બે સંતાનના પિતાએ દેવું વધી જવાથી ઝેરી દવા ગટગટાવી
વડુ પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં ઝેર પીધા બાદ પત્નીને ફોન કર્યો કે મેં દવા પીધી છે
વડોદરા, તા.19 પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે સાસરીમાં રહેતા યુવાને દેવું વધી જતા ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ પત્નીને જાણ કરતાં ઘરના સભ્યોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે બોરસદ તાલુકાના ડભાસી ગામનો મૂળ વતની હર્ષદ ઠાકોરભાઇ જાદવ (ઉ.વ.૩૧)ને પિતા સાથે મનમેળ નહી હોવાથી તે નરસિંહપુરા ગામે સાસરીમાં ઘરજમાઇ તરીકે રહે છે. ગઇ બપોરે તેણે વડુમાં એચ.પી. પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં તેને પત્ની પાર્વતીને ફોન કરી પોતે દવા પીધી હોવાનું જણાવતા પરિવારના સભ્યો પેટ્રોલપંપ પર દોડી ગયા હતા અને પાણીની ટાંકી પાસે બેભાન હાલતમાં મળેલા હર્ષદને સારવાર માટે ખસેડયો હતો.
આ અંગે ઝેરી દવા પીનારની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે પતિએ મારા ભાઇ તેમજ મિત્રો પાસે ઉધાર રૃપિયા લીધા હતા અને તેના કારણે દેવું થઇ ગયું હતું. આ દેવું ચૂકવી દેવા માટે બેંકમાંથી લોન લેવા માટે કાગળો પણ તૈયાર કર્યા હતાં. દેવાના કારણે ચિંતામાં તેઓ રહેતા હતાં. પોલીસે જણાવ્યું હતું કે અગાઉ હર્ષધ નોકરી કરતો હતો અને તેને બે સંતાનો છે.