પિતા અને પુત્ર સાથે રહેતા હતાં. જ્યારે તેમની બે પુત્રીના લગ્ન થયા હોવાથી તેઓ સાસરીમાં રહે છે. તા.૧૨ના રોજ મોડી રાત્રે રાજુભાઇ તેમની પુત્રી અને જમાઇને લેવા માટે ખાખરીયા કેનાલ પર ગયા હતા અને બંનેને લઇને ઘર તરફ આવતા હતાં.

દરમિયાન જમાઇ બીટ્ટુભાઇને જોઇને ગામમાં રહેતા શૈલેષ જયંતિ રાઠોડિયાએ અપશબ્દો બોલવાનું શરૃ કર્યુ હતું જેથી ઘરમાંથી બહાર નીકળી કિરણ આવ્યો હતો અને મારા બનેવીને અપશબ્દો કેમ બોલે છે તેમ કહેતાં શૈલેષ ઉશ્કેરાયો હતો અને મંદિર પાસેથી મંડપના વાંસનો ડંડો લઇ આવીને કિરણને ધમકી આપી માથામાં ઘા કરતાં તે બેભાન થઇને સ્થળ પર જ ઢળી પડયો હતો. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત કિરણને સારવાર માટે ખસેડતા બેભાન અવસ્થામાં જ તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સાવલી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News