Get The App

આઇટી ઓફિસમાં નોકરી કરતી યુવતીનો રહસ્યમય આપઘાત

બોરસદથી સવારે માતા પુત્રીના ફ્લેટ પર આવી તો પંખા પર લટકતી લાશ મળી ઃ આપઘાતનું રહસ્ય અકબંધ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
આઇટી ઓફિસમાં નોકરી કરતી યુવતીનો રહસ્યમય આપઘાત 1 - image

વડોદરા, તા.13 શહેર નજીક સેવાસી ખાતેના એક ફ્લેટમાં ભાડેથી રહેતી અને આઇટી કંપનીમાં નોકરી કરતી મૂળ બોરસદની યુવાન પરિણીતાએ રહસ્યમય સંજોગોમાં પંખા પર ઓઢણીથી ગળા ફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ  હતું.

આ અંગેની વિગત એવી છે કે આણંદ જિલ્લામાં બોરસદ ખાતે બ્રાહ્મણ ફળિયામાં રહેતા  હર્ષદ લક્ષ્મણભાઇ રાઠોડની પુત્રી રુષિકા (ઉ.વ.૨૩)એ ફળિયામાં જ રહેતાં કલ્પિત રાઠોડ સાથે ફેબુ્રઆરીમાં પ્રેમલગ્ન કર્યા હતાં. ચાર મહિના પહેલાં પતિ કલ્પિત લંડન નોકરી કરવા માટે ગયો હતો અને રુષિકાની પણ લંડન જવા માટેની પ્રક્રિયા ચાલુ હતી.

દરમિયાન રુષિકાને સેવાસીમાં અનંતા સ્ટેલિયમ ખાતે આવેલી પટેલ પ્રોસેસિંગ નામની આઇટી ઓફિસમાં નોકરી મળતાં તે સેવાસી ખાતે વક્રતુંડ પામ ખાતે ફ્લેટ ભાડે રાખી નોકરી કરતી હતી. છેલ્લા બે માસથી નોકરી શરૃ કરી હોવાથી માતા પણ બોરસદથી આવીને પુત્રી સાથે રહેતી હતી. સોમવારે ઓફિસમાં રજા હોવાથી રુષિકા અને તેની માતા વિમળાબેન બંને એક્ટિવા પર બેસીને બોરસદ ગયા હતા અને ત્યાં માતાને મૂકીને રુષિકા આણંદ ખાતે મૂવી જોઇને પરત ઘેર આવી હતી અને પોતે ઘેર પહોંચી ગઇ છે તેવી માતા સાથે વાત કરી હતી.

આજે સવારે નવ વાગે માતા ફ્લેટ પર આવી અને દરવાજો ખખડાવતા પુત્રીએ દરવાજો ખોલ્યો ન હતો જેથી પુત્રીને મોબાઇલ કર્યો હતો પરંતુ મોબાઇલની રિંગ વાગતી હતી જેથી પાડોશીઓની મદદથી દરવાજાને જોરથી ધક્કો મારતા દરવાજો ખૂલી ગયો હતો. આ વખતે ફ્લેટના હોલમાં દ્રશ્ય જોતાં જ માતા ડઘાઇ ગઇ હતી. પુત્રીએ ઓઢણીથી પંખા પર ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ  હાથ ધરી છે.




Google NewsGoogle News