બે સંતાનનો પિતા છતાં અપરિણીત હોવાનું કહ્યું લગ્નમાં રસોડાનું કામ કરતા યુવાનનું વિધવા પર દુષ્કર્મ ઃ લોન લઇ ઠગાઇ
તરસાલી વિસ્તારનો શિરીષ ઠક્કર કરજણ જઇ વિધવાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો
કરજણ તા.૬ કરજણની વિધવા મહિલા સાથે વડોદરાના તરસાલી વિસ્તારના બે સંતાનોના પિતાએ પોતે પરિણીત હોવા છતાં અપરિણીત હોવાનું જણાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ કરી વિધવાની દીકરી સાથે પણ શારીરિક અડપલા કર્યા હતાં. વિધવાના નામે રૃા.૫.૩૫ લાખની લોન લઈ ભરપાઇ નહી કરી ઠગાઇ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પીડિતાએ વડોદરાના તરસાલી વિસ્તારમાં જીઇબી સબ સ્ટેશન પાસે શારદાનગરમાં રહેતા શિરીષ ચિમનભાઇ ઠક્કર સામે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ ૧૯ વર્ષ અગાઉ મરણ પામ્યાં બાદ સાસરીમાં કોઈ ન હોવાથી કરજણ ખાતે પિયરમાં દીકરી સાથે રહી વડોદરા ખાતે લગ્ન પ્રસગે રસોડાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવું છું. રસોડાના કામ માટે શિરીષ ચીમનભાઈ ઠક્કર મને તેમજ અન્ય મહિલાઓને તેના વાહનમાં વડોદરા ખાતે લઇ જતો અને પરત મૂકી જતો હતો.
એેક દિવસ શિરીષ ઠક્કરે હું અપરિણીત છું તેમ જણાવી લગ્ન કરવાની વાત કરી હતી ત્યારે હું વિધવા છું અને મારે એક દીકરી છે એમ જણાવતાં શિરીષે મને કંઈ વાંધો નથી એમ જણાવી વિશ્વાસ કેળવી લગ્ન કરવાની લાલચ આપી હતી. તે વારંવાર કરજણ આવતો અને લગ્નના વાયદાએ શારીરિક સબંધ બાંધ્યા હતાં. ઘણી વાર દીકરી ઘરે હોય ત્યારે શારીરિક સબંધની ના પાડવા છતાં તે જબરજસ્તી કરતો હતો. મારી દીકરી સાથે પણ શારીરિક અડપલાં કર્યા હતાં.
એક દિવસ મારે પૈસાની જરૃર છે અને મને બેંકમાંથી લોન મળે એમ નથી જેથી તારા નામે લોન લઈશ અને હપ્તા હું ભરીશ તેમ જણાવ્યું હતું. શિરીષે લગ્ન કરવાનો વાયદો કર્યો હોવાથી તેની વાતમાં આવી જઇને તેને મારા ડોક્યૂમેન્ટ આપ્યા હતાં અને શિરીષે અલગ અલગ બેન્કો તેમજ પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી કુલ રૃા.૫.૩૫ લાખની લોન મારા નામે લીધી હતી. લોનના હપ્તા ભરવા માટે અગાઉ શિરીષ પૈસા આપતો હતો પરંતુ બાદમાં તેણે પૈસા આપવાનું બંધ કરી દેતા લોન ભરપાઇ નહી થતાં બેંક દ્વારા વારંવાર ઉઘરાણી થતી હતી. બાદમાં મને જાણ થઇ હતી કે શિરીષ ઠક્કર પરિણીત છે અને તેને બે સંતાનો છે.
સાત મહિલાઓના નામે પણ લીધેલી લોનની રકમ ચાઉં કરી ગયો
શિરીષ ઠક્કરે અગાઉ મારે વધારે રૃપિયાની જરૃર છે. જેથી તું મને તારા બીજા પરિચીતો પાસેથી લોન લેવડાવીને મને રૃપિયાની મદદ કર, લોનના હપ્તા હું ભરીશ એમ વિધવાને કહ્યું હતું. વિધવાએ શીરીષ મારી સાથે લગ્ન કરવાનો છે તેમ માની તેને મદદ કરવા માટે ફળિયાની સાત જેટલી મહિલાઓના નામે શિરીષને લોન અપાવી હતી. સાત મહિલાઓના નામે લીધેલી લોનના રૃપિયા પણ શિરીષ ચાઉં કરી ગયો હતો.