વાઘોડિયારોડના યુવાને રહસ્યમય સંજોગોમાં નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું
કેનાલ પાસેથી બાઇક અને મોબાઇલ મળ્યા ઃ પરિવારના સભ્યો રિંગ મારતા હતા અને પોલીસે ફોન ઉપાડયો
જરોદ તા.૧૩ વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા સવિતા હોસ્પિટલ પાછળ બાબાનગર સોસાયટીમા રહેતા ૩૦ વર્ષના ચંદ્રેશ ઉમેશભાઈ તિવારીએ ઘરેથી દવા લેવા જઉં છુ તેમ કહી ઘેરથી નીકળીને જરોદ પાસે ખંડીવાડાથી રાજપુરા જતી નર્મદાની મુખ્ય કેનાલમા કોઈ કારણસર ઝંપલાવ્યુ હતુ.
યુવક ઘરેથી નીકળ્યા બાદ પરિવારે સતત ફોનથી યુવકનો સંપર્ક કરતા ચંદ્રેશ તિવારી ફોન ઉપાડતો ન હતો. ચન્દ્રેશે નર્મદા કેનાલમાં ઝંપલાવતા પહેલા પોતાની બાઈક અને મોબાઈલ કેનાલ પર બિનવારસી છોડયા હતાં. બિનવારસી બાઈક અને મોબાઈલની જાણ જરોદ પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. મોબાઈલ ફોનની રિંગ વાગતા ફોન ઉપાડતા યુવકની ઓળખ થઈ હતી.
જરોદ પોલીસે કેનાલ પર મળેલ બિનવારસી બાઈક અંગેની જાણ પરિવારને કરતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કેનાલમાં પાણીના પ્રવાહમાં યુવકને શોધી કાઢવા ગઈકાલે વડોદરા ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતું સાંજ સુઘી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે પણ વહેલી સવારથી પોલીસ અને પરિવારજનોએ કેનાલ પર યુવકની શોધખોળ રાખી હતી પરંતુ બનાવને ચોવીસ કલાક વિતવા છતા યુવકની કોઈ ભાળ મળી નથી.
કેનાલમા પડેલ ચંદ્રેશ તિવારીનો બે મહિના પહેલા સામાન્ય અકસ્માત થયો હતો. તે બાદ સ્વસ્થ થયો હતો. જોકે ઘરે કોઈને પણ કહ્યા વગર નિકળેલા ચંદ્રેશ તિવારીએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યુ તે હજી રહસ્ય છે. પોલીસે ચંદ્રેશનો મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલમાંથી કોઈ કડી પોલીસને હાથ લાગે તો યુવકે કયા કારણોસર આવું પગલું ભર્યું તે જાણવા મળી શકે તેમ છે.