ઘેરથી ભાગીને રેલવે સ્ટેશન પર કિશોરી તેમજ યુવતીઓનો આશરો
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ભાગીને આવતી કિશોરીઓ ઃ ૧૪ બાળકોને પણ પરિવારને સોંપ્યા
વડોદરા, તા.11 રાજ્યમાં તેમજ અન્ય રાજ્યમાંથી ઘેરથી નીકળીને વડોદરા તેમજ નજીકના રેલવે સ્ટેશન પર આવી ગયેલા માસૂમ બાળકો તેમજ અન્ય કારણોસર રેલવે સ્ટેશન પર આશરો લેતી મોટી વ્યક્તિઓને શોધીને રેલવે પોલીસે પરિવારજનો સાથે મુલાકાત કરાવી હતી. ફેબુ્રઆરી માસમાં જ ૫૨ વ્યક્તિઓ પરિવારને પરત મળી હતી.
વડોદરા રેલવે પોલીસના તાબામાં આવતા ૧૦ પોલીસ સ્ટેશનોમાં વિખૂટા પડી ગયેલા બાળકો તેમજ કોઇપણ કારણસર ઘેરથી નીકળી ગયેલા સ્ત્રી-પુરુષોને શોધી કાઢવામાં આવ્યા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૮ વર્ષ સુધીના ૧૪ બાળકો તેમજ ૨૦ બાળકી મળી કુલ ૩૪નું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. વડોદરા અને સુરત રેલવે સ્ટેશન પરથી સૌથી વધુ માસૂમ બાળકો મળ્યા હતાં.
આ ઉપરાંત ૧૮ વર્ષથી વધુ વયના ત્રણ પુરુષો અને ૧૫ સ્ત્રીઓ મળી કુલ ૧૮ વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે શી ટીમ દ્વારા મેળાપ કરાવાયો હતો. વડોદરા રેલવે સ્ટેશન પર એક ૧૪ વર્ષની કિશોરી મળી હતી. તે તેના ઘેરથી નીકળી ગઇ હતી જે અંગે થાનગઢ પોલીસમાં ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત દાહોદમાં પણ ૯ વર્ષની બાળકી ઘેરથી નીકળીને રેલવે સ્ટેશન પર આવતાં તેને પણ પરિવારના સભ્યોને સોંપાઇ હતી. જ્યારે ઉત્તર પ્રદેશથી ૧૯ વર્ષનો યુવાન અને ૧૪ વર્ષની કિશોરી ભાગીને સુરત રેલવે સ્ટેશન પર આવતાં બંનેને પકડી યુપી પોલીસને સોંપી દીધા હતાં. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ઘેરથી નીકળીને રેલવે સ્ટેશન પર આવેલી ૧૬ વર્ષની બે સગીરાને સમજાવીને પરિવારને સોંપી દેવાઇ હતી.